• જય જવાન : 1971માં ભારતીય સેનાએ પાકિસ્તાનને ધૂળચાટતું કરેલું : બાંગ્લાદેશનું સર્જન થયું

આજે ભારત આર્થિક વિકાસ સાથે વિશ્વમાં ટોચ પર છે તેના માટે રાજકીય સ્થિરતા પણ એટલી જ મહત્ત્વની છે સાથોસાથ દેશના સાર્વભૌમત્વ અને સુરક્ષામાં પણ બેનમૂન છબી ઊભી થઇ છે આજે પૂરા વિશ્વમાં ભારતની નોંધ લેવાય છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે બિરાજમાન છે. આજનો દિવસ ભારત માટે ગૌરવશાળી દિવસ છે. સમગ્ર દેશ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. વર્ષ 1971માં આજના દિવસે જ ભારતને પછાડવા માટે આવી પહોંચેલી પાકિસ્તાનની એક મોટી સેનાને આપણા મુઠ્ઠીભર સૈનિકોએ ધૂળ ચાટતા કરી નાખ્યા હતાં. 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. ત્યારબાદ પૂર્વ પાકિસ્તાનને પણ આઝાદી મળી હતી જે આજે બાંગ્લાદેશના નામે ઓળખાય છે. આ યુદ્ધ બાદ પાકિસ્તાનની સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ એ એ કે નિયાજીએ પોતાની સેનાના લગભગ 93,000 સૈનિકો સહિત ભારતીય સેના સામે આત્મસમર્પણ કરવું પડયું હતું. પૂરી દુનિયાના યુદ્ધોના ઈતિહાસમાં આ અભૂતપૂર્વ બાબત છે. આ યુદ્ધ ભારત માટે ઐતિહાસિક અને દરેક દેશવાસીના મનમાં ઉમંગ પેદા કરનારું સાબિત થયું. આ વિજય દિવસ પર આપણે જાણીએ કે ભારતે કેવી રીતે આ યુદ્ધ જીત્યું હતું.

એ સમયે બાંગ્લાદેશનું કોઈ અસ્તિત્વ ન હતું. પાકિસ્તાન બે ભાગમાં વહેંચાયેલું હતું. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. 3 ડિસેમ્બર, 1970ના રોજ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ થઈ. પૂર્વ પાકિસ્તાનની રાજનીતિક પાર્ટી અવામી લિગે 169માંથી 167 બેઠકો જીતી અને આ રીતે 313 સભ્યોવાળી પાકિસ્તાનની સંસદ મજલિસ એ શૂરામાં પણ બહુમત મેળવ્યું. અવામી લીગના નેતા શેખ મુજીબ ઉર રહેમાને સરકાર બનાવવા માટે રજૂઆત કરી હતી જે પીપીપીના નેતા ઝુલ્ફ્કિાર અલી ભૂટ્ટોએ સ્વીકારી નહતી. યાહિયા ખાને પૂર્વી પાકિસ્તાનમાં વિદ્રોહીઓને કચડી નાખવા માટે પશ્ચિમ પાકિસ્તાનના પ્રમુખ સેનાપતિને આદેશ જારી કર્યાં. પાકિસ્તાની સેનાએ 25 માર્ચ 1971ના રોજ ઢાકા અને આસપાસના વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી દીધી. પાકિસ્તાને તેને ઓપરેશન સર્ચ લાઈટ નામ આપ્યું. આ ઓપરેશનમાં પૂર્વ પાકિસ્તાનમાં ખૂબ હિંસા થઈ. બાંગ્લાદેશ સરકારના જણાવ્યા મુજબ આ દરમિયાન લગભગ 30 લાખ લોકો માર્યા ગયાં. જો કે પાકિસ્તાન સરકાર તરફ્થી ગઠિત કરવામાં આવેલા હમદૂર રહેમાન આયોગે આ દરમિયાન ફ્ક્ત 26,000 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમના પૂરા વિશ્વમાં ઘેરા પડઘા પડેલા.

 પૂર્વ પાકિસ્તાનમાં હાહાકાર મચવા લાગ્યો. ત્યાંથી લોકો ભાગીને પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય અને ત્રિપુરામાં શરણ લેવા લાગ્યા હતાં. 27 માર્ચ 1971ના રોજ પાકિસ્તાની સેનાના વિદ્રોહી સૈન્ય અધિકારી ઝીયા ઉર રહેમાને શેખ મુજબ ઉર રહેમાન તરફથી બાંગ્લાદેશની સ્વતંત્રતાની જાહેરાત કરી અને અનેક સૈનિકો આ બળવામાં સામેલ થઈ ગયાં. જ્યારે ભારતમાં પાકિસ્તાની સેનાના દુર્વ્યવહારના અહેવાલો આવ્યાં ત્યારે ભારત પર દબાણ આવવા લાગ્યું કે તે ત્યાં સેના દ્વારા હસ્તક્ષેપ કરે. તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઈચ્છતા હતાં કે એપ્રિલમાં હુમલો કરવામાં આવે. આ અંગે ઈન્દિરા ગાંધીએ આર્મી ચીફ્ જનરલ માનેકશાનો મત લીધો હતો. ફ્લ્ડિ માર્શલ શામ માણેકશાની અદભુત વ્યૂહરચના અને ભારતીય સેનાની બહાદુરીએ આ યુદ્ધમાં વીરતાનો અનેરો ઈતિહાસ રચ્યો.

3 ડિસેમ્બર 1971ના રોજ ઈન્દિરા ગાંધી કોલકાતામાં એક જનસભાને સંબોધન કરી રહ્યાં હતાં. આ દિવસે સાંજે પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ ભારતીય વાયુસીમા પાર કરીને પઠાણકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર, આગરા વગેરે સૈન્ય હવાઈ મથકો પર બોમ્બવર્ષા કરવાનું શરૂ કરી દીધું. યુદ્ધ શરૂ થયા બાદ પૂર્વમાં ઝડપથી આગળ વધી રહેલી ભારતીય સેનાએ જેસોર અને ખુલના પર કબજો કર્યો. ભારતીય સેનાની રણનીતિ હતી કે મહત્ત્વના ઠેકાણાઓને છોડીને પહેલા આગળ વધવું. ઢાકા પર કબજો કરવાનું લક્ષ્ય ભારતીય સેના સામે હતું જ નહી.

14 ડિસેમ્બરના રોજ ભારતીય સેનાએ એક ગુપ્ત સંદેશો પકડયો કે બપોરે 11 વાગ્યે ઢાકાના ગવર્નમેન્ટ હાઉસમાં એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે જેમાં પાકિસ્તાનના પ્રશાસનના મોટા અધિકારીઓ ભાગ લેવાના છે. ભારતીય સેનાએ નક્કી કર્યું કે આ જ સમયે તે ભવન પર બોમ્બવર્ષા કરવી. બેઠક દરમિયાન મિગ 21 વિમાનોએ ભવન પર બોમ્બ પાડીને મુખ્ય હોલની છત જ ઉડાવી દીધી. પાકિસ્તાનના હજારો સૈનિકોને ભારતના મુઠ્ઠીભર સૈનિકોએ આખી રાત રોકી રાખ્યાં. પાકિસ્તાનીઓનું કહેવું હતું કે અમે સવારનો નાસ્તો રામગઢમાં કરીશું. બપોરનું ભોજન જેસલમેરમાં કરીશું અને રાતનું ભોજન જોધપુરમાં કરીશું. પરંતુ ભારતીય સૈનિકોના સાહસ આગળ તેઓ ટકી શક્યા નહીં. પૂર્વ પાકિસ્તાનની સેનાના કમાન્ડર લેફટેનન્ટ જનરલ એ.એ.કે. નિયાજીએ પોતાની સેનાના લગભગ 93,000 સૈનિકો સાથે 16 ડિસેમ્બરના રોજ ભારતીય સેનાના લેફટેનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા આગળ ઘૂંટણિયા ટેક્યા હતાં. 13 દિવસ ચાલેલા આ યુદ્ધમાં પાકિસ્તાન ભારતના ઘૂંટણિયે પડયું અને એક નવા દેશ બાંગ્લાદેશની રચના થઈ.

આવું જ બીજું શાનદાર પ્રકરણ એટલે કારગિલ વિજય દિવસ, જે સમગ્ર દેશમાં 26મી જુલાઈએ દર વર્ષે ઊજવવામાં આવે છે, ભારતના લશ્કરી કૌશલ્યની યાદ અપાવે છે અને સશસ્ત્ર દળો દ્વારા અપાયેલી મહાન બલિદાનની ગાથા દર્શાવે છે.26 જુલાઈ 2023ના કારગિલના યુદ્ધના વિજય દિવસને 24 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. અંદાજે 18 હજાર ફૂટ ઊંચાઈ પર કારગિલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં 527 ભારતીયો જવાન શહીદ થયા હતા. 1363 જવાન ઘાયલ થયા હતાં. ભારતે આ લડાઈ 84 દિવસમાં જીતી લીધી હતી. 1999માં ભારત અને પાકિસ્તાન સમર્થિત ઘૂસણખોરો વચ્ચે મે અને જૂન દરમિયાન કારગિલ યુદ્ધ થયેલું. આ યુદ્ધમાં લાખ 50 હજાર ગોળા અને રોકેટ છોડવામાં આવ્યા હતા, 300થી વધારે તોપ, મોર્ટાર અને રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોજ 5,000થી વધારે બોમ્બ ભારત તરફ્થી રોજ ફાયર કરવામાં આવતા હતાં. યુદ્ધના મહત્વના 17 દિવસોમાં રોજ આર્ટિલરી બેટરીથી અંદાજે એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી આ પહેલું એવું યુદ્ધ હતું જેમાં કોઈ એક દેશની સેનાએ બીજા દેશની સેના પર આટલા બોમ્બ ફેંક્યા હતાં. ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરેલું. આજે ભારત અજેય છે, આર્થિક વિકાસના પંથ પર આગેકૂચ કરે છે જયારે સતત ઉંબાડિયા કરવા ટેવાયેલું પાકિસ્તાન નાદારીના આરે આવીને ઊભું છે.


  • Follow us on: