- બિલાડીના ગળે ઘંટ બાંધવા જેવી વાત
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ દિવસે દિવસે તમામ લક્ષ્મણરેખાઓ ઓળંગી રહ્યું છે. હમાસ દ્વારા જે રીતે ઈઝરાયેલ પર અચાનક હુમલો કરવામાં આવ્યો અને ત્યાંની પ્રજા સાથે બર્બરતા આચરવામાં આવી તે પછી ઈઝરાયેલ છંછેડાયું છે. હમાસને ખતમ કરવાની કસમ ખાધી છે. ઈઝરાયેલ હવાઈ હુમલા કરીને હમાસ અને ગાઝા પટ્ટીને ખાતમો બોલાવી રહ્યું છે. અત્યાર સુધીમાં 4000થી વધુ નિર્દોષો યુદ્ધના ખપ્પરમાં હોમાઈ ગયા છે. હજારોને ઈજા થઈ છે. હજારો બાળકો નિરાધાર થઈ ગયાં છે. તોતિંગ ઈમારતોનાં કાટમાળ નીચે દટાયેલાઓનો તો આંકડો જ મળતો નથી. યુદ્ધે 12 દિવસમાં ભારે વિનાશ વેર્યો છે. ગાઝા પટ્ટી અને હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતા સ્થળો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વધુ વિનાશ વેરે તે પહેલાં યુદ્ધ બંધ થાય તેમાં જ સૌની ભલાઈ છે. ભારતનાં પીએમ મોદીએ તો સૌથી પહેલા બંને દેશોને સંયમ રાખીને યુદ્ધ બંધ કરવા અપીલ કરી છે. તે પછી સંયુક્ત રાષ્ટ્રનાં વડા ગુટરેસ દ્વારા બંને પક્ષોને યુદ્ધવિરામ જાહેર કરીને યુદ્ધ બંધ કરવા અપીલ કરાઈ છે. હમાસને તમામ બંધકોને બિનશરતી મુક્ત કરવા અને ગાઝા પટ્ટી સુધી માનવીય સુવિધા પહોંચાડવા અનુરોધ કર્યો છે. યૂક્રેન સાથે યુદ્ધ કરનાર પુતિન હવે શાંતિ સ્થાપવાની ઝુંબેશમાં જોડાયા છે. તેમણે હમાસ અને ઈઝરાયેલને તલવારો મ્યાન કરવા અપીલ કરીને ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે તેવો ઘાટ સર્જ્યો છે. બિલાડીઓના ગળે ઘંટ કોણ બાંધે તેની રાહ જોવાઈ રહી છે. યુદ્ધ માટેનાં કારણો શોધતા દેશો જ હમાસ અને ઈઝરાયેલને યુદ્ધ બંધ કરવાની સુફિયાણી સલાહ આપી રહ્યા છે. યુએસ પ્રમુખ જો બાઈડેન હવે સ્થિતિ થાળે પાડવા ઈઝરાયેલ અને જોર્ડન જઈ રહ્યા છે. શસ્ત્રો વેચવા આખા વિશ્વમાં તંગદિલી સર્જનાર દેશોએ શાંતિનો અંચળો ઓઢીને સમાધાનના પ્રયાસો શરૂ કર્યા છે. ભારતે સ્વતંત્ર પેલેસ્ટાઈન દેશની રચના કરીને સમસ્યા ઉકેલવા સૂચવ્યું છે. ભારતની આ દરખાસ્તને કેટલાક દેશોનું સમર્થન મળ્યું છે. કંઈક નવી દિશા મળે તે પહેલાં માનવતાનાં ધોરણે નરસંહાર બંધ થવાની જરૂર છે. ઈઝરાયેલને હુમલાનો જવાબ આપવાનો અધિકાર છે તેવું વલણ દર્શાવનાર બાઈડેનના સૂર બદલાયા છે. તેમણે ઈઝરાયેલ દ્વારા ગાઝા પર કબજો જમાવવા સામે ચેતવણી ઉચ્ચારીને તેને મોટી ભૂલ ગણાવી છે. વિશ્વ સમુદાયના મોટાભાગના દેશો હવે ઈઝરાયેલને કાબૂમાં રાખવા મેદાને પડયા છે. જો આ યુદ્ધ લાંબું ચાલશે તો કેટલો વિનાશ વેરશે અને વિશ્વને કેટલું નુકસાન થશે તેનો અંદાજ મેળવવો મુશ્કેલ છે. વર્ષો સુધી આ ખોટ પૂરી શકાશે નહીં તે નક્કી છે.










