- ચિંતાજનક : હાલતા ચાલતા ખાવું અને ઉભડક બેસીને કે ઊભાં ઊભાં ખાવું એ કલ્ચર આપણું તો નથી જ
આજકાલ લગ્નસરાની સિઝન પૂરબહારમાં ખીલી ઊઠી છે. વળી, લગ્નસરાનો સામાજિક, સાંસ્કૃતિક રિવાજ, પરંપરા મુજબ વિવિધ જ્ઞાતિ અને વિવિધ સમાજના લોકો, વત્તાઓછા અંશે પોતપોતાની રીતથી મનાવતા હોય છે. પણ, પરંપરા અને રિવાજની નાનીમોટી ભિન્નતા વચ્ચે, બધે એક રિવાજ સર્વ સામાન્ય છે અને એ રિવાજ છે, મહેમાનો માટે ભોજનની વ્યવસ્થાનો. અલબત્ત ! ક્ષમતા પ્રમાણે મેનુમાં વાનગીઓ વધઘટ હોઈ શકે એ સ્વાભાવિક છે, પણ બધે એક વાતે અનોખી સામ્યતા જોવા મળે છે. એ સામાન્યતા એ છે કે, દરેક લગ્નસમારોહમાં ભોજનનો બેફામ બગાડ થઈ રહ્યો છે. ભોજનના આ બગાડ બાબતે આપણે સૌએ ગંભીરતાપૂર્વક વિચાર કરવાની તાતી જરૂર છે. જેટલું જમવું હોય એટલું જ આપણે આપણી થાળીમાં લેવું જોઈએ.
એક સમય હતો, જ્યારે મહેમાનોના ભોજન માટેની વ્યવસ્થામાં આપણે ત્યાં પંગતપ્રથાનો રિવાજ હતો. લગ્નપ્રસંગે મહેમાનો હારબંધ રીતે પથરાયેલા પાથરણા ઉપર બેસી જતા ને યજમાન પક્ષેથી સારથિયાઓ ક્રમબદ્ધ રીતે મહેમાનોને ભોજન પીરસતા હતા. યજમાન આગ્રહ કરીને મહેમાનોને પ્રેમથી જમાડતા હતા. આજકાલ આ વ્યવસ્થા સંપૂર્ણ આઉટડેટેડ થઈ ગઈ છે. લગ્નસરામાં આજકાલ ભોજન વ્યવસ્થામાં સેલ્ફ્ સર્વિસનો ટ્રેન્ડ જોવા મળે છે. બે દસકા પહેલાં શરૂ થયેલી આ પ્રથામાં લોકો જેટલું અને જે જમવું હોય એ જાતે લઈ લેતા હતા. જરૂરિયાત અને પસંદગી મુજબનું લઈને જમી શકાય, અને ભોજન વ્યવસ્થા જલદી સંપન્ન થાય એવા હેતુ સાથે શરૂ થયેલ આ વ્યવસ્થા, પછીથી ફેશન બની બધી જગાએ સ્થાન લઈ લે છે. શરૂ શરૂમાં તો બધું બરાબર લાગ્યું, પણ હવે લાગે છે કે આ વ્યવસ્થામાં ક્યાંક ભોજન લેનારની બેફ્કિરાઈને લીધે ભોજનનો બેફામ બગાડ થઈ રહ્યો છે. અનેક લોકો જમી શકે એટલી વસ્તુઓ બગડતા સીધી એંઠવાડમાં જતી હોય છે. આપણે સામૂહિક રીતે આપણો મહેમાનધર્મ ચૂક્યા છીએ. એમ લાગે છે. બગડતું આ ભોજન બચાવવું આપણી ફરજ છે. સમગ્ર જીવસૃષ્ટિ ભોજન લઈને જ જીવે છે, માટે બીજાના હકના ભોજનનો બગાડ આપણાંથી ન કરાય. આપણાં શાસ્ત્ર્રોએ પણ અન્નને બ્રહ્મનો દરજ્જો આપેલો છે. એટલે થાળીમાં આવેલા અનાજને આપણે આદર સાથે આરોગવું જોઈએ. એનો બગાડ કરી અનાદર કરવો માણસ તરીકે આપણને ન શોભે.
જરૂરિયાત મુજબની વાનગીઓ લેવાના બદલે, એક સાથે જથ્થામાં વાનગીઓ લઈ થાળી ભરી દઈને જમતાં આપણે, એ ભૂલી જઈએ છીએ કે, આપણાં દ્વારા ભોજનનો કેટલો બગાડ કરાઈ રહ્યો છે ! વળી, અગત્યની વાત એ છે કે, આપણે સૌ આમ કરી રહ્યાં છીએ. કોઈએ કહ્યું છેને કે, *દુનિયામાં જેટલી સારી વાતો છે એ બધી જ કહેવાઈ ગઈ છે, ફ્ક્ત એનો અમલ કરવાનો જ બાકી છે.* બસ, આ અમલ કરવાની વાતનો અમલ કરવાની શરૂઆત, આપણે કરવાની છે. બધાં આમ કરીશું તો અનાજનો થતો બગાડ આપણે અટકાવી શકીશું. નવાઈની વાત તો એ છે કે, આપણાં ખર્ચે આપણે જ્યારે હોટેલમાં જમવા જઈએ છીએ ત્યારે, ત્યાં આપણે જરૂરિયાત મુજબની વસ્તુઓ જ મંગાવીએ છીએ. અરે ! મંગાવેલું થાળીમાં વધતું હોય તો ઠાંસીને પણ જમી લઈએ છીએ. મંગાવેલું થાળીમાં વધવા થોડું દેવાય ! પૈસા ચૂકવ્યા છે ! પોતાના પૈસાની પાણીપૂરી ખાતી વખતે પૂરી માટેનું વધેલું પાણી પણ આપણે પી જતાં હોઈએ છીએ. કારણ...!? તો કે, એ આપણે પોતાના ખર્ચે મંગાવેલું હોય છે એટલે !
માણસ તેના સ્વભાવ અનુસાર આહારપ્રિય પ્રાણી છે. વળી, સ્વભાવ મુજબ માણસના સાત્ત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ પ્રકાર પાડી શકાય છે. પ્રથમ પ્રકારના માણસો સાત્ત્વિક પ્રકારના માણસો ગણાય છે. જે સાત્વિક્તા, બળ, આરોગ્ય, સુખ, રુચિ અને આયુષ્ય વધે એ પ્રકારના રસયુક્ત, સ્નિગ્ધ, પૌષ્ટિક અને મનને ગમે તેવા આહારનું સેવન કરે છે. બીજા પ્રકારના માણસો રાજસિક પ્રકારના ગણાય છે. જે કડવા, ખાટા, તીખા, દાહ કરનારા આહાર લઈને સામેથી દુઃખ, શોક અને રોગને આમંત્રણ આપતા હોય છે. ત્રીજા પ્રકારના તામસિક માણસો છે, જે એક પ્રહર સુધી પડી રહેલું, વાસી કે ઊતરી ગયેલું અને ઠંડું કે એઠું અને અપવિત્ર, અરુચિકર ભોજન લેતા હોય છે. હાલના પાણીપૂરી, વડાપાંઉ, દાબેલી, રગડાપેટિસ, પાંઉભાજી, પિત્ઝા, બર્ગર અને તમામ પ્રકારના જંકફૂડને આપણે તામસિક પ્રકારના ભોજનમાં ગણી શકીએ. ઘણાં આહાર વારંવાર ગરમ કરીને, ફ્રીજમાં રાખીને, અસ્વચ્છ પાત્રોમાં પીરસવામાં આવે છે. જે આપણાં માટે ખૂબ જ હાનિકારક બનતા હોય છે. આજકાલ તો પ્રસંગોમાં ફાસ્ટફૂડની અનેક આઈટમો પીરસાઈ રહી છે. આપણે પુષ્કળ પ્રમાણમાં એ આરોગીએ છીએ. સાથે એનો પુષ્કળ બગાડ પણ કરીએ છીએ.
બીજી એક મહત્ત્વની વાત એ છે કે હાલતા ચાલતા ખાવું અને ઉભડક બેસીને કે ઊભાં ઊભાં ખાવું એ કલ્ચર આપણું તો નથી જ. પણ, આપણે સૌ સગવડ અને અનુકૂળતા સમજીને ઊભાં ઊભાં કે ઉભડક બેસીને ચપ્પલ પહેરીને જમીએ છીએ. જમવાની આ રીતભાત આજકાલ કોમન થઈ ગઈ છે. આમ જ ચાલશે તો નવી પેઢીને એમ જ થશે કે જમવાની આ રીતભાત જ યોગ્ય છે. આપણાં માટે આદર્શ હોય એવી વ્યવસ્થા જૂનવાણી હોય તો પણ, તેને ત્યજવી ન જોઈએ. ભોજન તો શિષ્ટ પ્રકારે બેઠક લઈને જ લેવું જોઈએ. નવી પેઢીને પણ આપણે ભોજન લેવાની રીતભાત શીખવવી જોઈએ.
ભગવાન શ્રીકૃષ્ણએ અન્નનું મહત્ત્વ સમજાવતા *શ્રીમદ્ ભગવદ્ ગીતા*માં કહ્યું છે કે :' અન્નથી જ પ્રાણીઓ થાય છે, વરસાદથી અન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞથી કર્મ થાય છે. એટલે જ આપણે આપણાં આહારમાં સ્વચ્છતા, પવિત્રતા અને સાત્ત્વિકતા સાથેનું ભોજન યોગ્ય માત્રામાં, બગાડ ન થાય એ રીતે લેવું જોઈએ. વળી, *જેવું અન્ન એવું મન* એ ન્યાયે આપણે શરીર માટે જેવાં ભોજનની આદત પાડીએ છીએ, એ પ્રકારે આપણાં મનની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. અન્નની સાત્વિકતાની સીધી અસર આપણું મન ઝીલતું હોય છે એટલે આપણાં ખોરાકમાં સાત્વિક ખોરાકને જ સ્થાન આપવું જોઈએ. પેટ્રોલથી ચાલતી કારમાં આપણે કદી ડીઝલ નથી પૂરતા. પેટ્રોલને બદલે ડીઝલ પૂરીએ તો ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય. ઠીક એ પ્રમાણે આપણાં શરીર માટે યોગ્ય ખોરાકની પસંદગી કરવી જોઈએ.
આપણે ત્યાં ભક્તિમાર્ગમાં *કૃષ્ણાર્પણ*નો મંત્ર ઉચ્ચારીને, ભોજનનો ભોગ ભગવાનને ધરાવીને પછી જ, ભોજન આરોગવાની પ્રથા છે. ભોજનને સદા પરમાત્માનો પ્રસાદ સમજીને સ્વીકાર કરવાની વાત પાછળનો સૂચિતાર્થ આપણે બરાબર સમજવાની જરૂર છે. પ્રસાદનો એક સાદો અર્થ એ થાય છે કે 'પ' એટલે પ્રભાનું, 'સા' એટલે સાક્ષાત અને 'દ' એટલે દર્શન જેમાંથી થાય છે એવું ભોજન. યોગી, જોગી, રોગી અને ભોગીનું ભોજન અલગ-અલગ પ્રકારનું હોય છે. આપણે કેવા પ્રકારનું ભોજન લઈએ છીએ, એના આધારે આપણી ઉક્ત ચારમાંથી કોઈ એક કેટેગરી નક્કી થતી હોય છે.
વળી, હોટલમાં બનાવેલા ભોજનમાં સ્નેહનો સદંતર અભાવ હોય છે. માતાના હાથની રોટલીમાં જે પ્રેમ અને અનેરો આનંદ સમાયેલો છે, તે હોટલનું ભોજન કરવાથી નથી મળતો. તેમ છતાં આજકાલ હોટેલ્સનું ખાનપાન લેવાનું ચલણ વધતું ચાલ્યું છે.
આથી ઉક્ત બાબતે આપણે સજાગ બનવું બહુ જરૂરી છે. જાગવાના સમયે આપણે નહીં જાગીએ તો પછી જાગવાનો કોઈ અર્થ નહીં રહે...! માટે જાગીએ...!
::: થ્રી ડૉટ્સ :::
ગૂગલ આપણે જ્યાં જવું છે ત્યાં લઈ જાય છે, જયારે *શ્રીમદ્ ભગવદ્ ગીતા* આપણે જ્યાં જવું જોઈએ ત્યાં લઈ જાય છે.