તબલિગીઓ હાજર નહીં થાય તો તેમની સામે હત્યાનાં પ્રયાસનાં કેસ કરાશે : હિમાચલના ડીજીપી - Sandesh
  • Home
  • India
  • તબલિગીઓ હાજર નહીં થાય તો તેમની સામે હત્યાનાં પ્રયાસનાં કેસ કરાશે : હિમાચલના ડીજીપી

તબલિગીઓ હાજર નહીં થાય તો તેમની સામે હત્યાનાં પ્રયાસનાં કેસ કરાશે : હિમાચલના ડીજીપી

 | 1:44 am IST

। દહેરાદુન / સિમલા / નવી દિલ્હી ।

દિલ્હીમાં તબલિગી જમાતનાં સંમેલનમાં હાજર રહ્યા પછી ઉત્તરાખંડમાં છુપાયેલા તબલિગી જમાતનાં કાર્યકરોને પોલીસમાં હાજર થવા અથવા તો હત્યાનાં પ્રયાસનાં કેસનો સામનો કરવા ઉત્તરાખંડનાં ડીજીપીએ ચેતવણી આપી છે તેમણે કહ્યું હતું કે જે જમાતીઓ છુપાયા છે અને હાજર નથી થયા તેની સામે હત્યાનાં પ્રયાસનો કેસ કરાશે. તેમને ૬ એપ્રિલ રાત સુધીમાં હાજર થવા તાકીદ કરવામાં આવી હતી. ઉત્તરાખંડમાં કોરોનાનાં ૨૬ પૈકી ૧૬ કેસ જમાતીઓ સાથે સંકળાયેલા છે. જેમાં દેહરાદૂન, નૈનિતાલ, હરિદ્વાર અને ઉધમ સિંહ નગરમાં કોરોનાનાં કેસ બહાર આવ્યા છે. ડીજીપી અનિલ રતુરીએ કહ્યું હતું કે જેઓ જમાતનાં સંમેલનમાં હતા તેઓ પોલીસમાં હાજર થાય. તેમનો ટેસ્ટ કરીને તેમને ક્વોરેન્ટાઇનમાં રખાશે અને તમામ જરૂરી તબીબી સહાય અપાશે. જો પોલીસને જણાશે કે જમાતીઓ જાણી જોઈને છુપાયા છે અને આ વિસ્તારમાં કોઈ દર્દીનું મત્યુ થશે તો તેમની સામે હત્યાનાં પ્રયાસનો કેસ કરાશે.

જમાતીઓ સહયોગ ન આપતા હોવાની સીએમની ફરિયાદ

હિમાચલ પ્રદેશનાં મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે પણ જમાતીઓને હાજર થવા અથવા તો કાનૂની પગલાંનો સામનો કરવા ચેતવણી આપી હતી. જમાતીઓ સત્તાવાળાઆને સહયોગ આપતા નથી તેવી ફરિયાદ પણ તેમણે કરી હતી. જમાતીઓનાં ગ્રૂપનાં ૩ લોકોને કોરોના પોઝિટિવ જણાયો છે. તેઓ હજી સોલન જિલ્લાનાં નાલાગઢ ખાતેની મસ્જિદમાં છુપાયા છે.

મૌલાના સાદે સંમેલન મુલતવી રાખવાની સલાહ ફગાવી હતી

તબલિગ જમાતનાં વડા મૌલાના મુહમ્મદ સાદ કંધાલવીએ કેટલાક વરિષ્ઠ મુસ્લિમ ધર્મગુરુઓ અને મૌલાનાઓની સંમેલન મોકૂફ રાખવાની સલાહની ધરાર અવગણના કરી હોવાનું જાણવા મળે છે. સાદ હાલ પોલીસની પકડમાંથી બચવા અજાણ્યા સ્થળે છુપાઈ ગયા છે. તેમનાં આવા જીદ્દી વલણને કારણે દેશનાં અનેક રાજ્યોમાં કોરોના ફેલાયો હતો અને અનેક લોકો તેનો ભોગ બન્યા હતા.

જમાતીઓ ટ્રેન મારફતે રાજ્યોમાં ગયા અને કોરોના ફેલાવ્યો

દિલ્હી સંમેલનમાં હાજરી આપ્યા પછી કેટલાક જમાતીઓ ૫ ટ્રેન દ્વારા દેશનાં જુદાજુદા રાજ્યોમાં ગયા હતા અને અનેક રાજ્યોમાં કોરોનાનો ચેપ ફેલાવ્યો હતો.આવા જમાતીઓને પોલીસ શોધી રહી છે અને તેમણે જ્યાં કોરોના ફેલાવ્યો છે તે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે. જમાતીઓ ૧૩થી ૧૯ માર્ચ વચ્ચે દિલ્હીથી પાંચ ટ્રેનમાં કેટલાક રાજ્યોમાં ગયા હતા.

ફિરોઝાબાદમાં ૨૭ જમાતીઓએ નિયમ તોડીને નમાજ પઢી – દીવાલો પર થૂંક્યા

ફિરોઝાબાદમાં ૭માંથી ૪ જમાતીઓ કોરોના પોઝિટિવ જણાયા હતા. તેમને મેડિકલ કોલેજમાં દાખલ કરાયા હતા. તેઓ નમાજ પઢવા એકસાથે બહાર આવી ગયા હતા અને દીવાલો પર થૂંક્યા હતા. તેમને આવું ન કરવા કહેવાયું ત્યારે અપશબ્દો બોલ્યા હતા.

જમાતીઓ દ્વારા ઉત્પાત :  કાનપુરમાં ડોકટરો પર થૂંક્યા

દિલ્હી જમાતનાં સંમેલન હાજરી આપ્યા પછી જુદાજુદા રાજ્યોમાં ગયેલા જમાતીઓ દ્વારા કેટલાક રાજ્યોમાં હંગામો મચાવાયો હતો. કાનપુરમાં જમાતીઓ ડોકટરો પર થૂંક્યા હોવાની ઘટના બહાર આવી હતી. ફિરોઝાબાદમાં તેમણે નિયમ તોડીને નમાજ પઢી હતી અને મેરઠમાં આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

રાસુકા લાગુ કરવાની ધમકી આપ્યા બાદ યુવક શાંત થયો

મેરઠનો એક ૩૩ વર્ષનો યુવક જમાતી છે તે દિલ્હીથી પાછો આવીને કાનપુરમાં નોબપસ્તા વિસ્તારમાં છુપાયો હતો. તેને ઘરમાં જ કવોરેન્ટાઈન કરાયા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સરસૌલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તે ડોકટરો પર થૂંક્યો હતો અને અપશબ્દો કહ્યા હતા. તે એક રૂમમાં સંતાઈ ગયો હતો તેની સામે રાસુકા લગાવવાની ધમકી પછી બહાર આવ્યો હતો.

બરેલીમાં તોફાનીઓ દ્વારા પોલીસ પર હુમલો

બરેલીમાં ઈજ્જતનગર પોલીસ થાણામાં કરમપુર ખાતે લોકડાઉનનો ભંગ કરનારાઓને સમજાવવા ગયેલી પોલીસ પર હુમલો કરાયો હતો જેમાં આઈપીએસ આભિષેક વર્મા સહિત અનેક પોલીસને ઈજા થઈ હતી. ૪૦૦ લોકોએ પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો અને આગ ચાંપવાની કોશિષ કરી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને વિખેર્યા હતા. સીટી એસપીએ હુમલાખોરો સામે રાસુકા લગાવવાની જાહેરાત કરી હતી.

ગ્વાલીયરમાં પણ જમાતીઓ દ્વારા ડોકટરો પર થૂંકવાની ઘટના

ગ્વાલિયરમાં પણ જમાતીઓ દ્વારા ડોકટરો પર થૂંકવાની ઘટના બની હતી. ભોજનમાં નોનવેજ માગતા હોવાનું જણાયું હતું. જમાતીઓએ હોબાળો મચાવતા પોલીસની મદદ લેવાઈ હતી. ભોપાલમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયા પછી અનેક કોલોનીઓનાં દરવાજે તાળા મારી દેવામાં આવ્યા હતા. જ્યારે ઈન્દોરમાં કલેકટરે જે લોકો બહાર ફરતા હોય તેમને પકડવાનાં આદેશો આપ્યા હતા.

ઝાંસીમાં પોલીસો પર પુષ્પવર્ષા કરાઈ

ઝાંસીમાં લોકડાઉન વખતે ફરજ બજાવનાર પોલીસો પર લોકોએ પુષ્પવર્ષા કરી હતી. કોઈએ તેમની આરતી ઉતારી હતી ક્યાંક વેપારીઓ અને પબ્લિકે તેમને હાર પહેરાવ્યા હતા. વેપારીઓએ કહ્યું હતું કે લોકડાઉનને સફળ બનાવવામાં પોલીસમહત્વની કામગીરી બજાવી હતી.

ઈન્દોરમાં મહિલા ડોકટરો પર હુમલો કરવા બદલ મુસ્લિમ  સમુદાયે માફી માગી

ઈન્દોરમાં ૧ એપ્રિલે ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં કોરોનાનાં કેસની તપાસ કરવા ગયેલી આરોગ્ય ટીમ અને મહિલા ડોકટરો પર હુમલાની ઘટના બની હતી. આ સંદર્ભમાં ઈન્દોરનાં મુસ્લિમ સમુદાયનાં પ્રમુખે અખબારોમાં માફીનામુ પ્રસિદ્ધ કરીને ડોકટરો, નર્સો તેમજ અન્યોની માફી માગી હતી. આ ઘટનાએ આખા દેશનાં મુસ્લિમ સંપ્રદાયને શર્મસાર કર્યો હતો. માફીનામામાં ડો. તૃપ્તિ કટારિયા, ડો. ઝાકિયા સૈયદ તેમજ તમામ ડોકટરો, નર્સો અને મેડિકલ ટીમની માફી માગી હતી.

મેડિકલ ટીમ સાથે અભદ્ર વર્તન કરાયું

મેરઠનાં અકબરપુર સાદાતમાં સાઉદીથી આવેલા લોકોની તપાસ કરવા આરોગ્ય ટીમ ગઈ ત્યારે તેની સાથે અભદ્ર વર્તન કરાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન