Pawar Green Signel Congress said All 3 Parties Positive Discussions
  • Home
  • Assembly Election
  • શરદ પવારે કહ્યું કે, ઉદ્ધવ CM પરંતુ કોંગ્રેસે મગનું નામ મરી ના પાડતા શિવસેના ‘ભોંઠી’ પડી

શરદ પવારે કહ્યું કે, ઉદ્ધવ CM પરંતુ કોંગ્રેસે મગનું નામ મરી ના પાડતા શિવસેના ‘ભોંઠી’ પડી

 | 9:22 pm IST

મહારાષ્ટ્રમાં લગભગ એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે આખરે શુક્રવારે ત્રણેય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓની મુલાકાત થઈ. મહાબેઠક બાદ એનસીપીના ચીફ શરદ પવારે કહ્યું કે ત્રણેય પક્ષોમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ બની છે. ઉદ્ધવ ઠાકરેને રાજ્યના આગામી મુખ્યમંત્રીને લઈને પણ સહમતિ થઈ હોવાનું પવારે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, આવતી કાલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણેય પાર્ટીઓ ઔપચારીક જાહેરાત કરશે. પરંતુ કોંગ્રેસે ફરી એકવાર મોઘમ સેવતા સસ્પેન્સ યથાવત વધારી દીધું છે. 

મહાબેઠકમાંથી બહાર આવ્યા બાદ કોંગ્રેસ અને એનસીપીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી તો એ સ્પષ્ટ નથી કે મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રીને લઈને શું સહમતિ બની ગઈ છે? કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવાણે શરદ પવારથી અલગ જ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે ત્રણેય પાર્ટીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી જેમાં પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓ પણ શામેલ થયા હતાં. ત્રણેય પાર્ટીઓએ સરકાર બનાવવા તમામ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા થઈ પણ વાતચીત હજી પણ પુરી નથી થઈ. આવતી કાલે શનિવારે પણ વાતચીત યથાવત રહેશે.

શરદ પવારના નિવેદનનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીની પોસ્ટને લઈને સહમતિ બનવાને લઈને પુછવામાં આવ્યું તો ચવાણે કોઈ જ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. તેમણે કહ્યું હતું કે, જો શરદ પવારે કંઈ કહ્યું છે તો તમે તેને સાંભળ્યું છે, તે રેકોર્ડમાં છે. જ્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા પૂર્ણ થઈ જશે તો મીડિયાને તેની જાણકારી આપવામાં આવશે.

કોંગ્રેસના જ વધુ એક વરિષ્ઠ નેતા અહેમદ પટેલે સીએમ પદ પર સહમતિ બની ગઈ છે કે કેમ તેને લઈને જણાવ્યું હતું કે, એક સાથે બધુ જ જણાવીશું. એનસીપી નેતા પ્રફુલ પટેલે પણ કહ્યું હતું કે, હજી કેટલાક મુદ્દે સહમતિ સધાવવાનું બાકી છે.

આમ શરદ પવારના નિવેદનની તદ્દન ઉલટુ કોંગ્રેસે મુખ્યમંત્રી પદને લઈને કંઈ જ સ્પષ્ટ કહેવાનો ઈનકાર કર્યો છે. કોંગ્રેસના આ વલણથી એક વાત સ્પષ્ટ થાય છે કે, આ બેઠકમાં મુખ્યમંત્રી પદને લઈને ગુંચવાયેલુ કોકડુ હજી સુધી ઉકેલાયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન