- ભાષા વૈભવ : ગુજરાતી ઉત્તર-પૂર્વીય આફ્રિકન દેશો તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશોમાં પણ બોલાય છે
- ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે
આજે *વિશ્વ માતૃભાષા દિવસ* છે. જગતની તમામ ભાષાઓને આજે એનાં સંતાનો ગુણ ગાઈને લાડ લડાવશે. મા, માતૃભૂમિ અને માતૃભાષાનું અતૂટ બંધન કોઈનાથી છૂટયું નથી ને છૂટવાનું પણ નથી. આપણે ગમે ત્યાં હોઈએ, પણ મા, માતૃભૂમિ અને માતૃભાષા યાદ આવ્યાં વિના રહેતા નથી. એની યાદ અને એનું મમત્વ આપણને અંદરથી સ્નિગ્ધ રાખી જીવનની ઉર્ધ્વગતિ માટે આપણને સતત પ્રેરિત કરતું રહે છે. અને એટલે જ આપણને એનું વળગણ છૂટતું નથી.
*વિશ્વ માતૃભાષા દિવસ* નિમિત્તે આપણને સહજ પ્રશ્ન થવો જોઈએ કે, *વિશ્વ માતૃભાષા દિવસ*ની ઉજવણીની શરૂઆત શી રીતે થઈ ? શા માટે *વિશ્વ માતૃભાષા દિવસ* તરીકે 21મી ફેબ્રુઆરનો દિવસ જ નક્કી કરવામાં આવ્યો? આ દિવસની પસંદગી માટેનો ઇતિહાસ ઘણો જ રસપ્રદ છે. યુનેસ્કોએ ઇ.સ.1999ના નવેમ્બર મહિનાનામાં પ્રથમવાર નક્કી કર્યું કે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવી. એટલે સત્તાવાર રીતે 21મી ફેબ્રુઆરી 2000માં પ્રથવાર *વિશ્વ માતૃભાષા દિવસ*ની ઉજવણી કરવામાં આવી. બસ, ત્યારથી સમગ્ર વિશ્વ દર વર્ષે 21મી ફેબ્રુઆરીને *વિશ્વ માતૃભાષા દિવસ* તરીકે ઊજવે છે.
યુનેસ્કો દ્વારા એ માટે એક અભ્યાસ હાથ ધરવામાં આવેલો. એમાં સામે આવેલી માહિતી મુજબ સમગ્ર દુનિયામાં 7,000 કરતાં વધું ભાષાઓ, જે બોલવા, લખવાં અને વાંચવા માટે વપરાતી હોય, એને ઓળખી કાઢવામાં આવી. એનો સાદો અર્થ એવો કરી શકાય કે, વિશ્વમાં હાલ અંદાજે 7,000 કરતાં વધું ભાષાઓ બોલાઈ રહી છે. આ બધી જ ભાષાઓની જાળવણી કરવાની અને એને બચાવવાની કવાયત કરવી ખૂબ જ જરૂરી હોવાથી એને બચાવવાના પ્રયાસ થવા જોઈએ. જેથી એને બચાવવાના ભાગ રૂપે આપણે 21મી ફેબ્રુઆરીને દર વર્ષે *વિશ્વ માતૃભાષા દિવસ* તરીકે ઊજવીએ છીએ.
*વિશ્વ માતૃભાષા દિવસ* માટે 21મી ફેબ્રુઆરી જ કેમ ? એ પ્રશ્નનો જવાબ આ મુજબ છે : ઈ.સ.1952માં' ઢાકા યુનિવર્સિટી'ના વિદ્યાર્થીઓએ તત્કાલીન પાકિસ્તાન (એ વખતે બાંગ્લાદેશ પાકિસ્તાનનો ભાગ હતું અને પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું) સરકારની ભાષાનીતિ સામે પોતાની માતૃભાષા બચાવવા માટે એક આંદોલન કરેલું.' ઢાકા યુનિવર્સિટી'ના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષાનીતિ સામે ઉગ્ર વિરોધ કરી એ સમયે માંગ કરેલી કે, તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવા માટે છે અને સરકાર બંગાળી ભાષાને સત્તાવાર ભાષાનો દરજ્જો નહીં આપે ત્યાં સુધી અવિરત ચાલુ રહેશે.
આ આંદોલન 21મી ફેબ્રુઆરીના દિવસે શરૂ થયેલું. આ આંદોલન ઉગ્ર બનતા પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)ના વિદ્યાર્થીઓ સામે મોટાપાયે બળપ્રયોગ કરેલો. પોલીસદમનને કારણે આ આંદોલનમાં અનેક વિદ્યાર્થીઓને પોતાનો જીવ ગુમાવવાની નોબત આવેલી. આખરે પાકિસ્તાન સરકારને વિદ્યાર્થીઓ સામે નમતું જોખવાની ફરજ પડતા, બંગાળી ભાષાને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવો પડેલો. બસ, એટલે યુનેસ્કોએ પછીથી આ આંદોલનની સ્મૃતિમાં
*વિશ્વ માતૃભાષા દિવસ* તરીકે આ દિવસની પસંદગી કરેલી. વિશ્વના આ અનોખા ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રાદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999ના દિવસે પોતાની 'જનરલ કોન્ફ્રન્સ'માં *વિશ્વ માતૃભાષા દિવસ* ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાની શરૂઆત થઈ.
વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના નવીનતમ સંસ્કરણ ઈથોનોલોજી મુજબ વિશ્વભરની 20 સૌથી વધું બોલાતી ભાષાઓમાં છ ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે. વિશ્વભરમાં સાંઈઠ કરોડથી વધું લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. હિન્દી પછી બંગાળી ભાષા વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં સાતમા સ્થાને છે. વિશ્વભરમાં બંગાળી ભાષા બોલનારની સંખ્યા સત્યાવીશ કરોડ આસપાસની છે. સત્તર કરોડ લોકોની સાથે ઉર્દૂ ભાષાનું સ્થાન 11મું છે. મરાઠી બોલનાર લોકોની સંખ્યા સાડા નવ કરોડ જેટલી છે. મરાઠી ભાષાનું સ્થાન બોલનારની સંખ્યાને ધ્યાનમાં લેતાં વિશ્વમાં 15મું છે. નવ કરોડ કરતાં વધું લોકો સાથે તેલુગુ ભાષા 16માં ક્રમે આવે છે. તમિલ ભાષાનું સ્થાન આઠ કરોડ કરતાં વધું લોકો સાથે એ રીતે 19મું છે.
ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. જે ભારતની વસતીના લગભગ 4.5 ટકા થવા જાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા 6.55 કરોડ જેટલી છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં 26માં ક્રમની સૌથી વધું બોલાતી ભાષા તરીકેનું સ્થાન ધરાવે છે.
આમ તો, માતૃભાષા ગુજરાતી 700 વર્ષ કરતાં વધું જૂની ભાષા છે. ગુજરાતી સંસ્કૃત ભાષામાંથી ઊતરી આવેલી ઇન્ડો-આર્યન કુળની ભાષા છે. જે પરંપરાગત રીતે ત્રણ ઐતિહાસિક તબક્કાઓ પસાર કરી આજની ગુજરાતી તરીકે પ્રસ્થાપિત થઈ છે. વૈદિક સંસ્કૃતમાંથી પ્રકૃતિ અને અપભ્રંશનો તબક્કો પસાર કરી આધુનિક ભાષાઓ અસ્તિત્વમાં આવેલી છે. એ જ પરિપાટીમાં જૂની ગુજરાતી (ગુર્જર અપભ્રંશ, આશરે ઈ.સ.1100-1500), મધ્યકાલીન ગુજરાતી ભાષા,
(આશરે ઈ.સ.1500-1800) જે રાજસ્થાનીથી જુદી પડી અને આધુનિક ગુજરાતી ભાષા (ઈ.સ. 1800થી આજ દિન) સુધીની અવિરત યાત્રા કરે છે. ભાષાની આ યાત્રામાં નરસિંહ મહેતાને પરંપરાગત રીતે આધુનિક ગુજરાતી કવિતાના પિતા ગણવામાં આવે છે.
ગુજરાતમાં, ગુજરાત બહાર, દક્ષિણ એશિયાના ઘણા ભાગોમાં, ભારતનાં અન્ય રાજ્યોમાં, (ખાસ કરીને મુંબઈ) તથા પાકિસ્તાન (મુખ્યત્વે કરાચી)માં ગુજરાતી ભાષા ખૂબ બોલાય છે. ગુજરાતી મૂળ અને કુળ ધરાવતા લોકો દ્વારા દક્ષિણ એશિયાની બહાર પણ વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલાય છે. ઉત્તર અમેરિકા ખંડમાં ગુજરાતી ભાષા સૌથી ઝડપથી વિકસતી અને અમેરિકા અને કેનેડામાં સૌથી વધું બોલાતી ભારતીય ભાષાઓમાંની એક છે. યુરોપમાં ગુજરાતીઓ બ્રિટિશ દક્ષિણ એશિયન ભાષાઓ બોલનારા લોકોમાં બીજા ક્રમે છે, અને યુ.કે.ના લંડનમાં ગુજરાતી ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ગુજરાતી ઉત્તર-પૂર્વીય આફ્રિકન દેશો તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશોમાં પણ બોલાય છે. હોંગકોંગ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને મધ્ય પૂર્વના દેશોમાં પણ ગુજરાતી ભાષા બોલનારા લોકો આપણને મળી રહે છે.
માતૃભાષાની વાત આવે ત્યારે એટલું તો ચોક્કસ થવું જોઈએ કે, અંગ્રેજી મીડિયમમાં ભણતાં આપણાં બાળકોને ગુજરાતી પણ ખૂબ જ સારી રીતે શીખવવું જોઈએ. આમ કરવાથી ભાષાનો ભાવ અને આપણો ગુજરાતી વારસો બન્ને જળવાઈ રહેશે. પણ, આજકાલ દરેક મા-બાપ ઇચ્છે છે કે, પોતાનું સંતાન અંગ્રેજીમાં ભણે અને અંગ્રેજીમાં બોલે. આવી ઘેલછાને લીધે માતા-પિતા પોતાના સંતાનોને જાણ્યે અજાણ્યે ગુજરાતી ભાષાથી દૂર કરે છે. અંગ્રેજી આવડવું સારી વાત છે, પણ અંગ્રેજીની હોડમાં માતૃભાષા ન ભુલાય, એ ધ્યાન માતા-પિતાએ રાખવું જોઈશે. આપણને સપનું જે ભાષામાં આવે એ ભાષાને આપણે કદી ન ભૂલવી જોઈએ.
દેખાવ કરવા માટે માતૃભાષાને નાની બનાવવી યોગ્ય નથી જ. બસ, આટલી વાત મગજમાં રાખી *વિશ્વ માતૃભાષા દિવસ*ના મહોત્સવને ઊજવીશું તો વીર નર્મદે 'કલમને ખોળે માથું મૂકેલું' એ સાર્થક થયું ગણાશે.
::: થ્રી ડૉટ્સ :::
*જ્યાં સુધી હું ગુજરાતીમાં બોલું છું ને, ત્યાં સુધી હું ગુજરાતી છું.
હૈયું મારું ગુજરાતીમાં ખોલું છું ને, ત્યાં સુધી હું ગુજરાતી છું.
સપનાઓ પણ ગુજરાતીમાં આવે એવું ગુજરાતી થૈ જીવી'ર્યો છું.
મારી માનાં હાલરડાથી ડોલું છું ને, ત્યાં સુધી હું ગુજરાતી છું.