• રશિયા-યૂક્રેન યુદ્ધ

રશિયા અને યૂક્રેન વચ્ચેનું યુદ્ધ તેનાં ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે. રશિયા અને ક્રિમિયાને જોડતા પુલને યૂક્રેને ફૂંકી માર્યા પછી રશિયાનાં પ્રમુખ પુતિન મરણિયા થયા છે. પુતિનની અણુ હુમલાની ધમકી વચ્ચે આખું વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધની કગાર પર આવીને ઊભું છે. સોમવારથી અત્યાર સુધીમાં રશિયન સેનાએ યૂક્રેન પર અંધાધૂંધ મિસાઇલ્સમારો ચલાવ્યો છે. ફરી એકવાર યૂક્રેનમાં તબાહી મચી છે. તેનાં કેટલાક શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. સંખ્યાબંધ નાગરિકોનાં મોત થયા છે. પુતિનનાં આ આક્રમક હુમલાની આખા વિશ્વમાં ભારે નિંદા થઈ રહી છે. ભારત સહિત અનેક દેશોએ રશિયાનાં રહેણાંક વિસ્તારો પર કરવામાં આવતા હુમલાની ટીકા કરી છે. બીજી બાજુ અમેરિકા તેમ જ નાટો દેશોએ યૂક્રેનને આપવામાં આવતી લશ્કરી અને આર્થિક સહાય વધારી છે. UN નું રશિયા પ્રત્યેનું વલણ હવે પહેલાં કરતા કડક થયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાને મોટો ફટકો પડયો છે. આલ્બેનિયાએ રજૂ કરેલો નિંદા પ્રસ્તાવ 143 મતથી પાસ થઈ ગયો છે. જો કે ભારતે મતદાનમાં ગેરહાજર રહીને તટસ્થ વલણ દર્શાવ્યું છે. રશિયા હવે ચારે તરફથી તકલીફમાં મુકાઈ રહ્યું છે. તેનાં પરનો સકંજો વધી રહ્યો છે. યુદ્ધ બંધ કરવા તેનાં પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે. યુએનમાં પસાર કરવામાં આવેલા ઠરાવમાં રશિયાએ યૂક્રેનનાં 4 શહેરો પર કરવામાં આવેલો કબજો અને જનમત સંગ્રહની ઉગ્ર શબ્દોમાં ટીકા કરાઈ છે. અગાઉ આ નિંદા પ્રસ્તાવ પર ગુપ્ત મતદાન કરાવવા રશિયાએ માગણી કરી હતી જેને ભારત સહિત અન્ય દેશોએ ફગાવી હતી. યુએનને મોડે મોડે સમજાયું છે કે આ મામલો રશિયા અને યૂક્રેન વચ્ચેનો નથી પણ તમામ રાષ્ટ્રોની સ્વયત્તતા તેમજ લોકશાહીને જાળવી રાખવાની છે. રશિયાએ કોઈની પરવા કર્યા વિના યૂક્રેનનાં 4 દેશોને તેનાંમાં વિલીન કર્યા છે. જો વિશ્વનાં દેશો તેનો વિરોધ ન કરે તો જમ ઘર ભાળી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. વિશ્વનાં અન્ય સુપર પાવર દેશો નાના દેશો પર હુમલા કરીને ગમે ત્યારે કબજો જમાવી શકે છે. તેથી રશિયાની આ હરકતનો કોઈપણ ભોગે વિરોધ કરવાનું યુએન તેમજ અન્ય દેશોને સમજાયું છે. ભારતે આ મામલે અત્યાર સુધી તટસ્થ વલણ જાળવ્યું છે. યુએનમાં પણ તે સમય પારખીને નિર્ણય લઈ રહ્યું છે. અમેરિકા, બ્રિટન, નાટો દેશોએ યુએનમાં રશિયાની વિરુદ્ધ જંગ છેડીને ફરી એકતા દર્શાવી છે. પુતિન પણ ગાંજ્યા જાય તેવા નથી તેઓ યુએન અને વિશ્વનાં તમામ દેશોની ધમકીને ઘોળીને પી ગયા છે. યૂક્રેનમાં નરસંહાર ચાલુ રાખ્યો છે. જો કોઈ દેશ રશિયાને છંછેડશે તો અણુ હુમલા કરવાની ધમકી આપી છે. અમેરિકાએ સામે બાંયો ચઢાવી છે. આમ બન્ને બળિયા બાથે વળગ્યા તેમાં ત્રીજા વિશ્વ યુદ્ધનાં ભણકારા વાગી રહ્યા છે.


  • Follow us on: