• ગુરુવંદના : શિક્ષક પણ ગુરુ જ છે. એક રીતે એ ભારતીય ઋષિપરંપરાના સીધી લીટીના વારસદાર છે

ગુરુપૂર્ણિમાના પાવન અવસરની સંપન્નતા વચ્ચે આપણે સહુ, એ વાત યાદ રાખીએ કે ગુરુપરંપરાનો વૈશ્વિક ખ્યાલ ભારતીય સંસ્કૃતિની જગતને સૌથી મોટી દેણ છે. આપણી મહાન ભારતીય સંસ્કૃતિ આ પરંપરાની જન્મદાત્રી છે. આપણે જાણીએ છીએ એમ ગુરુવંદના અને ગુરુમહિમાનું ગાન, ગુરુ અને શિષ્ય એમ ઉભય પક્ષે નિતાંત પ્રેમ અને જ્ઞાન પ્રત્યાર્પણની અનોખી, અનુપમ ઘટના છે. ગુરુના અપાર આશીર્વાદ મેળવી શિષ્ય હંમેશાં પ્રગતિના પથ પર અગ્રેસર થતો હોય છે. મનના સંશય, વહેમ, પ્રશ્નો અને મૂંઝવણો રૂપી અંધકારમાંથી ગુરુ જ માર્ગ બતાવીને, જ્ઞાનરૂપી અજવાસથી શિષ્યનું જીવન ઉર્ધ્વગામી બનાવતા હોય છે. એટલે જ આપણે ત્યાં શિષ્ય ગુરુ પ્રત્યે સદા સમર્પિત ભાવ રાખતો આવ્યો છે.

શિષ્ય પોતે અનેકવિધ રૂપે ગુરુને ધારણ કરતો હોય છે. આધ્યાત્મિક ગુરુ, ધાર્મિક ગુરુ, વિદ્યા ગુરુ, રાજકીય ગુરુ જેવા અનેક રૂપે ગુરુને શિષ્ય પોતે મન, વચન, કર્મથી ધારતો હોય છે. ભગવાન દત્તાત્રેજીએ 24 અલગ અલગ ગુરુ ધારણ કરેલા. ગુરુનું કામ શિષ્યને જ્ઞાનથી મંડિત કરવાનું અને તેજોમય બનાવવાનું છે.

આપણે ત્યાં ગુરુ-શિષ્યની અનોખી પરંપરાનો ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે. મહાત્મા ગાંધીએ પોતાના રાજકીય ગુરુ તરીકે આપણાં મહાન સ્વાતંત્ર્યસેનાની ગોપાલકૃષ્ણ ગોખલેને ધારણ કર્યાં હતા, તો વળી આધ્યાત્મિક ગુરુ તરીકે તેઓએ શ્રીમદ્ રાજચંદ્રને પોતાના ગુરુ માન્યા હતા. શ્રીમદ્ રાજચંદ્ર શતાવધાની સંતપુરુષ હતા. ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી જ મહાત્મા ગાંધીએ ભારતભ્રમણ કરીને દેશની સ્થિતિ અને પ્રજાનાં મૂડને પારખવાનો પ્રયત્ન કર્યો હતો. જેનાથી આગળ જતા એમને આઝાદીની લડત લડવામાં ખૂબ મદદ મળી હતી.

પંડિત મદનમોહન માલવિયાજીએ પંડિત શ્રીરામ શર્મા આચાર્યને ગાયત્રીમંત્રની દીક્ષા આપી હતી. એટલે કે એ રીતે મદનમોહન માલવિયાજી પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ગુરુ હતા. ગાયત્રી પરિવારના સ્થાપક, યુગદ્રષ્ટા પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જેવા વિદ્વાન અધ્યાત્મ પુરુષને ગાયત્રીમંત્રની દિક્ષા આપનાર માલવિયાજીની વિરાટ પ્રતિભાનો એ રીતે આપણને પરિચય થાય છે.

સાંદીપનિ ઋષિ જગદ્ગુરૂ શ્રીકૃષ્ણના પણ ગુરુ હતા. સાંદીપનિ ઋષિના આશ્રામે રહી ને ભગવાન શ્રીકૃષ્ણએ આશ્રામના કામ કરવા સાથે વિદ્યાભ્યાસ કર્યો હતો. વસિષ્ઠ ભગવાન રામચંદ્રજીના કુળગુરુ હતા. સિકંદર, સોક્રેટીસ, એરિસ્ટોટલ અને પ્લેટોની ગુરુ-શિષ્ય પરંપરા પણ અજોડ અને પ્રેરણાદાયી હતી. આવા મહાન ગુરુ-શિષ્યોની ઉમદા પરંપરાથી ઇતિહાસના પાનાં ઊજળા છે.

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ વગેરે જેવા અનેક ઉત્તમ શિક્ષકોએ અનેક વિદ્યાર્થીઓને દિશાદર્શન આપી, પોતાના ગુરુપણાની આભાથી પ્રકાશિત કર્યાની વાતથી આપણે સૌ પરિચિત છીએ. પ્રમુખ સ્વામી મહારાજ, મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા જેવા ગુરુઓ બહુ મોટા સમુદાયને જીવન જીવવાની અવિરત પ્રેરણા આપી બહોળા સમુદાયનું માર્ગદર્શન કરી રહ્યા છે. સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિ અને આપણી સંત પરંપરામાં ગુરુ મહિમાનું અજોડ મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે.

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ અષાઢ મહિનાની પૂર્ણિમાએ થયેલો. એટલે આ પૂર્ણિમાને આપણે ગુરુપૂર્ણિમાના દિવસ તરીકે સમગ્ર દેશમાં ઊજવીએ છીએ. વેદ વ્યાસજી પ્રત્યેના સન્માનને લીધે આપણે ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા નામથી પણ ઓળખીએ છીએ. કારણ કે વેદોનું જ્ઞાન આપનારા વ્યાસજી હતા, તેથી જ તેઓ આદિગુરુ કહેવાય છે. અને માટે જ તેમની યાદને તાજી રાખવા માટે આપણે પોત-પોતાના ગુરુઓને વ્યાસજીનાં અંશ માની આ દિવસે તેમની ભક્તિથી પૂજા-અર્ચના કરીએ છીએ. ગુરુનું મહિમાગાન કરતા અનેક પદ, શ્લોક અને પંક્તિઓ આપણે ત્યાં વિખ્યાત છે.

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ*

ગુરુ જ આપણાં માટે સર્વસ્વ છે એવી વાત આ શ્લોકમાં કહેવામાં આવી છે. ગુરુની સાચી સેવાથી શિષ્ય જ્ઞાનરૂપી પુંજી પામે છે. આપણે ત્યાં એવા અસંખ્ય દાખલા છે, જેમાં શિષ્ય દ્વારા પોતાના ગુરુની સેવામાં બધું સમર્પિત કરી દેવામાં આવ્યું હોય. સૌરાષ્ટ્રની અનેક દેહાણ જગ્યાઓ ગુરુ-શિષ્ય પરંપરાનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે.

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે પોતાના શિક્ષાગુરુ વિશ્વામિત્ર પાસે બહુ સંયમ, વિનય અને વિવેકથી રહી જ્ઞાન પ્રાપ્તિ કરી હતી. આરુણિ પોતાના ગુરુની કૃપાથી બધા વેદ, શાસ્ત્ર અને પુરાણનું જ્ઞાન પામ્યા હતા. એકલવ્યએ દ્રોણચાર્યને ગુરુ માની, તેઓની માટીની મૂર્તિ બનાવીને, સાચી શ્રાદ્ધાથી શિક્ષા ગ્રહણ કરી હતી. એકલવ્યની આ ગુરભક્તિને લીધે તે ધનુર્વિદ્યામાં નિપુણ બનેલ. સંત કબીરજી રામાનંદજીને ગુરુ બનાવવા હેતુ એક દિવસ વહેલી સવારે પંચગંગાનાં ઘાટની સીડીઓ પર જ ઊંધી ગયેલા. રોજની જેમ સ્વામી રામાનંદજી જ્યારે સ્નાન કરવા આવ્યા તો તેમનો પગ સીડી પર નીંદર કરી રહેલા કબીરની છાતી પર પડયો, અને તેઓ રામ-રામ બોલી ઊઠયા. બસ, કબીરજીએ આ *રામ-રામ* શબ્દને જ ગુરુમંત્ર માની લીધો અને ભવસાગર તરી ગયા હતા. આવા તો ઘણા ગુરુભક્તો હતા, જેમણે પોતાના ગુરુની સેવામાં જ સાચુ સુખ જાણ્યું અને તેઓ ગુરુના આશીર્વાદથી અમર થઈ ગયા.

ધ્યાન મૂલમ્ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ્ ગુરુપદમ્ , મંત્ર મૂલમ્ ગુરુવાક્યમ્ , મોક્ષ મૂલમ્ ગુરુકૃપા*

આ શ્લોકનો અર્થ એવો થાય છે કે ધ્યાન ધરવા માટેનું મૂળ, ગુરુનું સ્વરૂપ છે. પૂજા કરવા માટે ગુરુના ચરણ કમલ છે, ગુરુનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે, અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુની કૃપા જ એકમાત્ર ઉપાય છે.

શિક્ષક પણ ગુરુ જ છે. એક રીતે એ ભારતીય ઋષિપરંપરાના સીધી લીટીના વારસદાર છે. શિક્ષક આખા સમાજ, ધર્મ અને સમગ્ર રાજ્યનો કર્ણધાર છે. એની ચેતના થકી દીવેલ પૂરેલા, પ્રગટયા વિનાના અનેક દીવા ચેતનવંતા બનતા હોય છે. શિક્ષકની ચેતના આખરે રાષ્ટ્રની ચેતના હોય છે. ચાણક્ય એનું જ્વલંત ઉદાહરણ છે. શિક્ષકનું શિક્ષકત્વ શિષ્યમાં આરોપિત થયા પછી શિષ્ય સ્વયં પ્રકાશપુંજ બની જતો હોય છે. એટલે ગુરુ તરીકે શિક્ષકની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની જાય છે. શિક્ષક દેશને ઉત્તમ નાગરિકો તૈયાર કરી આપવાનું કાર્ય કરે છે. રાષ્ટ્રનિર્માણ માટે શિક્ષક શિલ્પીની ભૂમિકાએ હોય છે, એટલે શિક્ષકનું એનાં શિક્ષણધર્મથી ચલિત થવું રાષ્ટ્રને ન પાલવે. કોઈપણ રાષ્ટ્રના વર્તમાનનું સર્જન એનાં ભૂતકાળના શિક્ષકો દ્વારા ઘડાયેલું હોય છે અને જે તે રાષ્ટ્રનું ભવિષ્ય, એના વર્તમાન શિક્ષકોના હાથથી ઘડાતું હોય છે.

ગુરુવંદનાના આજના પાવન દિવસે, વિશેષ રૂપે સૌ સામાજિક, આધ્યાત્મિક, ધાર્મિક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રના ગુરુજનોને વંદન સાથે એમની પ્રેરણાત્મક વાતો અને પ્રયોગોને આવો, આપણે સૌ વિસ્તૃત ફ્લક પર લઈ જવાનો સહિયારો પ્રયાસ કરીએ.

 ::: થ્રી ડૉટ્સ :::

ઘણીવાર સાપની ફેણ કરતાં ખોટાં માણસની તરફેણ ઘાતક સાબિત થતી હોય છે.


  • Follow us on: