Our Common male friend from College wants to marry both me and my friend!
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મને અને મારી ફ્રેન્ડ બંનેને કોલેજનો અમારો કોમન બોયફ્રેન્ડ પરણવા માગે છે!

મને અને મારી ફ્રેન્ડ બંનેને કોલેજનો અમારો કોમન બોયફ્રેન્ડ પરણવા માગે છે!

 | 7:27 pm IST
  • Share

યૌવનની સમસ્યા : સોક્રેટિસ

સોક્રેટિસજી,

અમારા પરિવારના પ્રિય અખબાર ‘સંદેશ’ની વિવિધ પૂર્તિઓ અમને બહુ જ ગમે છે. પરિવારના દરેક સભ્યને અનુરૂપ પૂર્તિઓ હોવાથી વાંચવાની મજા આવે છે. હું બુધવારની પૂર્તિની ‘યૌવનની સમસ્યા’ કોલમની ખાસ ચાહક છું. તમે જે રીતે સમસ્યાઓના ઉકેલ આપો છો તે તરત જ ગળે ઊતરી જાય છે. મારે પણ મારી એક સમસ્યા રજૂ કરવી છે. ઉકેલ મળશે એવી આશા છે.

સર,

હું હાલમાં કોલેજના બીજા વર્ષમાં છું. મારી બાજુમાં જ રહેતી આલિયા (નામ બદલ્યું છે) મારી બચપણની ખાસ ફ્રેન્ડ છે. અમારા બંનેનો ઉછેર સાથે જ થયો છે એમ કહી શકાય. સાથે જ રમવું, ભણવું, ફરવું વગેરે સામાન્ય છે. અમે પહેલા ધોરણથી જ સાથે છીએ. હાલ કોલેજમાં પણ સાથે જ છીએ. અમારે કોલેજમાં એક કોમન બોયફ્રેન્ડ અજિત (નામ બદલ્યું છે)  છે એ અમને બંનેને ચાહે છે. હવે કોલેજ પૂરી કર્યા પછી અમારા બંનેમાંથી એ કોને પરણે એ સવાલ છે. એ તો બંનેને પરણવા કહે છે, પરંતુ એ કાયદા મુજબ અને સામાજિક રીતે પણ શક્ય નથી. એકને જ પરણવું પડે એમ હોવાથી અમે બંને એકબીજા માટે ત્યાગ આપવા તૈયાર છીએ. અમારે શું કરવું જોઈએ? એ જ સમજાતું નથી. તમે યોગ્ય માર્ગદર્શન આપશો.

આરતી (નામ બદલ્યું છે)

તારો ઈ-મેઇલ ગરબડિયો હતો. તું શું કહેવા માંગે છે તે સ્પષ્ટ નથી એટલું જ નથી ખૂબ લંબાણપૂર્વક લખ્યું હોવાથી પણ મોટી સમસ્યા સર્જાઈ હતી. જોકે, મેં એને ખૂબ ટૂંકાણમાં અત્રે પ્રશ્ન તરીકે રજૂ કર્યો છે. તમારી મૂળ સમસ્યા એ છે કે તમે બંને એકદમ પાક્કી સખીઓ છો. એકબીજાને સુખી કરવાની અને સુખી જોવાની તમારી ઈચ્છા છે. બંને એકબીજા માટે કુરબાન થઈ શકો છો અને એટલે જ તો સમસ્યા સર્જાઈ છે. સૌપ્રથમ તો તમારે કોમન ફ્રેન્ડને લવર બનાવવો જ ન જોઈએ. કોઈ એકે જ તેને લવ કરવાની જરૂર હતી. બંનેને લવ કરવામાં તો કોઈ પ્રશ્ન નથી પરંતુ એ લવમેરેજમાં પરિણમવાનો છે તો કોની સાથે મેરેજ કરવા એ સવાલ ઉપસ્થિત થાય જ!

અહીં ખૂબ ઊંડાણપૂર્વક વિચારીએ તો લાંબા સમય સુધી બંનેને લવ કરવો શક્ય નથી. વળી મેરેજ કરીને તો નહીં જ! કેમ કે કોઈ પણ વ્યક્તિ લવ અને મેરેજમાં કોઈ વિભાજન ચલાવી ન લે. તમે બંને મેરેજ કરો તોય તે લાંબું ન ચાલે, કારણ કે તમે બંને એ પછી ઈચ્છવા માંડશો કે અજિત મારો જ રહે! આધિપત્ય અધિકાર એ મુખ્ય બાબત બની જશે. શરૂઆતમાં લાગતો ત્યાગ ગળાની ઘંટીનું પડ બની જશે. અજિત માટે પહેલાં કોને પરણવું તે સવાલ હતો, તો પરણ્યા બાદ કોની સાથે રહેવું એ સવાલ બની જશે. જોકે, આ બધાથી મુખ્ય મહત્ત્વનો સવાલ એ કે તમારા પરિવાર આવી વાત સ્વીકારીને તમારા મેરેજ કરે ખરા? એક પુરુષ સાથે અન્ય સ્ત્રી પરણતી હોય તો તેની સાથે પોતાની પુત્રી પરણાવવા કયો પરિવાર તૈયાર થાય? એટલે તમે ત્રણેય બધી રીતે તૈયાર હો તો પણ તમારા પરિવારજનોની મંજૂરી તો જોઈએ જ! બીજું એ કે કોઈપણ કાનૂન આ બે સ્ત્રી સાથે મેરેજને માન્ય ન ગણે. કદાચ ધર્મપરિવર્તન કરો તો શક્ય બને, પરંતુ એ વાત તો ખુદ કે તમારો સમાજ જ નહીં માને! આમ આ સિવાય તો ઘણી જ સમસ્યાઓ સર્જાશે.

આ બધાથી પણ વધુ મહત્ત્વનું છે, અભ્યાસ અને કરિયર! તમે ત્રણેય હજી ગ્રેજ્યુએટ નથી થયા ત્યાં લવ કરવા માંડયાં છો અને હવે લગ્ન કરવા માંગો છો! અહીં સવાલ એ પેદા થાય છે કે ધારો કે અજિત તમને બંનેને પરણે પણ પરિવાર ન સ્વીકારે તો જીવનનિર્વાહનું શું? ક્યાં રહેશો? વગેરે સવાલો પેદા થશે.

તમામ રીતે વિચારતા આ સમસ્યાનું સમાધાન છે અને છતાં નથી. કોઈ એકે તો ભોગ આપવો જ પડશે.

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો