- વ્યક્તિત્વ : લદાખની સુંદરતા અને બરફના પહાડો બચશે તો જ લદાખની ઓળખ બની રહેશેની વાત સાથે નીકળેલ IIT એન્જિનિયર
સોનમ વાંગચૂક લદાખમાં સરકારી સ્કૂલમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ભણાવીને ડૉક્ટર્સ, એન્જિનિયર્સ બનાવી રહ્યાં છે, સાથે સાથે લદાખના પ્રશ્નો વડાપ્રધાન સુધી પહોંચે તે માટે ક્લાઇમેટ ફાસ્ટ પણ કરી રહ્યાં છે
આમિરખાનની જાણીતી ફિલ્મ થ્રી ઇડિયટ્સમાં આમિરખાનનું નામ ફૂંગશુક વાંગડૂ હતું જે એન્જિનિયરિંગની ડિગ્રી લીધાં પછી લદાખમાં જઇને બાળકોને સ્ટડી કરાવી રહ્યાં છે. ફિલ્મમાં આ પાત્રની પ્રેરણા લદાખના એન્જિનિયર સોનમ વાંગચૂક પરથી લેવામાં આવી હતી. સોનમ વાંગચૂકે એનઆઇટી શ્રીનગરમાંથી એન્જિનિયરિંગ કરેલું છે અને વર્ષોથી લદાખમાં શિક્ષણ લોકજાગૃતિ અને સેવાના કાર્યો કરી રહ્યાં છે.
દેશનો લદાખ વિસ્તાર અતિ સુંદર છે સાથે સાથે અનેક પડકારોથી ભરેલો છે. ચારેબાજુ પહાડો, વર્ષનાં ઘણા મહિના બરફથી ઢંકાયેલો વિસ્તાર, સાથે સાથે રોજગારી, શિક્ષણ, વીજળી, પાણી, જીવન જરૂરિયાતની વસ્તુઓનો અભાવ વગેરે સમસ્યાઓ ઉપરાંત સરહદી વિસ્તાર સાથે જોડાયેલાં હોય બીજી પણ અનેક સમસ્યાઓથી આ વિસ્તાર ઘેરાયેલો છે. સોનમ વાંગચૂક લદાખ વિસ્તારની સમસ્યાઓના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહે છે. લદાખમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે એન્જિનિયર વાંગચૂકે જે રસ્તો બનાવ્યો છે તેની દુનિયાભરમાં પ્રશંસા થઇ છે. પીવાના પાણી અને ખેતી માટે જરૂરી પાણી માટે પોતાના સાથીઓ સાથે એક અલગ જ રસ્તો શોધ્યો છે. સ્થાનિક લોકોને તેમણે શિયાળામાં પડેલા બરફના સ્તૂપ બનાવવાનું કહ્યું છે. આ સ્તૂપ 40 મીટર સુધી ઊંચો બની શકે છે.આ બરફનો સ્તૂપ શિયાળામાં બને તે જૂન સુધી અસ્તિત્વમાં રહી શકે છે. બરફના આ સ્તૂપમાં 1 કરોડ 60 લાખ લિટર પાણી મળી શકે છે જેનાથી પીવાનું પાણી અને ખેતી માટે પાણી ઉપલબ્ધ થાય છે. સ્થાનિક સંશાધનનો ઉપયોગ કરીને વાંગચૂકનું આ ઇનોવેશન દુનિયાભરમાં વખણાયું અને તેના માટે તેમને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ પણ મળ્યાં.
સોનમ વાંગચૂકે પોતાના સાથીઓ સાથે 1988માં લદાખનાં બાળકોના અભ્યાસ માટે એક અભિયાન શરૂ કર્યું હતું જેને સ્ટુડન્ટ્સ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદાખ (સેકમોલ) નામ અપાયું. આ અભિયાન હેઠળ એવા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પસંદ કરાય છે જે સરકારી શાળાઓમાં નાપાસ થયાં હોય છે. આ બાળકોને વાંગચૂકની સંસ્થા મફતમાં ભણાવે છે તેમને પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવે છે. છેલ્લાં 10 વર્ષથી ચાલતા અભિયાન હેઠળ લદાખના હજારો બાળકોએ શિક્ષણ મેળવ્યું. જેમાંથી કેટલાક તો ડૉક્ટર્સ અને એન્જિનિયર્સ અને મોટી પદવીઓ મેળવી ચૂક્યાં છે. લદાખમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ આસાનીથી મળી રહે, બાળકો અભ્યાસ કરે તે ઉપરાંત સોનમ વાંગચૂકનું મિશન છે, લદાખનું પર્યાવરણ બચાવી રાખવાનું. 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ કરી અને લદાખને કેન્દ્રશાસિત વિસ્તાર જાહેર કર્યો. આ ફેરફાર હેઠળ લદાખમાં જમીનો અંગે જે કોઇ જે અધિકારો સ્થાનિક લોકો પાસે હતાં તે રદ કરી દેવામાં આવ્યાં. પરિણામે હવે લદાખમાં પણ કોઇપણ વ્યક્તિ જઇને જમીન ખરીદી શકે અને ઉદ્યોગ સ્થાપી શકે. સોનમ વાંગચૂકને આ જ ચિંતા છે કે, લદાખમાં આડેધડ લોકો આવવા માંડશે અને ઉદ્યોગો સ્થપાશે તો લદાખનું કુદરતી અસ્તિત્વ કાયમ માટે ભૂંસાઇ જશે. લદાખમાં બેરોજગારી છે. યુવાનોને અભ્યાસ કર્યા પછી નોકરી નથી મળતી. આ નોકરી તો જ મળી શકે જ્યારે લદાખમાં કોઇ ઉદ્યોગો સ્થપાય. સરકારની આ દલીલ છે. પરંતુ સોનમ વાંગચૂકનું કહેવું છે કે, નોકરીનું ગાજર લટકાવીને લદાખમાં તમે આડેધડ ઉદ્યોગો લાવીને લદાખની સુંદરતાનો નાશ ના કરી શકો. ક્લાઇમેટ ચેન્જની અસરો જે રીતે અત્યારે જોશીમઠ વિસ્તારને ભરડામાં લઇ રહી છે તેવી જ અસરો આવનારાં વર્ષોમાં લદાખમાં સર્જાય તેવી ભીતિ વાંગચૂકને છે.
જમ્મુ-કાશ્મીરમાં 370ની કલમ રદ થઇ અને લદાખને યુનિયન ટેરિટરી જાહેર કરાઇ ત્યારે લદાખના લોકોને સરકારે વચન આપ્યું હતું કે, શિડયુલ-6નો અમલ કરવામાં આવશે. ભાજપે પણ 2019 અને 2020ની ચૂંટણીમાં લદાખના લોકોને પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ શિડયૂલ-6 આપવાનો વાયદો કરાયો હતો. લદાખના નેતાઓએ ત્રણ વર્ષ સુધી શિડયૂલ-6નું વચન સરકાર પૂરું કરે તે માટે સંઘર્ષ કરી રહ્યાં છે. પરંતુ હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. આ સંજોગોમાં સોનમ વાંગચૂક કહે છે કે, લદાખને બચાવવાનું કાર્ય નેતાઓના માથે ના નાખવું જોઇએ, લદાખના હિતમાં નાગરિકોએ પણ આગળ આવવું જોઇએ. લદાખના કલ્ચરલ અને ક્લાઇમેટના સંરક્ષણ માટે ક્લાઇમેન્ટ ફાસ્ટ પર ઉતારવાનો અનોખો નિર્ણય વાંગચૂકે લીધો છે. વડાપ્રધાન સુધી લદાખના લોકોની વાત પહોંચાડવા માટે સોનમ વાંગચૂક ઉપવાસ પર બેઠાં છે. વાંગચૂકનું કહેવું છે કે, ક્લાઇમેટ ફાસ્ટ દ્વારા હું માત્ર સરકાર નહીં પરંતુ આમ જનતાને પણ જણાવવા માગું છું કે થોડી સરળ લાઇફસ્ટાઇલ અપનાવો, વાહનોના ધુમાડા અને આપણી અકુદરતી જીવનશૈલીને કારણે લદાખ વિસ્તારના લોકોને પાણી વગર રહેવું પડે છે અને અહીંથી ઘરબાર છોડીને ભાગવું પડે છે. વાંગચૂકને ભય છે કે લદાખને એક્સપ્લોર કરવા ઉદ્યોગપતિઓ આવશે અને પરિણામે લદાખમાં પર્યાવરણીય અસંતુલન સર્જાશે. વાંગચૂક કહે છે કે, આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો કોઇ અર્થ નથી, એટલા માટે અમે અત્યારથી જ સાવચેત થઇ ગયાં છે. લદાખના લોકો અત્યારે આખા દિવસમાં પાંચ લિટર પાણીનો ઉપયોગ કરીને દિવસ પસાર કરે છે. જ્યારે બહારના લોકો અહીં આવીને રોજનું 200 થી 300 લિટર પાણી વાપરશે ત્યારે અમારે આ જગ્યા છોડવા માટે મજબૂર થઇ જવું પડશે. આડેધડ ટૂરિઝમનો પણ વાંગચૂક વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે, અહીંનું સંતુલન બહારના લોકોના ધસારાને કારણે બગડી રહ્યું છે. બરફના ગ્લેશિયર સતત દૂર જઇ રહ્યાં છે. લદાખમાં કોઇ પણ એવું કામ ના થવું જોઇએ કે અત્યારે તમને સારું લાગે, ખુશી આપે પરંતુ પાછળથી તમારે તેના માટે પસ્તાવું પડે. લદાખ ભારતના બીજા વિસ્તાર જેવો વિસ્તાર નથી. એ એક સંપૂર્ણ અલગ જગ્યા છે જેને બહારના લોકો સમજી ના શકે. સોનમ વાંગચૂકની આ ઝુંબેશ લદાખ બચાવવા માટે છે. એના માટે તે સરકાર સાથે પણ બાથ ભીડવા તૈયાર છે.










