Owners' firefight: 821 accidents emitting toxic fumes in 4 years
  • Home
  • Ahmedabad
  • નિયમો નેવે મૂકતા માલિકોનો અગનખેલ : 4 વર્ષમાં ઝેરી વાયુ ફેલાવતી 821 દુર્ઘટનાઓ

નિયમો નેવે મૂકતા માલિકોનો અગનખેલ : 4 વર્ષમાં ઝેરી વાયુ ફેલાવતી 821 દુર્ઘટનાઓ

 | 7:30 am IST
  • Share

  • ગંભીર બેદરકારીથી વારંવાર અકસ્માતો છતાં GPCB સહિતના તંત્રનું ભેદી મૌન

  • સૌથી વધુ સુરતમાં 132, મોરબીમાં 105 અને ત્રીજા ક્રમે અમદાવાદમાં 96 દુર્ઘટનાઓ

  • મોટા ભાગની દુર્ઘટનાઓ આગગેસ ગળતરની જ હોય છે, જેનાથી બેફામ વાયુ પ્રદૂષણ ફેલાય છે

     

કર્મચારીપર્યાવરણના ભોગે કરોડોની કમાણી પણ બંનેની સુરક્ષાના નામે મીંડું

કેમિકલ ફેક્ટરીઓમાં દુર્ઘટનાથી ઝેરી ગેસ હવામાં ભળતાં આસપાસના રહીશો માટે જીવલેણ બને છે

અમદાવાદ, અંકલેશ્વર, મોરબી, સુરત અને વલસાડના વિસ્તારો એવા છે કે જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે. આ વસાહતોની ફેક્ટરીના માલિકો કાયદા અને નિયમોનું બેફામ ઉલ્લંઘન કરી કરોડોની કમાણી કરે છે, પરંતુ નિયમો નેવે મુકાવાથી સર્જાતી દુર્ઘટનાઓથી જે ઝેરી ગેસ વાતાવરણમાં ફેલાય છે તેનાથી આસપાસના રહીશો માટે તે જીવલેણ તો નિવડે જ છે.

સાથોસાથ પર્યાવરણમાંય વાયુ પ્રદૂષણ વધે છે. જીઆઈડીસી જેટલી મોટી એટલું જ અકસ્માતોનું પ્રમાણ વધારે. આ ન્યાયે ઉક્ત વિસ્તારોમાં આવેલી ઈન્ડસ્ટ્રીઝમાં છાશવારે દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. સરકારના સત્તાવાર આંકડા મુજબ 2017થી 2020 સુધીમાં ચાર વર્ષમાં રાજ્યમાં કુલ 821 દુર્ઘટનાઓ સર્જાયેલી છે, જેમાં સૌથી પ્રથમ ક્રમે સુરતમાં 132 દુર્ઘટના, બીજા ક્રમે મોરબીમાં 105 દુર્ઘટનાઓ અને ત્રીજા ક્રમે અમદાવાદમાં 96 દુર્ઘટનાઓ ઘટી છે.

રાજ્યમાં આવેલી મોટી મોટી ઔદ્યોગિક વસાહતોમાં મુખ્યત્વે કેમિકલ આધારિત ફેક્ટરીઓની સંખ્યા વધુ છે. ત્યારે આવી ફેક્ટરીઓમાં ગેસ ગળતર થાય કે આગ લાગવાની ઘટના ઘટે ત્યારે ત્યાં રહેલા ઝેરી કેમિકલનો ઘુમાડો હવામાં ભળે છે અને આસપાસના તમામ વાતાવરણ અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડે છે.

સૌ પ્રથમ અકસ્માતોના સરકારી આંકડા જોઈએ તો છેલ્લા ચાર વર્ષમાં કુલ 821 દુર્ઘટના સર્જાઈ છે, જેમાં વર્ષ 2017માં 230, વર્ષ 2018માં 236, વર્ષ 2019માં 188 અને વર્ષ 2020માં 167 કમનસીબ ઘટનાઓ ઘટી છે. સૌથી વધુ સુરત જિલ્લામાં 13ર દુર્ઘટનાઓ ઘટી છે, જેમાં 2017માં 40, 2018માં 35, 2019માં 29 અને 2020માં 28 ઘટનાઓ નોંધાઈ છે. બીજા ક્રમે રહેલા મોરબી જિલ્લામાં ચાર વર્ષમાં 105 ઘટનાઓ ઘટી છે.

જેમાં 2017માં 22, 2018માં 29, 2019માં 32 અને 2020માં 22 ઘટનાઓ નોંધાઈ છે. જ્યારે ત્રીજા ક્રમે રહેલા અમદાવાદ જિલ્લામાં ચાર વર્ષમાં 96 ઘટનાઓ ઘટી છે, જેમાં 2017માં 24, 2018માં 24, 2019માં 27 અને 2020માં 21 ઘટનાઓ નોંધાઈ છે.

આ સિવાયના જિલ્લાઓમાં ચાર વર્ષમાં નોંધાયેલી ઘટનાઓ જોઈએ તો વલસાડ જિલ્લામાં 81, ભરૂચ જિલ્લામાં 79, કચ્છ જિલ્લામાં 53, રાજકોટ જિલ્લામાં 49, વડોદરા જિલ્લામાં 47, ભાવનગર જિલ્લામાં 42, ગાંધીનગર જિલ્લામાં 28, મહેસાણા જિલ્લામાં 21, અને પંચમહાલ જિલ્લામાં 16 દુર્ઘટનાઓ નોંધાઈ છે.

પર્યાવરણ વિશેષજ્ઞોના કહેવા મુજબ અમદાવાદના વટવા, ઓઢવ, નરોડા અને નારોલમાં ખૂબ મોટી સંખ્યામાં કેમિકલ ફેક્ટીરોઓ આવેલી છે. આવી જ રીતે અંકલેશ્વર, વલસાડ અને વડોદરા વિસ્તાર કેમિકલ ફેક્ટરીઓનો હબ બની ચૂક્યું છે. આ તમામ વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે. વળી કદની દૃષ્ટિએ પણ આ કેમિકલ ફેક્ટરીઓ ગંજાવર છે.

આવી મોટી ફેક્ટરીઓમાં જ્યારે આગ લાગવાની ઘટના ઘટે કે ગેસ ગળતરની ઘટના ઘટે ત્યારે ખૂબ જ હવા પ્રદૂષણ ફેલાય છે, કારણ કે ફેક્ટરીઓમાં પડેલું કેમિકલ મોટાભાગે જ્વલનશીલ હોય છે. જ્યારે આગ લાગે ત્યારે આ કેમિકલ જ્વલનશીલ હોવાના કારણે આગ પકડી લે છે અને કેમિકલ સળગવા લાગે છે. જેના લીધે કેમિકલનો ઝેરી ધુમાડો હવામાં પ્રસરે છે.

ઝેરી ધુમાડો વાતાવરણમાં ભળીને આસપાસના તમામ વિસ્તારોમાં ફેલાઈ જાય છે. જેના લીધે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને આંખો બળવી, આંખો લાલ થઈ જવી. ઝેરી ધુમાડો શ્વાસમાં જવાના લીધે શ્વસન તંત્રની તકલીફો થઈ જાય છે. અસ્થમાવાળા દર્દીઓને સૌથી વધુ તકલીફનો સામનો કરવો પડે છે. આમ, ફેક્ટરીઓમાં સર્જાતી દુર્ઘટના દેખીતી રીતે તો ફેક્ટરીને જ નુકસાન પહોંચાડે છે, પરંતુ તેમાંથી સર્જાતા વાયુ પ્રદૂષણથી હજારો કે લાખો લોકો તેનો ભોગ બને છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો