- ટ્રાફિકની સમસ્યા :ટ્રાફિક જામની વિકરાળ સમસ્યા મોં ફાડીને ઊભી છે
બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે એક જમાનામાં 100 જેટલી કાપડની મિલો ધરાવતું અમદાવાદ શહેર દેશનું માન્ચેસ્ટર ગણાતું હતું. બ્રિટનનું માન્ચેસ્ટર શહેર કાપડની મિલો માટે જાણીતું હતું તેથી અમદાવાદ શહેર પણ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું. આજે તો હવે આંગળાના વેઢે ગણાય એટલી જ કાપડની મિલો રહી છે પરંતુ આજે બ્રિટનના માન્ચેસ્ટર શહેરની વાત કરવી છે.
કેટલાંક વર્ષો પહેલાં માન્ચેસ્ટરના મેયર એક જાહેર કાર્યક્રમમાં પ્રવચન આપવા ગયા. કાર્યક્રમ પૂરો થયા બાદ બહાર આવીને તેમની કાર પાસે ગયા તો વીન્ડ સ્ક્રીન પર
વાઇપરની નીચે ટ્રાફિક પોલીસે મુકેલી એક સ્લીપ હતી. વાત એમ હતી કે માન્ચેસ્ટરના એ વખતના મેયરે ઉતાવળમાં તેમની કાર 'નો પાર્કિંગ' એરિયામાં મૂકી હતી અને ટ્રાફિકના નિયમનો ભંગ બદલ માન્ચેસ્ટરની પોલીસે તેમના જ મેયરને દંડ ફટકારતી નોટિસ મૂકી હતી. માન્ચેસ્ટરના મેયરે ટ્રાફિક રૂલ્સના એ ભંગ બદલ દંડ ભરી દીધો.
શું આવું ભારતમાં શક્ય છે ?
આજથી 50 વર્ષ પહેલાં રશિયાના મોસ્કોમાં એક દૃશ્ય નિહાળેલું. રાતના બે વાગે રસ્તા સૂમસામ હતા. એક નાગરિક મોસ્કોના રાજમાર્ગ પર કાર ચલાવી રહ્યો હતો. રસ્તા પર ક્યાયં પણ કોઈ વાહન નહોતું. ચાર રસ્તા પર મૂકેલા ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ થતાં રશિયન નાગરિકે આગળ પાછળ કે આજુબાજુ એક પણ વાહન ના હોવા છતાં પોતાની કાર થોભાવી દીધી અને જ્યાં સુધી ગ્રીન લાઇટ ના થઈ ત્યાં સુધી તે સૂમસામ સડક પર ગ્રીન લાઇટની રાહ જોતાં કારને થોભાવી તેમાં બેસી રહ્યો.
સિંગાપોર એક શહેર પણ છે, તે એક દેશ પણ છે. સિંગાપોરના રસ્તા પર ક્યાંય પણ ટ્રાફિક પોલીસ દેખાતી નથી પરંતુ એક પણ નાગરિક ટ્રાફિક રૂલ્સનો ભંગ કરતો નથી. લાલ લાઇટ થાય એટલે કાર થોભી જ જાય. આપણે ત્યાં તેથી ઊલટું છે. અમદાવાદ જેવા શહેરમાં ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો અને રોંગ સાઇડમાં વાહન ચલાવવું હવે આમ વાત થઈ ગઈ છે. લાગે છે કે કેટલાંક વાહનચાલકોને ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક રૂલ્સનો કોઈ જ ડર રહ્યો નથી. પૈસાદારોના કેટલાક નબીરાઓ તો ક્યારેક 140 કિલોમીટરની ઝડપે કાર ચલાવીને કેટલાયને કચડી નાખે છે. અમદાવાદ શહેરમાં તો દર અઠવાડિયે એક આવી ઘટના ઘટે છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર તો દિવસે પણ કેટલાક લોકો 100 કિલોમીટરની ઝડપે કાર ચલાવે છે.
ગુજરાતના બીજાં શહેરોમાં પણ ટ્રાફિકના ક્ષેત્રે અરાજક્તા જ દેખાય છે. આવી ખરાબ પરિસ્થિતિ તો મુંબઈમાં નથી. અમદાવાદના કેટલાક વાહન ચાલકો કરતાં મુંબઈની ટેક્સી
ડ્રાઇવર ટ્રાફિકના નિયમોને વધુ માન આપે છે.
હવે ટ્રાફિક જામની વાત.
લોકોની વસતી વધવાની સાથે મોટરકારો અને દ્વિચકી વાહનોની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે.
ટ્રાફિક જામ આ દેશની મોટામાં મોટી સમસ્યા બનતી જાય છે. દેશનું એક પણ મોટું શહેર કે નાનું નગર એવું નથી કે જ્યાં ટ્રાફિક જામનો પ્રશ્ન ના હોય. ટ્રાફિક જામના કારણે કિંમતી વિદેશી હુંડિયામણથી ખરીદવામાં આવતું બળતણ વેડફાઈ જાય છે. આ દેશમાં વાહનો જે બળતણ વાપરે છે તેનું 80 ટકા બળતણ આયાત કરવામાં આવે છે.
અમદાવાદ, વડોદરા,રાજકોટ કે સુરત જેવા શહેરથી માંડીને દિલ્હી, મુંબઈ, કોલકત્તા, બેંગલુરુ પણ ટ્રાફિક જામના ત્રાસથી ત્રસ્ત છે.
ગુજરાતના અને દેશના પ્રમુખ શહેરોમાં પીકઅવર્સમાં એક વાહન ચાલકને પાંચ કિલોમીટરનું અંતર કાપતાં પોણો કલાક લાગે એ કેવું ? કેટલું પેટ્રોલ અને ડીઝલ વેડફાઈ જાય ? લોકો તેમની ઑફિસ કે ધંધાના સ્થળેથી રોજ સાંજે બુલેટ ટ્રેનમાં બેસીને તો ઘેર જતા નથી.
કેટલાક વર્ષો પહેલાં એક મુખ્ય મંત્રી હિમાચલ પ્રદેશના એક શહેરમાં પહોંચ્યા પરંતુ તેમના કારણે મનાલી હાઈવે પર 18 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. આવો ટ્રાફિક જામ હવે એક સામાન્ય બાબત બનતી જાય છે. વાત એમ છે કે ત્રણ લાખથી વધુ વસતી ધરાવતાં 600થી વધુ શહેરો અને નગરોમાં સડકની ક્ષમતાથી વધુ વાહનો દોડી રહ્યા છે. એનું કારણ એ છે કે આ દેશમાં સડકો આવે તે પહેલાં આધુનિક મોટરકારો અને મોટર સાઇકલ આવી ગયા. લોકોમાં ટ્રાફિક સેન્સ આવે તે પહેલાં તેમના હાથમાં સ્ટિયરિંગ આવી ગયા.
શહેરના રસ્તા હોય કે હાઈવે હોય પરંતુ જ્યારે તેનું નિર્માણ થાય છે ત્યારે તે પહોળો દેખાય છે પરંતુ ત્રણ વર્ષમાં તે ગલી બની જાય છે. એ જ રીતે સડક કે હાઈવે પર લોકો દુકાનો ખોલી દે છે અને તે પછી દુકાનદાર અને ગ્રાહકોના વાહનો રસ્તા પર જ પાર્ક થતાં રસ્તા સાંકડા બની જાય છે. નાના નગરોમાં તો દુકાનદારો સડકની બહાર જ મંડપ બાંધી રસ્તા પર પોતાનો સામાન ગોઠવી દે છે.
દિલ્હીમાં તો સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે લ્યુટિયન દિલ્હીમાં સડક પર ક્યાંય પણ વાહનો પાર્ક કરવા ગેરકાયદે છે. કારણ કે રોડ પર પાર્ક કરાતાં વાહનો જ સડકોને ઘેરી લે છે. અમદાવાદ શહેરની પણ એ જ દશા છે.
એ વાત તો બધા જ સ્વીકાર કરે છે કે છેલ્લા 20 વર્ષ દરમિયાન અને ખાસ કરીને આર્થિક ઉદારીકરણ બાદ ઓટો-મોબાઈલ ઉદ્યોગો ભારે પ્રગતિ કરી છે પરંતુ જેટલી સંખ્યામાં વાહનો વધ્યાં છે તેટલા પ્રમાણમાં રસ્તાઓનો વિકાસ થયો નથી. એ જ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો પણ વિકાસ થયો નથી. અમદાવાદ જેવા શહેરમાં બીઆરટીએસ છે પણ કુલ વાહનચાલકો પૈકીના એક ટકા લોકો જ બીઆરટીએસમાં મુસાફરી કરે છે જ્યારે જાહેર રસ્તાઓના 35 ટકા રસ્તા બીઆરટીએસ રોકીને બેઠી છે. વ્યવસ્થા એવી ગોઠવાઈ છે કે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ ના હોવાના કારણે ખાનગી વાહનોને વધુને વધુ ઉપયોગ કરે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ છે પરંતુ શહેરના દરેક ખૂણે નથી.
નેચર' નામના મેગેઝિનમાં તાજેતરમાં રજુ થયેલા એક અહેવાલ મુજબ વિશ્વભરમાં 33 ટકા લોકો વાયુ પ્રદૂષણના ભોગ બને છે એટલું જ નહીં પરંતુ સડકો પર થતા ટ્રાફિક જામના કારણે કેટલાંયે લોકો માનસિક ત્રાસના કારણે માનસિક બીમારીના પણ ભોગ બને છે, પરિણામે અકસ્માતો પણ થાય છે. નિર્દોષ લોકો મરે છે કેટલાક વાહનચાલકો તો ટ્રાફિક પોલીસ પર હુમલો પણ કરી દે છે. દિલ્હી, જયપુર અને ભોપાલ જેવા શહેરોમાં તો કોઈ વાહનચાલક માર્ગ ના આપતાં હોય તો તેની પાછળ ગાડી ચલાવનાર વાહનચાલકોએ ખૂન કર્યાના કિસ્સા પણ નોંધાયા છે.
ટ્રાફિક જામનું એક કારણ રસ્તાઓની ક્ષતિયુક્ત ડિઝાઇન પણ જવાબદાર છે. થોડોક જ વરસાદ થાય છે ને રસ્તા પર ભૂવા પડે છે, ખાડા પડી જાય છે. મોટી સ્કૂલો શરૂ થવાના સમયે અને સ્કૂલ છુટવાના સમયે સ્કૂલની બહારના રસ્તા પર ટ્રાફિક જામ એ રોજના દૃશ્યો છે.
ટ્રાફિક જામની આ વિકરાળ સમસ્યા તેનાં વિકરાળ મોં ફાડીને ઊભી છે. આવનાર વર્ષોમાં પરિસ્થિતિ એવી હશે કે સાંજે છ વાગે ઑફિસેથી છૂટેલો માણસ સવારે ચાર વાગે ઘેર પહોંચે તો નવાઈ નહીં.
