- પ્રાસંગિક : આખરે આ જગત બિંદુમાંથી જ વિસ્તર્યું છે ને સંકોચાઈને બિંદુમાં જ સમાઈ જવાનું છે
સમય એટલે શું ? સમયનો પ્રારંભ ક્યારે થયો હશે ? વળી, સમય સ્થિતિ છે કે ગતિ ? સમયને આપણે અવસ્થા કહીશું કે, એ આપણે કરેલી વ્યવસ્થા છે? સમય અંગે વિચારવામાં આવે ત્યારે આપણને ઉપર મુજબના કે અન્ય અનેક વિચારો આવશે. આમ જુઓ તો સમય અનંત છે. એની નિશ્ચિત વ્યાખ્યા આપણે હજુ નથી કરી શક્યા.
સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાનીઓ કે જેમને સૌથી વધુ પનારો સમય સાથે જ પડે છે, તેઓ પણ સમયને ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરી શક્યા નથી. સમયનો આરંભ ક્યારે થયો અને ક્યારે તેનો અંત આવશે, એ બાબતે પણ ભૌતિકવૈજ્ઞાનિકો મૂંઝવણ અનુભવે છે. કહો કે, સમય બાબતે ચોક્કસ જવાબો કોઈની પણ પાસે નથી. સમય તો બસ અસ્ખલિત ઝરણાની જેમ નિરંતર વહ્યા કરે છે. માણસ તરીકે આપણે માત્ર એની સાપેક્ષ અનુભૂતિ જ કરી શકીએ છીએ.
સમયને આપણે એક હદ સુધી કાળ કહી શકીશું. પણ, એ કાળ સુધી સીમિત નથી. કારણ કે કાળને આપણે વ્યાપક ગણી શકીશું, સમયને નહીં. એ બંને વચ્ચે તાત્ત્વિક ભેદરેખા છે. સૂક્ષ્મ રીતે જોતા આપણને સમજાશે કે સમયનો પર્યાય કાળ નથી જ. કાળમાં સમય સમાવિષ્ટ છે, પણ સમયમાં કાળ નહીં સમાઈ શકે. સૃષ્ટિના વિવરણ માટેનું સમય એક એવું પરિમાણ છે, જે સૃષ્ટિના જન્મ સાથે જ અસ્તિત્વમાં આવ્યું છે. એ પહેલાં પણ એ કદાચ હશે જ. વળી, બે ઘટનાઓ વચ્ચેના ગાળાને પણ આપણે સમય કહીએ છીએ. પરિસ્થિતિ મુજબ આપણે સમયનો ભાવાર્થ પણ અલગ અલગ કરીએ છીએ. હમણાં સમય સારો ચાલે છે કે હમણાં મારો સમય ખરાબ ચાલે છે, એવું કહીને પણ આપણે સમયને સારો કે ખરાબ ચીતરીએ છીએ. કયારેક આપણે સમયને ચોક્કસ અવધિનું માપ ગણીએ છીએ. કયારેક કહીએ છીએ કે, સમયને જતા ક્યાં વાર લાગે છે ! કયારેક આપણે ચોક્કસ સ્થિતિ કે, વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની હાજરીને લીધે સમય જલદી પસાર થઈ ગયાનું કે સમય પસાર થતો જ નથી એવું અનુભવીએ છીએ. અહીં સાપેક્ષતાની થિયરી કામ કરતી જણાય છે. પણ, એ બધાની વચ્ચે કોમનમેનના મનમાં એક જ પ્રશ્ન થાય કે, આખરે સમય છે શું ?
ન્યાયવૈશેષિક સિદ્ધાંત મુજબ સમય એ વસ્તુનિષ્ઠ અસ્તિત્વ કે વાસ્તવિકતા ધરાવતું દ્રવ્ય છે. ભારતીય સંસ્કૃતિના અગત્યના શાસ્ત્ર, ‘વૈશેષિક દર્શન’ અનુસાર કુલ નવ દ્રવ્યો છે. જે પૈકીનું છઠ્ઠું દ્રવ્ય કાળ અર્થાત સમય છે. વળી, આ બધાં દ્રવ્યો ક્રિયા, ગતિ અને પરિવર્તનને ઉત્પન્ન કરનાર શક્તિના સંદર્ભમાં પ્રયુક્ત થતાં હોવાથી બે સમય વચ્ચેના ગાળાને પ્રગટ કરવાનો એ આધાર બને છે. દિશા એ સાતમું દ્રવ્ય છે. એ કાળને સંતુલિત કરે છે. આ કાળ થકી જ જરા એટલે કે વૃદ્ધાવસ્થાની ઉત્પત્તિ થાય છે. વળી, સમગ્ર સૃષ્ટિ અને મનુષ્યજગતની તમામ ગતિવિધિઓ સાથે સમયને સીધો અનુબંધ છે. આપણું ઊઠવું, બેસવું, જાગવું, સૂવું કે પ્રકૃતિમાં દિવસ-રાતનું થવું કે ઋતુઓનું બદલાવું વગેરે સમય આધારિત હોય છે. શબ્દકોશ મુજબ સમયના બે અર્થ મળે છે : એક, યુગનો પ્રારંભ કે જે સમયનું નિર્ધારણ કરતો હોય છે તે, અને બીજો અર્થ છે, બે ઘટનાઓ વચ્ચેનો ગાળો.
વિષ્ણુપુરાણમાં કાળને પરબ્રહ્મનું સ્વરૂપ કહ્યું છે. પ્રહલાદ પટેલની નોંધ મુજબ કહી શકાય કે, બાળકનો સમય અંગેનો ખ્યાલ થોડાક દિવસો પૂરતો મર્યાદિત હોય છે. વૃદ્ધજન માટે એ ખ્યાલ થોડીક પેઢીઓ સુધી લંબાઈ છે, તો ભૂસ્તરશાસ્ત્રીઓ માટે આ ખ્યાલ લાખો-કરોડો વર્ષ સુધીનો ગણાય છે. એનો સીધો અર્થ એ થયો કે, સમયની વિભાવના ક્રમશઃ વિસ્તૃત બનતી જાય છે. આઈન્સ્ટાઈને વળી સમય સાથે સાપેક્ષતાના પરિમાણને જોડયું છે. કોઈ યુવાન પચીસ વર્ષની યુવતી સાથે એક કલાક વિતાવે છે તો પણ એને આ મુલાકાત બે-પાંચ મિનિટ જેટલી લાગે છે. જો આ જ યુવાન કોઈ વૃદ્ધ સાથે બે-પાંચ મિનિટ ગાળે છે તો એને એ મિનિટો કલાક જેવી લાગે છે.
જગતની તમામ સંસ્કૃતિઓએ સમયના ખ્યાલને જન્મ, મરણ અને પુનર્જન્મના ચક્ર સંદર્ભે જ સમજ્યો છે. એક રીતે આ ઘટનાઓ ઋતુઓના ચક્ર જેવી છે. સર્જન અને વિસર્જનને પણ સમય સાથે જોડીને જ જોવામાં આવે છે. જગતને શાશ્વત ગણવામાં આવ્યું છે અને જગત નિયમિત રીતે તાલબદ્ધ સ્થિતિમાં બદલાતું રહે છે. સમય પણ એ જ રીતે ચાલ્યા કરે છે. કહો કે, વહ્યા કરે છે. માત્ર ઘટનાઓની સાપેક્ષતામાં આપણને સમય બદલાતો લાગે છે. આખરે આ જગત બિંદુમાંથી જ વિસ્તર્યું છે ને સંકોચાઈને બિંદુમાં જ સમાઈ જવાનું છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, આપણે સમયને હંમેશાં નિરીક્ષણ દ્વારા જ અવલોક્યો છે ને એ મુજબ એને દિવસમાં, મહિનામાં કે વર્ષમાં ગોઠવ્યો છે.
સમયના માપન માટે માણસે સમયે સમયે અનેક પ્રયુક્તિઓ અજમાવી છે. ગ્રીક લોકો જળઘડીનો ઉપયોગ કરતા હતા. સને 1853માં ગેલિલિયોએ લોલકવાળા ઘડિયાળનો ખ્યાલ રજૂ કરેલો. સને 1928માં મેરિસને પ્રથમ ક્વાટ્ર્ઝ ક્લૉક રચી હતી. સને 1945માં ભૌતિક વિજ્ઞાની ઇઝાડોર રાબીએ પારમાણ્વિક બીમ મૅગ્નેટિક અનુનાદ-આધારિત પરમાણુ-ઘડીની વિભાવના રજૂ કરી હતી. સને 1949માં ‘નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ્ સ્ટાન્ડડ્ર્ઝ ઍન્ડ ટૅક્નૉલૉજી’ દ્વારા પરમાણુ-ઘડી તૈયાર કરવામાં આવી હતી. સને 1967માં સેકન્ડની નિશ્ચિત વ્યાખ્યા કરવામાં આવી હતી. આપણે જ્યાં સુધી હવાઈમાર્ગે કે રેલવે મારફ્ત સફ્ર નહોતા કરતા, ત્યાં સુધી આપણને સ્થાનિક સમય સાથે કાંઈ લેવાદેવા નહોતી. પણ, આ સેવાઓ શરૂ થતાં, વિભિન્ન સ્થળો જુદા-જુદા રેખાંશ ઉપર હોવાના કારણે, સ્થાનિક સમય સાથે ગોટાળો શરૂ થયો. જેને ઉકેલવાના ભાગરૂપે સને 1809માં ખગોળવિદ્ વિલિયમ લૅમ્બર્ટે અમેરિકન કૉંગ્રેસને પહેલીવાર આખા દેશ માટે પ્રમાણભૂત સમય નક્કી કરવા સૂચન કરેલું. સને 1840માં ઈંગ્લૅન્ડે સમગ્ર દેશ માટે ગ્રિનિચ રેખાને પ્રમાણભૂત ગણીને સમયને એ રીતે સ્વીકારવાનું નકકી કરેલું. કેનેડાના રેલવે-ઇજનેર સર સૅન્ફૅર્ડ ફ્લેમિંગે આધારભૂત સમયના સ્વીકાર માટે સને 1884માં વૉશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય પ્રાઇમ મેરિડિયન અધિવેશન’નું આયોજન કરેલું. જે ‘આંતરરાષ્ટ્રીય પ્રમાણભૂત સમય’ સ્વીકારવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયેલું.
રેખાંશની ગણતરીને સમયની ચોકસાઈ માટે યાંત્રિક ઘડિયાળોની સાથે આજે માણસે ચોક્કસ સમય દર્શાવતી પરમાણુ-ઘડી પણ બનાવી લીધી છે. ખગોળવિદોને પંચાંગની ગણતરી કરવા માટે એકધારા સમયની જરૂર પડે છે. તેથી તેઓ પૃથ્વીના કેન્દ્રને અનુલક્ષીને પંચાંગની ગણતરીઓ માટે ‘ટેરેસ્ટ્રિયલ ડાયનેમિક ટાઇમ’ એટલે કે, TDT સિસ્ટમનો ઉપયોગ કરે છે. આટલું થયાં પછી પણ, સમય કે સમયની વિભાવનાનો અંત આવી જવાનો છે એવું નથી. કેમ કે, ગુરુત્વાકર્ષી અચળાંક હકીકતમાં અચળ નથી. એનું ચલ સ્વરૂપ પ્રાયોગિક તબક્કે હજુ પુરવાર થવાનું બાકી છે. જેવું એ પુરવાર થશે કે તરત સમયને પુનઃ વ્યાખ્યાયિત કરવાની આપણને ફરજ પડશે એ હકીકત છે. વળી, જે છે એ સમય છે, આપણે કશું જ નથી એ પણ હકીકત છે.
થ્રી ડૉટસ
આહારમાં વિષ ભળે તો એનો ઉપાય સંભવ છે, પણ વિચારમાં વિષ ભળે તો એનો ઉપાય અસંભવ છે.










