- ક્યાં સુધી લોકો કચડાતા રહેશે ?
દેશમાં રસ્તાઓ સારા બની રહ્યા હોવા છતાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતોને કારણે 2022માં દેશમાં 1.8 લાખ લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા. હિટ એન્ડ રનના કેસમાં 59,000 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ખાસ કરીને બેદરકારીભર્યા ડ્રાઈવિંગને કારણે કે, શરાબ પીને ડ્રાઈવિંગ કરવાથી અને ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરવાના કારણે દરરોજ હજારો માર્ગ અકસ્માતો સર્જાતા રહે છે અને લોકો કચડાતા રહે છે. ભારતમાં દર 1 કલાકે માર્ગ અકસ્માતોમાં 19 લોકો જીવ ગુમાવે છે. સરકારે માર્ગ અકસ્માતો અને તેને કારણે થતા મૃત્યુનું પ્રમાણ ઘટાડવા શ્રોણીબદ્ધ પગલાં લીધાં છે અને તેનાં ફળ સ્વરૂપ જ ભારતીય ન્યાય સંહિતા નામના નવા કાયદામાં હિટ એન્ડ રનના ગુના માટે અને હિટ એન્ડ રનથી થયેલા મૃત્યુના કિસ્સામાં 10 વર્ષની કડક કેદની સજા અને રૂ. 7 લાખના દંડની જોગવાઈ કરી છે. ટ્રક ડ્રાઈવરો કે મોટરકાર ચલાવતા કે કોઈપણ ત્રણ પૈડાંવાળા કે ચાર પૈડાંવાળા વાહનો ચલાવતી વખતે વાહનચાલકો દ્વારા બેફામ રીતે રસ્તા પર તેને દોડાવવામાં આવે છે જેને કારણે હજારોની જિંદગી જોખમમાં મુકાય છે. હજારોનાં મૃત્યુ થાય છે આમ છતાં વાહનચાલકોના પેટનું પાણી હલતું નથી. સરકારે આવા અકસ્માતો રોકવા અને બેફામ ડ્રાઈવિંગ ઉપર બ્રેક મારવા જ કાયદો કડક બનાવ્યો છે. લોકોને રસ્તાઓ પર નિર્દયી રીતે કચડી નાંખતા ટ્ર્ક ડ્રાઈવરો કે વાહનચાલકો આ કાયદો રદ કરવાની માગણી કરીને સરકારને અને પ્રજાને બાનમાં લે તે કોઈ રીતે ચલાવી લેવાય નહીં. વાહનચાલકો પોતાની બેદરકારી કે બેફામ ડ્રાઈવિંગને કારણે તેઓ નિર્દોષોની જિંદગી જોખમમાં મૂકી શકે નહીં. ટ્રકચાલકોને એ ડર છે કે અકસ્માત થયા પછી રસ્તા પર એકઠી થયેલી ભીડ કારણો જાણ્યા વિના જ તેમની સાથે મારપીટ કરવા લાગે છે. ચાલો સમજીએ કે ટ્રકચાલકોની આ દલીલ વાજબી અને સાચી છે તો પણ તેમણે અકસ્માત સર્જ્યા પછી ભાગવાને બદલે પોલીસને તેની જાણ કરવી જોઈએ અને પોલીસ મથકમાં શરણું લેવું જોઈએ. કાયદા મુજબ તેઓ નજીકના પોલીસ મથકે જઈને જાણ કરે તો બીજી મુશ્કેલીમાંથી બચી શકે છે. સરકાર સાથેની વાતચીત પછી હાલ તુરત જો ટ્રકચાલકોની હડતાળ સ્થગિત થઈ ગઈ છે પણ આમાં માર્ગ અકસ્માતોને રોકવાના મુદ્દે કે રસ્તા પરથી પસાર થતા લોકોના જીવ બચાવવાના મુદ્દે કે ટ્ર્કચાલકોને રક્ષણ આપવાના મુદ્દે કે અન્ય કોઈ સર્વસંમત ઉપાય શોધવાના મુદ્દે ચર્ચા જ થઈ નથી. સરકાર ભલે કડક કાયદો ઘડે પણ આખી જિંદગી રસ્તા પર જ ભટકતું જીવન ગાળવા મજબૂર બનેલા ટ્રકચાલકો કે વાહનચાલકો પણ માનવી જ છે તેમને પણ સુખ સુવિધાવાળી જિંદગી જીવવાનો અધિકાર છે. આથી તેમની તકલીફો દૂર કરવાના ઉપાયો શોધવાની પણ જરૂર છે.










