વિરુદ્ધ આહાર એટલે રોગોનું ઘર - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • વિરુદ્ધ આહાર એટલે રોગોનું ઘર

વિરુદ્ધ આહાર એટલે રોગોનું ઘર

 | 12:13 am IST
  • Share

ડાયટ ટિપ્સ :- શુંભાગી ગૌર

વિરુદ્ધ એટલે શું? સાદી સમજણ એ કે, અન્ન જીવનનો આધાર છે. ખોરાક એ શરીરના બંધારણ, વિકાસ, બુદ્ધિ અને કાર્યક્ષમતાનો પાયો છે. શરીરના સૂક્ષ્મ કોષોથી લઈને મનોમય કોષ સુધીની જટીલ દેહરચનાનો આધાર પણ ખોરાક થકી થતાં પોષણને આભારી છે. અન્ન વૈ પ્રાણઃ – અન્ન જ પ્રાણ છે. આમ ખોરાકનો કેટલો બધો પ્રભાવ શરીર અને મન પર રહેલો છે? પણ જો ખોરાક યોગ્ય રીતે- સમજણપૂર્વક ન લેવામાં આવે તો રાસાયણિક વિકૃતિઓ પેદા થાય અને આપણું શરીર અવનવા રોગોનું ઘર બને. ટૂંકમાં ભોજન કર્યા પછી જો શરીરના દોષો વધે અને એનો યોગ્ય નિકાલ ન થતાં રોગજન્ય સ્થિતિ સર્જાય તો વિરુદ્ધ આહાર થયો કહેવાય.

હવે દૂધ જેવા રોજિંદા ખોરાક વિશે જોઈએ તો દૂધ સાથે ખાટાં કે મીઠા ફળો, દહીં, કઢી, શ્રીખંડ જેવાં ખાટાં પદાર્થો, ઈડલી, ઢોસા, બ્રેડ જેવી આથાવાળી વાનગીઓ, મઠ, વાલ જેવા કઠોળ, મૂળો, સરગવો, તુલસી, કાંદો અને નમક વિશેષ કરીને માંસ અને માછલી એમાં પણ કોડલીવર ઓઈલનાં ટીપાં દૂધ સાથે આપવાનો રિવાજ તદ્ન ખામીભર્યો છે. દૂધ સાથે આ વસ્તુઓનો સંયોગ કરવાથી કોઢ, કરોળીયા, ખરજવું, ખંજવાળ, કુષ્ટ જેવાં અગણિત ત્વચાના રોગો થઈ શકે. આજકાલ દૂધ સાથે કૃત્રિમ રંગ અને સુગંધયુક્ત પદાર્થોના સંયોજનથી બનેલાં આઈસક્રીમ, કોલ્ડ-ડ્રિન્ક વગેરે કેટલું નુકસાન કરી શકે? આહારની દ્રષ્ટિએ આ ચિંતાનો વિષય છે. દૂધ લીધું હોય એના ચાર-પાંચ કલાક પહેલાં અને પછી જ ઉપર જણાવેલી વસ્તુ લેવી હિતાવહ છે. આ સિવાય અડદ સાથે ગોળ અને મૂળા તથા ગોળ સાથે લસણ અને મૂળા પણ વિરુદ્ધ છે.

મધ વિશે પણ ઘણી પ્રચલિત છતાં ખોટી માન્યતાઓ રહેલી છે. જેમ કે, વજન ઉતારવાના નુસ્ખારૂપે લોકો ગરમ પાણી અને મધ લેતા હોય છે, જે યોગ્ય નથી. ગરમ કરેલું મધ, ગરમ દ્રવ્ય સાથે લીધેલું મધ,  ખૂબ ગરમી પડતી હોય ત્યારે ખાધેલું મધએ રક્તસ્ત્રાવ, ગર્ભપાત, દાહ, એસિડિટી, અલ્સર જેવી સમસ્યા ઊભી કરી શકે છે. ઘી સાથે કદી સરખા ભાગે મધ ન લેવું એમ કરવાથી આ મિશ્રણ વિષ જેવું થઈ જાય છે અને શરીરમાં ઝેરી અસર ઉપજાવે છે.

ગરમ ભોજન પછી તરત ખાધેલ આઈસક્રીમ કે ફ્રીજમાં રાખેલાં ઠંડા ડેઝર્ટ-મીઠાઈ યોગ્ય નથી. આધુનિક જીવનમાં અપનાવેલી ખાન-પાનની આવી શૈલી ક્ષતિગ્રસ્ત છે. તદુપરાંત ઠંડી ઋતુમાં વધુ પડતી ઠંડી વસ્તુ અને ગરમ ઋતુમાં વધુ પડતી ગરમ વસ્તુ ખાવી એ કાલવિરુદ્ધ ભોજન કહેવાય. આવા પાક અને કાલવિરુદ્ધ ભોજનથી સોજા, નપુંસકતા, અમ્લપિત્ત, ડાયાબિટીસ, ભગંદર, પથરી જેવાં ભયંકર રોગો થવાની શક્યતા રહેલી છે.

વ્યાયામ કર્યા પછી, વધુ પડતો પરિશ્રમ કર્યા પછી કે ગરમીમાંથી આવીને ઠંડંુ પાણી ન લેવું. આને અવસ્થા વિરુદ્ધ ભોજન કહેવાય. મળ-મૂત્રનો ત્યાગ કર્યા વગર ભોજન કરવું, ભોજન પછી તરત જ સ્નાન કરવું, ગંદા વસ્ત્રો પહેરી, હાથ-પગ ધોયા વગર ભોજન કરવું, ભોજન દરમિયાન અને પછી તરત જ વધુ પડતું પાણી પીવું, એકાંત ન હોય એવી જગ્યાએ ભોજન કરવું યોગ્ય નથી.

શરીર અને મનને અનુકૂળ ન હોય તેવી વસ્તુ ક્યારેય ન લેવી. જેમ કે, શાકાહારી માટે માંસાહાર એ સાત્મ્ય વિરુદ્ધ ભોજન કહેવાય. કચ્છ, કાઠિયાવાડ જેવાં ગરમ પ્રદેશમાં ગુણથી ગરમ, લુખું અને રુક્ષ ભોજન તથા દરિયાકિનારા નજીકના પ્રદેશોમાં વધુ પડતી ખાટી અને આથાવાળી વસ્તુઓ પ્રદેશ વિરુદ્ધ ભોજન કહેવાય.

કોની સાથે શું ન ખવાય?

દૂધ સાથે :

કેળાં, ખજૂર, લીંબુ, પપૈયા વગેરે બધા ફળો ન ખવાય, દૂધ સાથે-ગોળ, લસણ, ડુંગળી, ગાજર, તુલસી, આદુ ન ખવાય તથા દૂધ સાથે- દહીં, છાશ, કઢી, ઢોકળા, અથાણાં વગેરે ખટાશ ન લેવાય તથા દૂધ સાથે- માંસ, મચ્છી, ઈંડાં અને કોડલીવર ઓઈલ ન લેવાય. એ વિરુદ્ધ છે.

દહીં સાથે-

ગોળ, દૂધ, મૂળા અને કેળાં વિરુદ્ધ છે.

ગોળ સાથે-

મૂળા, તેલ, લસણ, અડદ, દૂધ અને દહીં વિરુદ્ધ છે. ઘી અને મધ સરખે ભાગે ન લેવાય. ઘી અને મધ સાથે લેવાનું હોય તો વિષમ ભાગે જ લેવું. કયાં તો ઘી બમણું લેવું અથવા મધ બમણું લેવું.

વિરુદ્ધ આહારથી શું થાય?

જવર, ગાંડપણ, સળેખમ, ભગંદર, સોજા, સંગ્રહણી, રક્તપિત્ત, વિસર્પ, ઉદરરોગ અને ગળાના રોગો થાય છે. તેમજ વિરુદ્ધ આહારથી કોઢ, દરાજ, ખસ, ખૂજલી, કરોળિયા અને ગુમડાં ઈત્યાદિ ચામડીના રોગો થાય છે.

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો