• ત્રાસવાદી હુમલા સામે અભેદ્ય સુરક્ષા કવચ સર્જનાર અમેરિકામાં દર દસ દિવસે અંધાધૂંધ ફયરિંગની ઘટના થતી રહે છે

અમેરિકાના મૈને રાજ્યના લેવિસ્ટન શહેરમાં બનેલી માસ શૂટિંગની વધુ એક ઘટનામાં 22 લોકોના મોત થયા છે. યુએસના એકદમ પૂર્વમાં આવેલા શહેરમાં બનેલી આ ઘટનામાં રોબર્ટ કાર્ડ નામના ભૂતપૂર્વ ફૈજીએ ફયરિંગ કરેલું. અમેરિકામાં છાશવારે જાહેર સ્થળોએ અંધાધૂંધ ફયરિંગની ઘટના બને છે અને ઊહાપોહ થતો રહે છે. હવે તો હદ થઇ ગઈ છે અને અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નરે તો હવે સ્કૂલોમાં શિક્ષકોને બંદુક સાથે રાખવાની વકીલાત કરી છે.

અમેરિકામાં બંધારણીય રીતે જ લોકોને હથિયારો રાખવાનો અધિકાર છે. અમેરિકામાં ગમે તે વ્યક્તિ હથિયાર રાખી શકે છે. અમેરિકામાં દરેક રાજ્યમાં અલાયદા કાયદા છે પણ મોટાભાગનાં રાજ્યોમાં હથિયારો રાખવાના નિયમો હળવા છે. માત્ર છ રાજ્યોમાં હથિયારો રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અમેરિકામાં 4 વર્ષમાં 58,581 લોકોની ગનથી હત્યા થઇ હતી. 2014માં અમેરિકામાં 21,386 લોકોએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. અંમેરિકામાં માણસો કરતાં હથિયારોની સંખ્યા વધારે છે. વ્યક્તિ દીઠ ગન વપરાશમાં અમેરિકા વિશ્વમાં સૌથી આગળ છે. અમેરિકામાં નોંધાતા ગુનામાં દર 10મો ગુનો ગન ફયરિંગને લગતો હોય છે. બંદૂકોનો અમેરિકામાં અબજો રૂપિયાનો બિઝનેસ છે. દર વર્ષે 50 લાખથી વધારે બંદૂકોનું ઉત્પાદન થાય છે જેમાંની મોટાભાગની અમેરિકામાં જ ખપી જાય છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં અમેરિકામાં ગોળીબારની 36મી ઘટના છે એટલે કે સરેરાશ 10 દિવસે એક ઘટના નોંધાઇ રહી છે. અમેરિકા દુનિયાનો સૌથી ધનિક દેશ છે . એક સમયે દુનિયાના સૌથી સુરક્ષિત દેશ અમેરિકામાં જાહેર ફયરિંગની ઘટના માટે માત્ર ગન કલ્ચર જ નહિ પરંતુ માનસિક સંતાપને પણ કારણભૂત હોવાનું મનોવિજ્ઞાનીઓ કહે છે. અમેરિકાએ પૈસાના જોરે ભૌતિક સવલતો ઊભી કરી દીધી પણ તેના કારણે માનસિક વલોપાત પણ ભેટમાં મળ્યો છે. અમેરિકામાં તમામ ભૌતિક સવલતો મળે છે પરંતુ ડોલરથી માનસિક શાંતિ મળતી નથી. એવી કોઈ દુકાન બની નથી જે તરુણો અને યુવાનોને આંતરિક સંતોષ આપે. બધી ભૌતિક સંપદા હોવા છતાં લોકોને કશું પૂરતું લાગતું નથી. સતત માનસિક વ્યથાના કારણે ઉકળાટ બહાર આવે છે. વધુ ને વધુ અમેરિકનો હતાશાનો ભોગ બની રહ્યા છે. અમેરિકાની સરકાર પણ મોટાભાગે વોર મૂવીની જેમ વિશ્વભરમાં થતા વોરમાં શસ્ત્રોના પ્રયોગ કરતી રહે છે. અફ્ઘાનિસ્તાન, ઈરાક, યૂક્રેન અને હવે મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ-હમાસની લડાઈમાં પણ અમેરિકન વોરશિપ પહાંેચી ગયા છે. સતત આધુનિક શસ્ત્રોની લ્હાયમાં રહેતું અમેરિકા જગતનું જમાદાર તો બનવા જાય છે પરંતુ તેના કારણે અમેરિકન સમાજમાં જે માનસિક ઉત્પાત સર્જાય છે તેનું પ્રતિબિંબ આવી ઘટનામાં જોવા મળે છે.

 હમણાની ઘટનામાં ફયરિંગ કરનાર કાર્ડ માનસિક રોગી છે એવું પોલીસનો રેકોર્ડ કહે છે. 40 વર્ષના નિવૃત્ત લશ્કરી અધિકારી કાર્ડની ભૂતકાળમાં ઘરેલું હિંસાના કેસમાં ધરપકડ થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં કાર્ડને માનસિક તકલીફે શરૂ થઈ ગઈ હતી. તેને ચિત્રવિચિત્ર અવાજો સંભળાતા હતા કે જેના કારણે તે ગુસ્સે થઈ જતો હતો. તેને આસપાસના અવાજો પસંદ નહોતા અને તેના કારણે તે એ હદે રિએક્ટ કરતો કે સાવ પાગલની જેમ વર્તતો હતો. કાર્ડે સાકોમાં આવેલા મિલિટરી ટ્રેનિંગ કેમ્પમાં હુમલો કરવાની ધમકી પણ આપી પછી તેને બે અઠવાડિયા માટે માનસિક સ્વાસ્થ્ય સુવિધા કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં એક વર્ગ માને છે કે, અમેરિકામાં આવા હત્યાકાંડ રોકવા હોય તો ગન કલ્ચર પર અંકુશ જરૂરી છે. ગન કલ્ચરના કારણે કાર્ડ જેવા માનિસક રોગીઓને લોકોને મારવા માટે આસાનીથી હથિયાર મળી રહે છે. આ હથિયાર હાથવગાં ના હોય તો કાર્ડ જેવા લોકો પોતાની હતાશા કોઈના પર નહીં કાઢે એવું થવાનું નથી પણ ગણતરીની મિનિટોમાં 22 લોકોને મારી નાંખે એવા હત્યાકાંડ પણ ના સર્જી શકે એ વાસ્તવિકતા છે. ભારતમાં હથિયારો રાખવાં એ સંગીન અપરાધ છે. સ્વરક્ષણ માટે હથિયાર રાખવું હોય તો તેના માટે લાઇસન્સ ફરજિયાત લેવું પડે છે. હથિયારોનું લાઇસન્સ લેવા નાણાં ખર્ચવાં પડે છે. સામાન્ય લોકો માટે હથિયાર રાખવું મુશ્કેલ છે.

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નરે તો હવે સ્કૂલોમાં શિક્ષકોને બંદુક સાથે રાખવાની વકીલાત કરી છે અને આ માટે શિક્ષકોને બંદુક ચલાવવાની બાકાયદા ટ્રેનિંગ આપવાની પણ વાત કરી છે. જેથી કોઈ હુમલાખોર સ્કૂલમાં અંધાધુંધ ફયરિંગ કરે તો શિક્ષકો તેનો જવાબ આપી શકે. સ્કૂલોની સુરક્ષા પાછળ ખર્ચ કરવો જરૂરી છે. શિક્ષકો અને કર્મચારીઓને બંદુક ચલાવવાનું શીખવાડવા માટે ટ્રેનિંગ આપવામાં આવશે. આ માટે દર વર્ષે દરેક સ્કૂલ પાછળ 10,000 ડોલરનો ખર્ચ થઈ શકે છે. સાથે સાથે તેમણે સ્કૂલોમાં સુરક્ષા ગાર્ડ મૂકવા માટે પણ કહ્યું છે.

જ્યોર્જિયા રાજ્યમાં પણ બંદુકનો ઉપયોગ કરીને હત્યાકાંડ સર્જાઈ ચૂકયા છે. પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સ્કૂલોમાં સુરક્ષા અધિકારીઓને ગન સાથે મૂકવાના પક્ષમાં છે. તેમનું માનવું છે કે, મોટાભાગે હુમલાખોરો સ્કૂલને જ નિશાન બનાવતા હોય છે. કારણ કે ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ ગન સાથે તૈનાત નથી હોતા.

કેવી ખતરનાક પરિસ્થિતિ છે અને આપણે અમેરિકાને સપનાનો દેશ કહીએ છીએ. અમાનવીય ઘટનાઓ પૂરા વિશ્વમાં બની રહી છે પરંતુ અંધાધૂંધ ગોળીબાર જેવી ઘટનાઓ અમેરિકા જેટલી ક્યાંયે થતી નથી. 9/11 બાદ ત્રાસવાદી હુમલા સામે સખત સુરક્ષા કવચ બનાવનાર અમેરિકા ખુદના જ નાગરિકોથી સલામત નથી. આ કેવો સમાજ છે જ્યાં શાળાના ભૂલકાઓ, નિર્દોષ રાહદારીઓ અને જાહેર કાર્યક્રમોમાં વિના કારણે ફયરિંગ થાય છે અને અચાનક લોકો ઢળી પડે છે. ખુદને બુદ્ધિશાળી અને સભ્યસમાજ ગણાવતા અમેરિકામાં આ સિલસિલો અટકાવવાનો કોઈ ઉપાય નથી એ પણ કેટલું આૃર્યજનક ગણાય?


  • Follow us on: