• સંસદનું વિશેષ સત્ર : 18મી સપ્ટેમ્બરથી શરૂ થતાં પાંચ દિવસના સત્રએ ભારે રહસ્ય સર્જ્યુ છે

રહસ્ય કોઇપણ ક્ષેત્રમાં રોમાંચ, ભય, ઉત્તેજના જેવી મિશ્રા લાગણીઓ સર્જતું હોય છે. રહસ્ય જ્યારે રાજકારણમાં ઊભું થતું હોય છે ત્યારે તેની વિશેષ અસરો સર્જાતી હોય છે. વડાપ્રધાન મોદી રાજકારણમાં રહસ્યો સર્જવામાં માહિર છે. આ વખતે સંસદનું વિશેષ સત્ર બોલાવીને તેમણે રાજકારણમાં મોટું રહસ્ય સર્જ્યું છે. ગઇકાલ સુધી સંસદનું આ વિશેષ સત્ર શેના માટે બોલાવાયું છે તેની કોઇને ખબર ન હતી. તારીખ 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવેલા આ પાંચ દિવસના સત્રનું પ્રયોજન શું છે તે માટે અટકળો થયા કરતી હતી. કૉંગ્રેસ સહિત વિપક્ષો આક્ષેપ કરતાં હતાં કે, વિશેષ સત્રનો એજન્ડા શું છે તેની અમને જાણ નથી. આ મુદ્દો બનાવીને વિપક્ષ વિશેષ સત્ર બોલાવવાનો વિરોધ સુદ્ધાં કરી નાખ્યો હતો.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તો વિશેષ સત્ર બોલાવવાના મુદ્દે કહ્યું હતું કે, સરકાર ગભરાઇ હોય તેવું લાગે છે અને એટલે વિશેષ સત્ર બોલાવાયું છે. કૉંગ્રેસના બીજા નેતા જયરામ રમેશે ત્યાં સુધી કહ્યું હતું કે, વિશેષ સત્ર બોલાવવાનું કારણ મુંબઇમાં યોજાનારી ઇન્ડિયા ગઠબંધનની બેઠકથી ધ્યાન બીજે વાળવાનું છે. હાલમાં જ સંસદનું મોનસૂન સત્ર પૂરું થયું છે ત્યારે વિશેષ સત્ર બોલાવવાની કેમ જરૂર પડી તે અંગે પણ સવાલો કર્યા હતાં.

કેન્દ્ર સરકારે જોકે સંસદના વિશેષ સત્રનો એજન્ડા ગઇકાલે જાહેર કરીને સૌને ચૂપ કરી દીધાં હતાં. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ પાંચ દિવસના વિશેષ સત્રમાં એડવોકેટ બિલ, પોસ્ટઓફિસ બિલ, ચીફ ઇલેક્શન કમિશનર એન્ડ અધર કમિશનર્સ બિલ સહિતના અન્ય ખરડા રજૂ થશે. જો કે ફરી પાછું રહસ્ય સર્જતા કેન્દ્ર સરકારે એજન્ડામાં એમ પણ જણાવ્યું છે કે, સંસદમાં કાયદાકીય કામકાજ માટે અપાયેલી યાદી સંપૂર્ણ ન માનવી. આ વાક્ય એ ફરી પાછું રહસ્ય સર્જ્યું છે કે, એજન્ડામાં બતાવ્યા સિવાયના કયા કામો આ વિશેષ સત્રમાં રજૂ થશે ? દિલ્હીના ગલિયારાઓમાં એક વાત એવી પણ છે કે, સંસદના આ વિશેષ સત્રમાં સરકાર વન નેશન-વન ઇલેક્શનનું બિલ અથવા તો મહિલા અનામત જેવું કોઇ બિલ પણ રજૂ કરી શકે છે. સરકારે જો કે જાહેર કરેલા એજન્ડામાં આ વાત નથી કરી પરંતુ ફ્લોર પર આ વાત આવી શકે છે. આ ઉપરાંત પણ કોઇ બીજું રહસ્ય સરકાર રજૂ કરી શકે છે તે અંગે વિપક્ષો સહિત દેશભરમાં અટકળોનો દોર ચાલી રહ્યો છે.

સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો આ પહેલો પ્રયોગ નથી. અગાઉ પણ આવી રીતે ચાર વખત સંસદના વિશેષ સત્ર બોલાવાયા હતાં. જેમાં જૂન 2017માં નરેન્દ્ર મોદીના જ વડાપ્રધાન પદના સમયગાળા દરમિયાન 30 જૂનના રોજ જીએસટી લાગુ કરવા માટે સંસદના સેન્ટ્રલ હોલમાં વિશેષ સત્ર બોલાવ્યું હતું. આ ઉપરાંત 2015ની 26 નવેમ્બરે સરકારે ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રાદ્ધાંજલિ આપવા માટે સત્ર બોલાવ્યું હતું. 2015માં ભારત આંબેડકરજીની 125મી જન્મ જયંતી ઊજવી રહ્યું હતું. આ જ વર્ષે 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઊજવવાનું જાહેર કરાયું હતું. તે પહેલાં 2002માં 26 માર્ચે આતંકવાદ અટકાવવા બિલ રજૂ કરાયું હતું. તે પહેલાં 1992માં ભારત છોડો આંદોલનની 50મી વર્ષગાંઠ મનાવવા 9મી ઓગસ્ટે અડધી રાત્રે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.

બંધારણના અનુચ્છેદ 85 અનુસાર કેન્દ્ર સરકાર પાસે સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો અધિકાર છે. આવા વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય સંસદીય મામલાની કેબિનેટ સમિતિ લે છે. આવો નિર્ણય લીધાં પછી રાષ્ટ્રપતિની સંમતિ લેવામાં આવે છે. આપણા દેશમાં સામાન્ય રીતે સંસદના ત્રણ સત્ર યોજાય છે. જેમાં ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન બજેટ સત્ર, જુલાઇ-ઓગસ્ટ દરમિયાન ચોમાસું સત્ર અને નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન શિયાળુ સત્ર યોજાતા હોય છે. આ ઉપરાંત કોઇ અગત્યના મુદ્દા પર કે કોઇ ખાસ કામ પૂર્ણ કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવાય છે. આવા સત્રમાં વિશેષ કામ સિવાય બીજા કોઇ મુદ્દા પર ચર્ચા થતી નથી.

કેન્દ્ર સરકારના સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી ત્યારે રાજકીય મોરચે ભારે હલચલ મચી ગઇ હતી અને એકાએક સરકાર કયા મુદ્દા પર વિશેષ સત્ર બોલાવે તે અંગે અટકળો ચાલુ થઇ ગઇ હતી. હવે જ્યારે સરકારે સંસદના વિશેષ સત્રનો એજન્ડા જાહેર કરી દીધો છે ત્યારે આ અટકળો ઓછી થઇ ગઇ છે પરંતુ એજન્ડામાં ન કહેવાયેલી વાતનું બિલ આવે તો શું તે અંગે હજુ પણ વિપક્ષોમાં રહસ્ય બરકરાર રહ્યું છે.

સંસદનું વિશેષ સત્રના ટાઇમિંગ અંગે પણ સવાલો ઊઠયા છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા કહેવાયું છે કે, ગણેશ ચતુર્થીના તહેવાર વખતે સંસદનું વિશેષ સત્ર બોલાવાયું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે અને હિંદુ ભાવનાઓની વિરુદ્ધ છે. જોકે શિવસેના ઉદ્ધવ ઠાકરેનું આ આક્ષેપ એટલા માટે ખોટો પડી રહ્યો છે કે સરકાર સંસદનું આ વિશેષ સત્ર સંસદની બનેલી નવી ઇમારતમાં યોજવાનું છે. 18મી તારીખે સંસદનું વિશેષ સત્ર જૂન સંસદની ઇમારતમાં મળશે જ્યારે 19મી તારીખથી ગણેશ ચતુર્થી શરૂ થાય છે તે દિવસથી ચાર દિવસ સંસદની નવી ઇમારતમાં આ સત્ર યોજાવાનું છે. આમ ગણેશ ચતુર્થીના શુભ દિવસે સંસદની નવી ભવ્ય ઇમારતમાં સાંસદોનો પ્રવેશ થશે તે એક ઐતિહાસિક ઘટના બનશે અને હજુ પણ રહસ્ય તો બરકરાર રહેવાનું જ છે કે સંસદની નવી ઇમારતમાં પહેલું બિલ કયું પાસ થશે ? સરકારે સંસદની નવી ઇમારતમાં દેશની સંસ્કૃતિ અને વિરાસતની ભવ્ય ઝાંખી રજૂ કરી છે. નવી ઇમારતના ઉદ્ઘાટન પ્રસંગે દેશ અને દુનિયાએ સંસદની નવી ઇમારત જોઇ હતી. હિંદુ વિધિવિધાન અનુસાર સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે સર્વધર્મના પંડિતોને બોલાવીને સ્તુતિ-પ્રાર્થના પણ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે સંસદની નવી ઇમારતમાં પહેલું બિલ સરકાર કયું પાસ કરાવે છે.

જોગાનુજોગ 17મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે. આ દિવસ વિશેષ સત્ર બોલાવવાનો આગલો દિવસ છે અને તે દિવસે સરકારે સર્વ પક્ષોની એક મિટિંગ બોલાવી છે. આમ સંસદનું વિશેષ સત્ર તમામ રીતે યાદગાર બને તે માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે એવું લાગી રહ્યું છે.

  • Follow us on: