- 1923 માં ભૂકંપમાં હજારો લોકો ગુમાવ્યા બાદ જાપાને એવી ઈજનેરી કળા સર્જી કે, હવે મોટી ખુવારી થતી નથી
કચ્છમાં આવેલા ભૂકંપને 25 વર્ષ થવા જાય છે, આજે તો કચ્છ બેઠું થઈ ગયું છે અને દેશના ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવ્યું છે, કુદરતની કૃપા ગણવી રહી કે, વિનાશકારી ભૂકંપ બાદ એવો ભૂકંપ ફરી આવ્યો નથી. આ આપદામાંથી ભારતમાં ભૂકંપ પ્રતિરોધ વ્યવસ્થાપન સર્જાયું અને ઈમારતોના બાંધકામમાં પણ નવા નિયમો લાગુ પડયા પરંતુ જાપાન એક એવો દેશ છે જ્યાં સમયાંતરે ભૂકંપ આવતો જ રહે છે. 123 વર્ષ પૂર્વે ટોકિયોમાં આવેલા પ્રચંડ ધરતીકંપ બાદ જાપાન એવું સાવધાન થઈ ગયું કે, તાજેતરમાં આવેલો ભયાવહ ભૂકંપ એટલી ખાનાખરાબી સર્જી શક્યો નથી, જેટલી તેની બિહામણી તીવ્રતા હતી.
જાપાનના ભૂકંપને સમજવા માટે તેની ભૂગોળ સમજીએ.. જાપાનના પશ્ચિમ તરફ્ નોટો પેનિન્સુલા છે; એટલે કે એક છેડો જમીન સાથે જોડાયેલો છે અને બાકીનો છેડો પાણી સાથે જોડાયેલો છે. જાપાન ટેક્ટોનિક પ્લેટોના સંગમ પર આવેલું છે. કેટલીક વાર આ પ્લેટોમાં હલનચલન થાય છે, જેને કારણે ધરતીકંપો સમયાંતરે થાય છે. જાપાનમાં અચાનક ભૂકંપના આંચકા લોકોના જીવન સાથે વણાઈ ગયા છે. જાપાન ભૂકંપનું કેન્દ્ર હોવાથી જાપાનમાં ભૂકંપ મોનિટરિંગ સિસ્ટમ એકદમ મજબૂત અને અદ્યતન છે. જાપાનની મેટ્રોલોજિકલ એજન્સી જાપાન પર છ સ્તરે સતત નજર રાખે છે. સુનામી ચેતવણી પ્રણાલી પણ આ એજન્સી હેઠળ કામ કરે છે. ધરતીકંપ મોનિટરિંગ સિસ્ટમ હેઠળ તે સિસ્મિક સ્ટેશનો સાથે છ પ્રાદેશિક વિસ્તારોનું નિરીક્ષણ કરે છે. આ એજન્સી ત્રણ મિનિટમાં ભૂકંપ અને સુનામીની ચેતવણીઓ જારી કરે છે. જાપાનમાં ભૂકંપ અને સુનામીનું મુખ્ય કારણ તેનું સ્થાન છે. જાપાન પેસિફિક રિંગ ઓફ ફાયર સાથે આવેલું છે, જે વિશ્વમાં સૌથી વધુ સક્રિય ધરતીકંપ ટેક્ટોનિક બેલ્ટ છે. રિંગ ઓફ ફાયર એ પ્રશાંત મહાસાગરના કિનારે સ્થિત એક ઘોડાની નાળના આકારનો પ્રદેશ છે, જ્યાં વિશ્વના ઘણા ધરતીકંપો થાય છે અને જ્વાળામુખી ફાટી નીકળે છે. રિંગ ઓફ ફાયરની અંદર પેસિફ્કિ પ્લેટ, યુરેશિયન પ્લેટ અને ઈન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ સહિત ટેક્ટોનિક પટ્ટાઓ સતત એકબીજા સાથે અથડાતા રહે છે, જેના કારણે ધરતીકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ અને સુનામી થાય છે
2011 મા 9 ની તીવ્રતાનો ભૂકંપ જાપાનમાં આવ્યો ત્યારે સુનામીમાં જાપાનના ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠાના પ્રદેશો તારાજ થયા હતા, હજારો લોકો માર્યા ગયા હતા અને હજારો વધુ વિસ્થાપિત થયા હતા. તે સુનામીના મોજાંઓને કારણે ફુ કુશિમા પાવર પ્લાન્ટમાં પરમાણુ મેલ્ટડાઉન થયું હતુ , જેના કારણે સમુદ્રમાં રેડિયેશન ફેલાઈ ગયું હતુ . 1986 માં રશિયાના ચેર્નોબિલ પછીની આ સૌથી મોટી અણુ દુર્ઘટના હતી.
11માર્ચ 2011 ના જાપાનના લોકોએ તેમના જીવનના સૌથી ખરાબ ભૂકંપનો સામનો કર્યો હતો. બે મિનિટ સુધી જમીન એવી રીતે ધ્રૂજી ઉઠેલી કે લોકો આજે પણ તેને યાદ કરે છે તો ડરી જાય છે. ભૂકંપના આ આંચકા આવતા જ રહ્યા. આ ઘટનામાંથી પસાર થનાર કોઈ પણ વ્યક્તિ ચોક્કસ કહી શકે છે કે તે સમયે તે ક્યાં હતો અને તે કેટલો ડરી ગયો હતો, પરંતુ વધુ ખરાબ પરિસ્થિતિઓ આવવાની હતી. 40 મિનિટની અંદર પ્રથમ સુનામી દરિયાકાંઠે આવી. જાપાનના ઉત્તર-પૂર્વ કિનારે સેંકડો કિલોમીટર સુધી દરિયાની આસપાસની દીવાલો તોડીને શહેરો અને ગામડાંઓ સુધી તે પહોંચી ગઈ હતી. એ જ સમયે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પણ જોખમમાં મુકાઇ ગયો. ફુ કુશિમામાં દુર્ઘટના સર્જાઈ અને લાખો લોકોને તેમના ઘર છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ટોક્યો પણ સલામત માનવામાં આવતુ ન હતુ . આવી ઘટનાઓ નિહાળનાર જાપાને સમજ્યું કે ભૂકંપને તો રોકી નહિ શકાય પરંતુ તેનાથી થતી જાનહાનિ અને તારાજીને હળવી જરૂર કરી શકાય છે.
જાપાનમાં નવા વર્ષના પ્રથમ દિવસે આવેલા ભયાનક ભૂકંપ અને કચ્છના ભૂકંપની તુલના કરીએ તો કચ્છના 6.9 ની તીવ્રતાના ભૂકંપ કરતાં પણ જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા (રિક્ટર સ્કેલ પર 9.6 ) વધુ હતી. છતાં અહીં મોટી જાનહાનિને નિવારી શકાઈ છે. જાપાન ભૂકંપને માપવા માટે તેની તીવ્રતાને ધ્યાનમાં લેતુ નથી. જાપાન હંમેશાં એવો અહેવાલ આપે છે કે જમીન કેટલી ધ્રૂજે છે. તે દરમિયાન ભૂકંપની તીવ્રતા એકથી સાત સુધી જાય છે. તાજેતરમાં આવેલા ભૂકંપમાં ધ્રુજારી મહત્તમ સાત સુધી પહોંચી ગઈ હતી. રસ્તા અને પુલોની વાત કરીએ તો વ્યાપક વિનાશ થયો છે. મોટાપાયે ભૂસ્ખલન પણ થયું છે. પરંતુ મોટાભાગની ઇમારતો હજુ પણ અડીખમ ઊભી છે.
જાપાનમાં અગાઉના વિનાશકારી ભૂકંપ બાદ તમામ નવી ઇમારતો માટે સ્ટીલ અને કોંક્રિટનો ઉપયોગ ફરજિયાત બન્યો હતો. તે જ સમયે લાકડાની ઇમારતો માટે જાડા બીમ હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ બન્યું હતુ . જ્યારે પણ દેશમાં મોટા ભૂકંપનો સામનો કરવો પડે છે, ત્યારે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને આ નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. સૌથી મોટો ફેરફાર વર્ષ 1981 માં જોવા મળ્યો હતો જ્યારે તમામ નવી ઇમારતો માટે નવા ભૂકંપના નિયમો લાગુ કરવામાં આવ્યાં હતાં. 1995 ના કોબેના ભૂકંપ પછી તેમાં વધુ નિયમો ઉમેરવામાં આવ્યાં હતાં. જાપાનના લોકો પણ ભૂકંપને લગતા સરકારના નિયમોનું ગંભીરતાથી પાલન કરે છે. ભૂકંપ આવે ત્યારે શું કરવું તેની જે માર્ગદર્શિકા છે તેમાં સંકટના સમયે પણ દરેક જાપાનીઝ લોકો વૃદ્ધો, સગર્ભા, બાળકોને મદદરૂપ થાય છે. કુદરત સામે કાળા માથાનો માનવી કેટલી ઝીંક ઝીલી શકે છે તેની અદ્ભુત કથા જાપાને સર્જી છે.