- વારસો : વડનગરની તાના-રીરી નામની બે બહેનોએ મેઘ-મલ્હાર રાગ ગાઈને તાનસેનની બળતરાને શાંત કરેલી
કાળની ક્રૂર થપાટો પછી પણ, પડયાં પછી બેઠું થવું જેનો સ્વભાવ રહ્યો છે, એ વડનગર આપણી ભવ્ય વિરાસતનું અણમોલ સાંસ્કૃતિક ડેસ્ટિનેશન રહ્યું છે. એ આપણાં સોનેરી ઇતિહાસને સાચવીને બેઠેલું નગર છે.
ગુજરાતનું આ પ્રાચીન નગર પોતાની ઉત્પત્તિ, વૃદ્ધિ અને સમૃદ્ધિનો ખૂબ જ લાંબો ઇતિહાસ ધરાવે છે. લગભગ અઢી હજાર વર્ષોમાં ફેલાયેલા એના ઇતિહાસને પુરાતત્ત્વીય ખોદકામ અને વિવિધ સંશોધનોએ પણ સ્વીકૃતિ આપી છે. આપણાં પ્રાચીન ગ્રંથો અને સાહિત્યમાં પણ વડનગરનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. સ્કંદપુરાણ'માં વડનગર માટે ચમત્કાપુર, આનર્તપુર, આનંદપુર કે નગર જેવાં નામો મળી આવે છે. એક જૈન ગ્રંથમાં વડનગર માટે કાંઈક આ રીતે લખાયું છે. ``दुणामे कए जहा - आणंदपुरं अककत्थली, अककत्थली आणंदपुरं'' ``पायीणवाहो सरससईए तत्थ आणंदपुरगा जधाववभवेणं वच्ंतत सरए'' પાંચમી સદીમાં વડનગરમાં 'કલ્પસૂત્ર'નો પ્રથમ જાહેર પાઠ યોજાયો હતો. ચીની મુસાફ્ર હ્યુ એન ત્સંગ વડનગરની મુલાકાતે બે વાર આવેલો. તેણે પોતાની નોંધમાં બૌદ્ધ શિક્ષણના મુખ્ય કેન્દ્ર તરીકે વડનગરનો ઉલ્લેખ કર્યો હતો. વડનગરમાં 360 વાવો, 360 મંદિરો આવેલાં હતા. આ નગર અનેક વખત પડયું છે ને ઊભું થયું છે. 'આઈને અકબરી'માં પણ અબુલ ફ્ઝલે વડનગર વિશે નોંધ લખી છે.
મનુના પુત્ર શર્યાતિના પુત્રનું નામ આનર્ત હતું. જેના નામ પરથી આ નગરનું નામ આનર્તનગર પડયાનું મનાય છે. *સ્કંદપુરાણ* મુજબ આનર્તપ્રદેશના રાજા ચમત્કારે આ નગરની સ્થાપના કરેલી. ચમત્કારને કોઢ થયેલો હોવાથી કોઈ બ્રાહ્મણની સલાહથી ચૈત્રી ચૌદશે શંખતીર્થમાં સ્નાન કરવાથી તેનો આ રોગ દૂર થયેલો, તેથી તેણે અહીં ચમત્કારપુરની સ્થાપના કરી હતી. કુમારપાળના રાજકવિ શ્રીપાલરચિત પ્રશસ્તિલેખમાં પણ આનર્તપુર પરથી આ નગરનું નામ આનંદપુર પડેલું હોવાનો ઉલ્લેખ મળે છે.
મહેસાણા જિલ્લામાં આવેલું આ નગર સમુદ્રસપાટીથી એકવીસ મીટરની ઊંચાઈએ વસેલું છે. નગરની બહાર 'શર્મિષ્ઠા તળાવ' છે. આ શર્મિષ્ઠા તે કુંવરબાઈની દીકરી. કુંવરબાઈના પિતા એટલે ભક્તકવિ નરસિંહ મહેતા. વડનગરને અર્જુનબારી, નડિયોલ, અમતોલ, ઘાસકોલ, પથોરી અને અમરથોલ નામના છ દરવાજા હતા. શહેર ફ્રતે જાડી દીવાલ ધરાવતો કોટ હતો. તેનું બાંધકામ લાલ-પીળા રેતખડકોથી થયેલું હતું. શર્મિષ્ઠા તળાવ નજીક નગરની ઉત્તર દિશાએ પૂર્વાભિમુખ બે કીર્તિતોરણો આવેલાં છે. તે પૈકીનું મંદિરનું મુખ્ય દ્વાર સૂચવતું એક તોરણ સંપૂર્ણ મકરમુખ સહિત જળવાયેલું છે. અમરથોલ દરવાજા નજીક અમથેર માતાનું મંદિર છે. મંદિરની દીવાલ પર પ્રાચીન મૂર્તિઓ જળવાઈ રહેલી જોવા મળે છે. આ તોરણો અહીં ભવ્ય મંદિર હોવાનું સૂચન કરે છે.
જે તે સમયે ભાટ-ચારણો પાસેથી વિગતો મેળવીને ફૅર્બ્સે 'રાસમાળા'માં જે વિગતો નોંધી છે, એ મુજબ કોશલ દેશના સૂર્યવંશી રાજા કનકસેને પરમાર રાજવીને હરાવીને સને 144-45માં વડનગરની સ્થાપના કરેલી. મૈત્રકકાળ દરમિયાન આનંદપુરના ધરસેન બીજાના સમયમાં, તથા ધ્રુવસેન પહેલાના વાવડી જોગિયામાંથી મળેલાં દાનદર્શક તામ્રપત્રોમાં આનંદપુરના બ્રાહ્મણોનો દાનગ્રહિતા તરીકે ઉલ્લેખ જોવા મળે છે. પુરાણોમાં વડનગરનાં સાત નામ મળે છે. વડનગર બ્રાહ્મણોથી વસેલા નગર તરીકે જાણીતું છે. અહીંના મુખ્ય નિવાસી લોકો બ્રાહ્મણો હતા. વિસલદેવ વાઘેલાએ વિસનગરની સ્થાપના વખતે યજ્ઞ માટે વડનગરના વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રેલા. આ બ્રાહ્મણો પૈકી જેમણે દાન સ્વીકાર્યું હતું તેઓને વડનગરના બ્રાહ્મણોએ બહિષ્કૃત કરેલા એટલે તેઓ વિસનગરા નાગર તરીકે ઓળખાયા હોવાનું કહેવાય છે. મહાન યાજ્ઞવલ્ક ઋષિનો જન્મ વડનગરમાં થયેલો.
સને 1950-54માં અને બાદમાં સને 2006માં ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ અને સંગ્રહાલય નિયામક દ્વારા વડનગર ખાતે ખોદકામ કરવામાં આવ્યું હતું. સને 2014માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગે વડનગરમાં દરબારગઢ અને બીજા સ્થળોએ ખોદકામ શરૂ કર્યું હતું, જે સને 2022 સુધી ચાલ્યું હતું. આ ઉત્ખનન સાત અનુગામી સંસ્કૃતિઓનો અખંડ ક્રમ દર્શાવે છે, જેણે તેની પ્રાચીનતા ઈ.સ. પૂર્વે 750 સુધી સ્થાપિત કરી હતી. મોટાભાગના ખોદકામ બીજી સદી ઈ.સ.પૂર્વેથી લઈ ગાયકવાડ સમયગાળા સુધીના છે. વડનગર વિશે યુનેસ્કોમાં આર્કિયોલોજિકલ સર્વે ઑફ્ ઈન્ડિયાએ રજૂઆત કરતાં જે કહ્યું છે તે આ મુજબ છે, *ભારતીય લેન્ડસ્કેપમાં અસાધારણ સાતત્યનો દાવો કરતી ઘણી ઓછી સાઇટ્સ સાથે માનવ વસવાટનો આટલો લાંબો સમયગાળો એક રીતે અસાધારણ છે.*
વડનગર સમૃદ્ધિની સાથે વિદ્વતા, કળા અને નૃત્ય તથા સંગીત માટે પણ પ્રસિદ્ધ હતું. કહેવાય છે કે, પાંડવકાળમાં ત્યાં પાંડવો વસવાટ કરતાં હતાં. વડનગર આખુ પુરાતત્ત્વીય અવશેષોથી ભરેલું છે. ત્યાં ગમે તે જગ્યાએ ખોદકામ કરીએ, કંઈકને કંઈક અવશેષો અવશ્ય મળી આવે. અત્યાર સુધીમાં અહીંથી અસંખ્ય પ્રકારના પુરાતત્ત્વીય અવશેષો મળ્યાં છે. જે સાબિત કરે છે કે, વડનગર પહેલાંના સમયમાં મહત્ત્વપૂર્ણ અને સમૃદ્ધ નગર હશે. વડનગર મંદિર અને તળાવનું શહેર છે. લોકવાયકા મુજબ વડનગરમાં આવેલ દરેક તળાવમાં સ્નાન કરીને, દરેક મંદિરના દર્શન સૂર્યાસ્ત સુધીમાં કોઈ કરી લે તો એ વ્યક્તિને ભગવાનના ઘરે સદેહે જવા મળતું હતું.
અહીંના હાટકેશ્વર મહાદેવ મંદિરના શિવલિંગની પૂજા કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહના પુત્ર શામળના વિવાહ સમયે કરેલી. એવું કહેવાય છે કે અકબર રાજાના સમયમાં મહાન ગાયક તાનસેને દીપક રાગ ગાયો હતો એટલે તેના આખા શરીરે દાહ ઊપડેલો. દાહની આ જ્વાળાને શાંત કરવા માટે વડનગરની અંદર રહેતી તાના-રીરી નામની બે બહેનોએ મેઘ-મલ્હાર રાગ ગાઈ ને તેની બળતારાને શાંત કરેલી. આ બન્ને બહેનોના સ્મારક સ્થળે આજે દર વર્ષે સરકાર તરફ્થી સંગીત મહોત્સવનું આયોજન કરી તાના અને રીરીને અંજલિ આપેવામાં આવે છે.
વડનગરની આ ધરોહરને સાચવવા તથા એને વિશ્વકક્ષાનું પ્રવાસન કેન્દ્ર બનાવવાના પ્રયાસો આજકાલ તેજ થયા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વતનનાં ગામનાં ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે સરકાર દ્વારા વડનગરનો સર્વાંગી વિકાસ હાથ ધરવાનું કાર્ય આરંભાયું છે. વડાપ્રધાનશ્રીના વિઝન અનુસાર અહીં પહેલી વર્નાક્યુલર શાળા *પ્રેરણા સ્કૂલ* તૈયાર કરવામાં આવી રહી છે. હાટકેશ્વર મંદિરના જીર્ણોદ્ધાર માટે રાજ્ય સરકારે પાંચ કરોડ રૂપિયા ફળવ્યા છે. સાથે જ હાટકેશ્વર મંદિર ખાતે થ્રી-ડી પ્રોજેક્શન મેપિંગ શો તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે આ વર્ષના અંતમાં પૂર્ણ થવાનો અંદાજ છે. શર્મિષ્ઠા તળાવના સૌદર્યમાં વધારો કરતા *ફાઉન્ટેન એન્ડ વોટર શો*નું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. 25 કરોડના ખર્ચે થનાર આ કાર્ય વર્ષ 2024માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. અહીં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા નવીનતમ મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે.
એક ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે, જે આ નગરનો ઇતિહાસ 2000 વર્ષોથી પણ પ્રાચીન છે તેની વાર્તાનું વર્ણન કરશે. વડનગરની અવિરત સભ્યતા અને ઐતિહાસિક ઘટનાઓને થ્રી ડી એનિમેટેડ દ્વારા જીવંત બનાવવામાં આવી છે. રસપ્રદ ડોક્યુમેન્ટરીનો દરેક એપિસોડ આ પ્રાચીન નગરનો અનોખો ઇતિહાસ, જ્ઞાન પ્રણાલી, વૈવિધ્યસભર સંસ્કૃતિ, લોકોની સ્થિતિસ્થાપકતા, દરિયાઇ વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સાથે પુરાતત્ત્વીય તારણો દર્શાવે છે.
પ્રાચીન ભારતના ઇતિહાસની ધરોહર સમા વડનગરના
ઇતિહાસને પુનઃજીવિત કરવાનો આ સુંદર પ્રયાસ આપણને ગૌરવ અપાવી રહ્યો છે.
::: થ્રી ડૉટ્સ :::
માણસને ઈશ્વર નથી મળતો અને ઈશ્વરને માણસ નથી મળતો. સમસ્યા બન્ને પક્ષે સરખી છે.