પાકિસ્તાનને આકરો પાઠ ભણાવવા મોદી સરકારનો ત્રિપાંખિયો વ્યૂહ - Sandesh
  • Home
  • India
  • પાકિસ્તાનને આકરો પાઠ ભણાવવા મોદી સરકારનો ત્રિપાંખિયો વ્યૂહ

પાકિસ્તાનને આકરો પાઠ ભણાવવા મોદી સરકારનો ત્રિપાંખિયો વ્યૂહ

 | 5:26 am IST

નવી દિલ્હી, તા. ૨૧

જમ્મુ-કાશ્મીરનાં ઉરી ખાતે સેનાના કેમ્પ પર આતંકવાદી હુમલા પાકિસ્તાનને ઘેરવાની વ્યૂહરચના ઘડી કાઢવાની શ્રેણીબદ્ધ બેઠકોના ઘટનાક્રમમાં બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળની સુરક્ષા બાબતોની સમિતિની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં સરકારે પાકિસ્તાનને ઘેરવા ત્રિપાંખિયો વ્યૂહ ઘડી કાઢયો છે. હવે મોદી સરકાર કૂટનીતિક, રાજનીતિક અને લશ્કરી એમ ત્રણેય મોરચા પર પાકિસ્તાન સામે કાર્યવાહી કરશે. સરકાર કૂટનીતિક સ્તર પર પાક.ને પાઠ ભણાવવાની રણનીતિને અમલમાં મૂકી ચૂકી છે, તે ઉપરાંત પાકિસ્તાનને રાજકીય સ્તરે પણ ઘેરવાનો વ્યૂહ તૈયાર થઈ રહ્યો છે. જેમાં બલૂચિસ્તાન, પીઓેકે જેવા મુદ્દાઓને સામેલ કરાશે. તે ઉપરાંત પાકિસ્તાન સાથેના રાજકીય સંબંધોનો અંત લાવી દબાણ સર્જવાનો વ્યૂહ સરકાર અપનાવી શકે છે. ભારતીય સેના સંકેત આપી ચૂકી છે કે, અમે પાકિસ્તાનને અમારી પસંદગીના સમયે અને સ્થળે જવાબ આપીશું, જે દર્શાવે છે કે સરકાર બંધ બારણે પાકિસ્તાન સામે લશ્કરી પગલાં લેવાની યોજના પર પણ કામ કરી રહી છે.

૧૮ જવાન શહીદ થયા બાદ ભારત સરકાર પર પાકિસ્તાન સામે નક્કર કાર્યવાહી કરવાનું દબાણ વધી ગયું છે ત્યારે આ બેઠકનો ઉદ્દેશ પ્લાન ઓફ એક્શન તૈયાર કરવાનો હતો. સરકાર ટૂંક સમયમાં આતંકવાદી હુમલા પર સત્તાવાર પ્રતિક્રિયા આપે તેવી સંભાવના છે. બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, અરૂણ જેટલી, મનોહર પારિકર, સુષમા સ્વરાજ અને રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર અજિત ડોભાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન