path of religion is the most correct: Sant Dongreji Maharaj
  • Home
  • Astro
  • ધર્મનો માર્ગ જ સૌથી સાચો : સંત ડોંગરેજી મહારાજ

ધર્મનો માર્ગ જ સૌથી સાચો : સંત ડોંગરેજી મહારાજ

 | 8:19 am IST
  • Share

  • સંત ડોંગરેજી મહારાજની કેટલીક વાતો
  • ઉપરવાળો જ આપણો સાચો ગુરુ છે – સંત ડોંગરેજી
  •  ભાગવતની ભાગીરથીનો ધોધ વહેવડાવનાર સંત 


ડોંગરેજી કોઈના ગુરુ થતા નહીં અને સદાય સૌને ઈશ્વરને જ ગુરુ બનાવવા પ્રબોધતા હતા, તેઓ કહેતાં કે ઉપરવાળો જ આપણો સાચો ગુરુ છે

 સંત ડોંગરેજી મહારાજે ભાગવત કથાઓ થકી દેશભરમાં ભાગવતની ભાગીરથીનો ધોધ વહેવડાવ્યો. તેમનો જન્મ ફગણ સુદ 3 ને સોમવાર તા. 1૫-2-192૬ના રોજ મધ્યપ્રદેશના ઇન્દૌરમાં વસતા મામાને ત્યાં માતા કલાવતીની કૂખે થયો હતો. પિતા કેશવ ગણેશ ડોંગરે ખૂબ જ ભક્તિવાન, દયાવાન હતા. ડોંગરેજી મહારાજના પરિવારના વડવા સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન રામચંદ્ર શાસ્ત્રીજી મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કરુણ પડદાવલી ગામમાં વસતા હતા. રામચંદ્ર શાસ્ત્રીજી સંસ્કૃતના વિદ્વાન હોવાને કારણે ગાયકવાડ સરકારના આગ્રહથી આ પરિવાર ગુજરાતના વડોદરા શહેરમાં આવીને સ્થાયી થયો હતો. 

ડોંગરેજી તેમની ચોથી પેઢીએ થાય. ડોંગરેજીએ ધોરણ ૫ાંચ સુધીનો પ્રાથમિક અભ્યાસ વડોદરામાં કર્યો હતો. ડોંગરેજીને બાલ્યાવસ્થામાં લોકો જ્ઞાનેશ્વર નામથી બોલાવતા હતા. માત્ર આઠ વર્ષની ઉંમરે જ્ઞાનેશ્વરના ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ છોડીને અમદાવાદના સંન્યાસ આશ્રામમાં રહીને સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરવા લાગ્યા. સંસ્કૃતના અભ્યાસમાં વધુ રુચિ પ્રગટ થતાં ડોંગરેજી કાશીમાં સંસ્કૃત ભણવા ગયા. કાશીમાં અને પૂણેમાં વેદ, દર્શન, ઉપનિષદોમાં ગહન અભ્યાસ કર્યો અને જ્ઞાન વેદાંતની બનારસમાં ઉપાધિ પ્રાપ્ત કરી. 

થોડા સમય બાદ વડોદરાના નરસિંહ શાસ્ત્રીના સંપર્કથી ભાગવત કથા સાંભળીને ડોંગરેજીને કથા કરવાની મનોમન ઇચ્છા થઇ. તેમણે 1949માં વડોદરાના દાંડિયા બજારના ચોગાનમાં નીલકંઠ મહાદેવના સાંનિધ્યમાં મરાઠી ભાષામાં જિંદગીની સૌપ્રથમ કથા કરી હતી. જ્યારે પ્રથમ ગુજરાતી કથા 30 વર્ષની વયે વડોદરાથી ૬0 કિમી. દૂર માલસર ખાતે કરી હતી. ધીરેધીરે ગુરુકૃપાથી ડોંગરેજીની કથાઓ ગામડાઓમાં થવા લાગી. સરળ શૈલીમાં ભાગવત કથાનું રસપાન ભાવિકોના હૃદયમાં વસવા લાગ્યું. ત્યારબાદ ભાગવતકથાનો પ્રવાહ મોટાં મોટાં શહેરો, નગરો અને ભારતના ખૂણે ખૂણે પહોંચી ગયો. ભાવિકો નતમસ્તકે પૂજ્ય ડોંગરેજીને માન-સન્માનથી વંદન કરતા. ભાગવતની પવિત્ર ભાગીરથી જનજનનાં હૈયાંમાં પહોંચાડવાનું ભગીરથ કાર્ય પૂજ્ય ડોંગરેજી મહારાજે કર્યું. જે ભાગવત કથાના ઇતિહાસમાં આણેલું પરિવર્તન છે. ડોંગરેજી મહારાજ કથામાં જ્યારે લાલાનું વર્ણન કરતા ત્યારે કથામંડપના સહુ શ્રાોતાઓની આંખો અશ્રાુજળથી છલકાવા લાગતી. કઠોરમાં કઠોર શ્રાોતા પણ પૂજ્ય ડોંગરેજીની વાણીથી ચોધાર આંસુએ રડી પડતો. આવડા મોટા ગજાના કથાકાર હોવા છતાં અને 1100 જેટલી કથાઓ કરવા છતાં તેઓ કદીયે પરદેશ કથા કરવા ગયા નહોતા. 

કંચન, કામિની અને પ્રસિદ્ધિથી સદાય પર એવા ડોંગરેજી મહારાજ માટે કથા આવકનું સાધન નહીં, પણ નિર્ભેળ કૃષ્ણભક્તિનું સાધન હતી. સ્વજનોની સ્મૃતિના સ્મરણાર્થે, તેમના આત્માની શાંતિ માટે ઘર કે ધાર્મિક સ્થાનોમાં યોજાતી કથાને સાર્વજનિક સ્થળો સુધી પહોંચાડવાનું અને તેની રકમનો ઉપયોગ સાર્વજનિક કાર્યો માટે કરવાનું પ્રેરણાભાથું ડોંગરેજી મહારાજે આપ્યું. 

ડોંગરેજી કોઈના ગુરુ થતા નહીં અને સદાય સૌને ઈશ્વરને જ ગુરુ બનાવવા પ્રબોધતા હતા. કથાટાણે પ્રવાસમાં નિયમ મુજબ વ્રત, દેવપૂજા અને ઉપવાસનો તેમનો ક્રમ નિયમિત રીતે જાળવી રાખતા હતા. યજમાનની ખુશામત કરતા નહીં, સાથે પોતાની પ્રશંસા કે પ્રસિદ્ધિ થાય નહીં તેની સતત કાળજી રાખતા હતા. 

તેમણે તેમની કથાઓ થકી બંધાયેલાં દવાખાનાં, શાળા-કૉલેજો, દુકાળ રાહતનાં થયેલાં વિશાળ કામો તેમનામાં રહેલા કરુણામૂર્તિનાં સાક્ષાત્ દર્શન કરાવે છે. તેઓ સીવ્યા વિનાનાં બે વસ્ત્રો, એક ધોતી, બીજું ઉપવસ્ત્ર તથા લંગોટ, ભ્રમણ દરમિયાન કોઈનું નામ-સરનામું રાખતા નહીં અને કંઈ માગતા કે લેતા જ નહીં. દિવસમાં એક વાર માત્ર એક જ વસ્તુનું ભોજન લેનાર ડોંગરેજીનું જીવન કઠોર દિનચર્યાવાળું હતું. 

ભાગવત કથાની ઘણી બધી વ્યસ્તતા હોવા છતાં ડોંગરેજી જીવ્યા ત્યાં સુધી દર વર્ષે પોષ વદ 4થી 11 સુધી 33 જેટલી કથા માલસરમાં કરીને વિક્રમ સર્જ્યો. ડોંગરેજી મહારાજની છેલ્લી ભાગવત કથા પણ 1990માં માલસરમાં જ યોજાઈ હતી. જિંદગીની અંતિમ કથા શુકતાલમાં કરીને 1991માં 9 નવેમ્બર, કારતક વદ ને ગુરુવારના સવારે 9:37 મિનિટે સંતરામ મંદિરમાં પૂજ્ય ડોંગરેજી મહારાજ પરમાત્મામાં બ્રહ્મલીન થયા. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પણ તેમણે જીવનભર વહેવડાવેલી ભાગવત કથાની ભાગીરથી અક્ષરદેહે આપણી વચ્ચે આજે વહી રહી છે અને સદાકાળ વહેતી રહેશે. 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો