- વિદ્યાર્થીઓમાં હતાશા, ચિંતાનું કારણ
રાજસ્થાનનું કોટા શહેર દેશનું સૌથી મોટું કોચિંગ માર્કેટ બની ગયું છે. અહીં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ કોચિંગ માટે આવે છે. જેના કારણે કોચિંગ સંચાલકો વાર્ષિક કેટલાય હજાર કરોડની કમાણી કરે છે. જો કે, કોટા આવતા તમામ વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગની પરીક્ષામાં સફ્ળ થતા નથી. પરંતુ દેશની ટોચની મેડિકલ અને એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓમાં કોટામાં કોચિંગ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. તેથી જ માતા-પિતા તેમના બાળકોને કોચિંગ માટે કોટા મોકલે છે. કોટામાં કોચિંગ લેતા વિદ્યાર્થીઓને દર વર્ષે લાખો રૂપિયા ખર્ચવા પડે છે. ઘણા વિદ્યાર્થીઓના માતા-પિતા આટલો ખર્ચ ઉઠાવવાની સ્થિતિમાં ન હોવા છતાં, તેઓ તેમના બાળકોને આ આશા સાથે કોટા મોકલે છે કે જો તે પરીક્ષામાં સફ્ળ થશે, તો તે ભવિષ્યમાં એન્જિનિયર અથવા ડૉક્ટર બનશે. આ માટે લોકો લાખો રૂપિયાની લોનના બોજ હેઠળ દટાઈ જાય છે. કોચિંગના મોટા કેન્દ્ર કોટામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાની ઘટનાઓ શહેર પર લાંછન લગાવી રહી છે. ગત ઓગસ્ટમાં જ કોટામાં કોચિંગ કરી રહેલા પાંચ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. વર્ષ 2023ના 8 મહિનામાં કોટામાં અત્યાર સુધીમાં 23 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. છેલ્લા 5 વર્ષમાં અહીં 70 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.
કોટામાં કોચિંગ ઇન્સ્ટિટયૂટમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાની સતત ઘટનાઓને કારણે આખો દેશ શોકમાં છે. સરકાર અને પ્રશાસનના લાખો પ્રયાસો છતાં કોટાના વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાની ઘટનાઓ અટકી રહી નથી. કોટામાં આત્મહત્યા કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓ ગરીબ અથવા મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવે છે. આ વર્ષે આત્મહત્યા કરનારા 23 વિદ્યાર્થીઓમાંથી 19 પુરુષ અને ચાર મહિલા હતા. તેમાંથી 17 વિદ્યાર્થીઓ NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને 6 વિદ્યાર્થીઓ JEE પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. કોટામાં વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓ પર અભ્યાસ માટેનું માનસિક દબાણ હોવાનું માનવામાં આવે છે. કોટા આવતા વિદ્યાર્થીઓ જાણે છે કે તેમના માતાપિતાએ તેમને કોચિંગ લેવા માટે કોટા મોકલ્યા છે. અહીંનું વાતાવરણ ત્યારે જ સુધરશે જ્યારે કોટામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખુલ્લા મનથી અને કોઈપણ દબાણ વગર અભ્યાસ કરવાનું શરૂ કરશે. અહીં ચાલતી કોચિંગ સંસ્થાઓએ યાંત્રિક સ્તરે ચાલતી સ્પર્ધાને અટકાવીને હકારાત્મક વાતાવરણ ઊભું કરવું પડશે. તો જ કોટામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સલામતી અનુભવી અભ્યાસ કરી શકશે. જ્યાં સુધી કોટામાં કાર્યરત કોચિંગ સંસ્થાઓ તેમના કામને પૈસા કમાવવાનું મશીન માનવાનું બંધ નહીં કરે અને તેમના વિદ્યાર્થીઓ સાથે સંવેદનશીલતાથી વર્તે, ત્યાં સુધી કોટાની સ્થિતિમાં સુધારો થશે નહીં.










