• લોકસભા ચૂંટણી 2024 : છેલ્લા 40 વર્ષથી ઓવૈસીનો ગઢ રહેલી હૈદરાબાદની બેઠક પર પહેલીવાર રસાકસી

    દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે તેલંગાણાની હૈદરાબાદ સીટ પરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર માધવી લતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. માધવી લતા હૈદરાબાદના સાંસદ અસાદુદ્દીન ઓવૈસી સામે ચૂંટણી લડી રહ્યાં છે. ઓવૈસી તેમની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમિનના(AIMIM) પ્રમુખ છે. ઓવૈસી 2004થી હૈદરાબાદ બેઠકથી છેલ્લી ચાર ટર્મથી ચૂંટણી જીતી રહ્યાં છે. આ પહેલાં તેમના પિતા સુલતાન સલાઉદ્દીન ઓવૈસી 1984થી 2004 સુધી સતત છ વખત હૈદરાબાદથી ચૂંટણી જીત્યા હતા. 2019માં ઓવૈસી તેમના ભાજપના હરીફ ભાગવત રાવથી અંદાજે ત્રણ લાખ મતોથી ચૂંટણી જીત્યા હતા. હૈદરાબાદ લોકસભા બેઠક પર સાત વિધાનસભા ક્ષેત્રોમાં છ વિધાનસભા ક્ષેત્રો પર ઓવૈસીની પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા છે. એકમાત્ર ગોસામહલ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાયા છે. આમ વર્ષોથી હૈદરાબાદ બેઠક ઓવૈસીની પાર્ટીનો ગઢ રહ્યો છે. ઓવૈસી સાંસદ તરીકે પણ બહુ બોલકા છે. તેઓ પોતાના ભાષણોમાં હંમેશા ભાજપ અને વડાપ્રધાન મોદીની વિરુદ્ધ બોલતા નજરે આવ્યા છે. મુસ્લિમ વિસ્તારોમાં તેમની લોકપ્રિયતા ઘણી છે. તેમના પર કટ્ટર મુસ્લિમ વ્યક્તિ તરીકેની છાપ છે. આ સંજોગોમાં જ્યારે ભાજપે સૌપ્રથમ જાહેર કરેલી 195 બેઠકોના ઉમેદવારની યાદીમાં હૈદરાબાદની બેઠક પર માધવી લતાનું નામ જાહેર કર્યું ત્યારે સૌને આૃર્ય થયું કે કોણ છે આ માધવી લતા ? જેના પર ભાજપે હૈદરાબાદમાં દાવ ખેલ્યો છે.

    49 વર્ષના માધવી લતા હૈદરાબાદમાં હિન્દુત્વ વાદી નેતા તરીકેની છાપ ધરાવે છે. તેઓ એક હૉસ્પિટલના ચેર પર્સન છે. આ ઉપરાંત તે સેવાભાવી સંસ્થાઓ ચલાવે છે. તે સ્કૂલ કૉલેજોમાં હિન્દુ સંસ્કૃતિ અને ધર્મ અંગે લેક્ચર આપવા પણ જાય છે. પોલિટિકલ સાયન્સમાં એમ.એ. કરનાર માધવી ભરતનાટયમની તાલીમ લીધેલી છે અને યુવાનીમાં ફિલ્મી લાઈનમાં પણ કામ કરેલું છે. માધવી લતાનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી. 2018માં ભાજપ જોઈન કર્યું હતું અને 2019માં આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ગુંટૂર પિૃમની બેઠક પરથી ચૂંટણી લડયાં હતાં. જોકે આ ચૂંટણીમાં માધવીને હાર મળી હતી. પરંતુ માધવી હિંમત હારી ન હતી. પોતાની એનજીઓ દ્વારા માધવીએ સમાજસેવાનું કામ ચાલું રાખ્યું હતું. માધવી પોતાના હિન્દુત્વવાદી વિચારસરણી માટે જાણીતી છે. તેમ છતાં મુસ્લિમ વિસ્તારોમાં પણ આગળ પડતું છે. મુસ્લિમ મહિલાઓના ઉત્થાન માટે માધવી હૈદરાબાદની ગલીઓમાં ફરે છે. મુસ્લિમ વિસ્તારની મહિલાઓને ત્રણ તલાક અંગે જાણકારી આપે છે. તથા બેસહારા મુસ્લિમ મહિલાઓને અનાજ ઉપરાંત કપડાં સહિતની સેવાઓ માધવી પૂરી પાડે છે. હૈદરાબાદ જૂનું શહેર એટલું ગીચ છે કે ત્યાંના મુસ્લિમ વિસ્તારોમાં ધોળે દિવસે પણ કોઈ હિન્દુને જતાં ડર લાગે તેમ છતાં હિન્દુત્વ વિચારધારાને વરેલી માધવી આ વિસ્તારોમાં બેધડક જાય છે અને જરૂરિયાતમંદ મહિલાઓને મદદ પહોંચાડે છે. મુસ્લિમ સમાજમાં આ રીતે લોકપ્રિય હોવાથી માધવીને ભાજપે પોતાની ઉમેદવાર બનાવી છે. માધવીનું કહેવું છે કે, વર્ષોથી જ્યારે ઓવૈસી જેવા નેતા હૈદરાબાદથી ચૂંટાય છે ત્યારે તેઓ તેમના સમાજનો ઉદ્ધાર કેમ કરી શક્યાં નથી ? માધવી કહે છે કે, ઓવૈસીએ સાંસદ તરીકે હૈદરાબાદને પીડા, ડર અને અન્યાય સિવાય કંઈ પણ આપ્યું નથી. ભાજપના કટ્ટર ટિકાકાર ઓવૈસીને તેમના જ ગઢમાં ફાઈટ આપતી માધવી કહે છે કે ઓવૈસીએ કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ તેમના મતદારોને આપ્યો નથી. હું હૈદરાબાદ લોકસભા ક્ષેત્રમાં નિરક્ષરતા વિરુદ્ધ કામ કરવા માગું છું. અમારા વિસ્તારમાં મતદારોને સારા રસ્તા, પુલ, મેટ્રો રેલ, સ્વચ્છતા, પાકા ઘર, સ્કૂલ, આરોગ્યની સેવાઓ તથા રમતગમતની સુવિધાઓ આપવા માગંુ છું. જેના માટે અત્યારના સાંસદે કોઈ ખાસ કામ કર્યું નથી.

માધવી લતા કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બેટી બચાવો, બેટી પઢાઓ, વિશ્વકર્મા યોજના સહિતની ઘણીબધી યોજનાઓ હૈદરાબાદમાં નાગરિકો સુધી પહોંચી નથી. ઓવૈસી આ પ્રકારની સહાય નહીં પહોંચાડીને મતદારો સાથે અન્યાય કર્યો છે. હું આ અન્યાયને દૂર કરવા આવી છું.

     માધવી લતા નીડર છે. મહિલા તરીકે તે ખૂબ મજબૂતાઈથી પોતાની વાત રજૂ કરે છે. હૈદરાબાદમાં મુસ્લિમ મહિલાઓ અંગે થતાં શોષણ અંગે તે ખૂલીને બહાર આવ્યા છે. હૈદરાબાદની 12થી 14 વર્ષની છોકરીઓને આરબ-શેખો શાદીના બહાને તેમનું શોષણ કરે છે. તે અંગે માધવી લતા એ અવાજ ઉઠાવ્યો છે. ધર્મના ઓથા હેઠળ ચાલતા આ મહિલા શોષણને બંધ કરવાની માગ કરી છે. તાજેતરમાં જ રામ નવમી દરમિયાન નીકળેલી શોભાયાત્રામાં માધવી લતાએ તીર ચલાવવાની ઍક્શન કરીને કાલ્પનિક રીતે છોડેલા તીરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. ભગવા કપડાંમાં સજ્જ અને માથે સાફો પહેરીને માધવી લતાએ જે અંદાજમાં તીર છોડયું હતું તેની બહુ ચર્ચા થઈ હતી. માધવી વિરુદ્ધ હૈદરાબાદના પોલીસ સ્ટેશનમાં આ વીડિયો અંગે ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં કહેવાયું છે કે, આ તીર નજીકમાં આવેલી મસ્જિદ તરફ છોડવાની ઍક્શન કરી હતી. જેના કારણે મુસ્લિમોની લાગણી દુભાઈ છે. માધવી લતા કહે છે કે, મારા હાથમાં કોઈ તીર કામઠું ન હતું, મે તો ખાલી એક્શન કરી હતી. અને તીર આકાશ તરફ છોડયું હતું, વચ્ચે જો કોઈ ઇમારત આવી જતી હોય તો તેની મને જાણ નથી. હું કોઈ કટ્ટરવાદી વ્યક્તિત્વ ધરાવતી નથી. ગરીબ મુસ્લિમો માટે પણ હું કામ કરી રહી છું. આ સંજોગોમાં મારા પર દાખલ કરવામાં આવેલી ફરિયાદ મારી વધતી જતી લોકપ્રિયતાને કારણે ઇર્ષાખોર લોકોએ કરી હોય તેવું લાગે છે.

    તેલંગાણામાં અત્યારે તો ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાંથી માધવી લતા સૌથી વધારે ચર્ચામાં છે. દેશભરમાં જો લોકસભાની ચૂંટણીને મીડિયામાં ધ્યાનથી જોઈ રહ્યાં છે તેઓ પણ માધવી લતાથી અજાણ નથી. તેલંગાણામાં ભાજપ ધીમી પરંતુ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. છેલ્લાં એક દાયકામાં રાજ્યમાં ભાજપનો વોટ શેર વધી રહ્યો છે. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વોટશેર માત્ર 7 ટકા હતો. જે 2023ની વિધાનસભાની ચૂંટણીમાં વધીને 15 ટકા થયો છે. ભાજપે 2023ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર તેલંગાણામાં 8 બેઠકો જીતી છે. આ 8 બેઠકો હૈદરાબાદની શહેરની આસપાસના વિસ્તારોની છે. હૈદરાબાદની લોકસભાની બેઠક પર જે પરિણામ આવે તે ખરું પરંતુ મુસ્લિમ બહુમતી મતદારો ધરાવતી આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે માધવી લતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે અને ઓવૈસીને પણ દોડતા કર્યા છે. આ વાત જ માધવી લતાની ઉમેદવારીની સફળતા છે.


  • Follow us on: