વડા પ્રધાન મોદીએ પરીક્ષા પે ચર્ચામાં છાત્રોને તણાવમુક્ત રહેવાનો મંત્ર આપ્યો - Sandesh
  • Home
  • India
  • વડા પ્રધાન મોદીએ પરીક્ષા પે ચર્ચામાં છાત્રોને તણાવમુક્ત રહેવાનો મંત્ર આપ્યો

વડા પ્રધાન મોદીએ પરીક્ષા પે ચર્ચામાં છાત્રોને તણાવમુક્ત રહેવાનો મંત્ર આપ્યો

 | 2:35 am IST

। નવી દિલ્હી ।

પીએમ મોદીએ પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓની મૂંઝવણ અને ટેન્શન દૂર કરવા માટે ‘પરીક્ષા પે ચર્ચા’ કરી હતી. દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમમાં ૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં તેમણે બાળકોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પરીક્ષા વખતે તણાવથી દૂર રહેવાનો મોદી મંત્ર આપ્યો હતો. માતાપિતાને તેમણે સલાહ આપી હતી કે બાળકો પર પ્રેશર ન લાવો, તેમને પર્ફોર્મ કરવા દો. મોદીએ પોતાની જાતને બાળકોના મિત્ર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે હું તમારી સાથે #Withoutfilter ચર્ચા કરું છું. પરીક્ષાની તૈયારી કરવા શું કરવું જોઈએ? તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું કે, વિદ્યાર્થીઓએ કશુંક બનવા નહીં પણ કશુંક નવું કરી બતાવવાનાં સપના જોવા જોઈએ જેથી તમને વહેલી સફળતા મળશે.કશુંક કરવાનું સપનું જોશો તો પરીક્ષાનું પ્રેશર રહેશે નહીં. કાર્યક્રમમાં ૧,૦૫૦ વિદ્યાર્થીઓને નિબંધસ્પર્ધા વડે પસંદ કરાયા હતા. દેશભરમાં ૩૦ કરોડ જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ જોયો હતો. તેમણે ૧ કલાક બાવન મિનિટ વાત કરી હતી. ખાસ કરીને પરીક્ષાની તૈયારી, જીવનનું લક્ષ્ય અને પડકારો તેમજ ચંદ્રયાનની નિષ્ફ્ળતા અને તેમાંથી સફળતાનું જન્મેલું ઝનૂન તથા દ્રવિડ, લક્ષ્મણ અને કુંબલેનાં ઉદાહરણ આપીને નિરાશા ખંખેરવા અને લોકોને મોટિવેટ કરવા વિદ્યાર્થીઓને ઉદાહરણ આપ્યા હતા.

પરીક્ષા પર ચર્ચાનો કાર્યક્રમ મારા દિલની સૌથી વધુ નજીક

મોદીએ કહ્યું કે ૨૦૨૦ એ નવા વર્ષની નહીં પણ નવા દાયકાની શરૂઆત છે. દેશ જે કંઈ કરશે તેમાં ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓનું યોગદાન રહેશે. દેશ નવી ઊંચાઈઓ હાંસલ કરશે અને નવી સિદ્ધિઓ સાથે આગળ વધશે તે નવી પેઢી પર નિર્ભર છે. પરીક્ષા પર ચર્ચાનો કાર્યક્રમ મારા દિલની સૌથી વધુ નજીક છે.

નિષ્ફળતા પછી જ સફળતા : નિરાશા ખંખેરવા ચંદ્રયાન-૨નું ઉદાહરણ આપ્યું

મોદીએ કહ્યું કે જીવનમાં કોઈ વ્યક્તિ જ એવી હશે કે જેણે નિષ્ફળતાનો સામનો નહીં કર્યો હોય. તેમણે નિરાશા ખંખેરવા ચંદ્રયાન-૨નું ઉદાહરણ આપ્યું હતું. ચંદ્રયાન-૨નાં મિશનમાં દેશના કરોડો લોકોનું યોગદાન ન હોવા છતાં લોકો આખી રાત જાગ્યા હતા. મિશન નિષ્ફળ ગયું ત્યારે સૌ નિરાશ થઈ ગયા. કેટલાક લોકોએ મને તે વખતે ત્યાં હાજર ન રહેવા સલાહ આપી હતી આમ છતાં હું ગયો હતો. મિશન ફેલ જતા પહેલાની મિનિટોમાં વૈજ્ઞાનિકોના ચહેરા પર તણાવ હતો. મને પણ કશુંક અજુગતું થયાનો અહેસાસ થયો હતો. આમ છતાં હું તેમની સાથે બેસી રહ્યો અને થોડો સમય પ્રયાસો ચાલુ રાખવા કહ્યું હતું. હું હોટલમાં ગયો પણ ઊંઘ ન આવી. થોડા સમય પછી મેં પીએમઓ ટીમને બોલાવી અને સવારે ફરી ઈસરો જવાનું કહ્યું. સવારે હું વૈજ્ઞાનિકોને મળ્યો અને તેમણે કરેલી મહેનતની પ્રશંસા કરી તેમની નિરાશા ખંખેરી નવું જોમ અને જુસ્સો જગાવ્યા. આ પછી આખા દેશમાં માહોલ બદલાઈ ગયો.

કશું કરવાનો જુસ્સો જ જીત અપાવે છે : દ્રવિડ-લક્ષ્મણ-કુંબલેની વાત કરી

મોદીએ ક્રિકેટ મેચનું ઉદાહરણ આપીને કહ્યું કે કશું કરવાનો જુસ્સો જ જીત અપાવે છે. ૨૦૦૧માં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ આપણે હારવાની અણી પર હતા. પણ દ્રવિડ અને લક્ષ્મણની ભાગીદારીએ હારની બાજીને જીતમાં પલટી. ઝનૂનની લડયા તો મેચ જીતી ગયા. આમ વ્યક્તિનો જુસ્સો પરિણામ બદલી શકે છે. ૨૦૦૨માં અનિલ કુંબલેને વેસ્ટઇન્ડિઝમાં જડબામાં વાગ્યું હતું. પાટાપિંડી કરીને તેણે બોલિંગ ચાલુ રાખી તેણે બ્રાયન લારાની વિકેટ ઝડપીને બાજી પલટી આમ એક વ્યક્તિનો સંકલ્પ લોકો માટે કેવી રીતે પ્રેરણા સ્ત્રોત બને છે તેનું પીએમએ ઉદાહરણ આપ્યું.  મોદીએ કહ્યું કે વિદ્યાર્થીઓ અને વાલીઓએ કેટલા માર્કસ લાવવા તેનાં ચક્કરમાં પડીને ટેન્શન વધારવું જોઈએ નહીં. પરીક્ષા એ જ જિંદગી નથી. તે માત્ર જીવનનો એક પડાવ છે. માતાપિતા બાળકોને એવું ન કહે કે આમ નહીં થાય તો દુનિયા લૂંટાઈ જશે. આજકાલ અનેક ક્ષેત્રો વિકસ્યાં છે. બાળકો ગમે તે ક્ષેત્રમાં જઈ શકે છે.

મોદીએ શું સલાહ આપી?

  • ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને આગળ આવો.
  • સ્માર્ટફોન સાથે ઓછો સમય વિતાવી માતાપિતા સાથે વધુ સમય ગાળો અને નવું શીખતા રહો. ટેકનોલોજીનાં ગુલામ ન બનો. ફોન પાછળ સમય બરબાદ ન કરો.
  • માતાપિતા અને શિક્ષકોએ વિદ્યાર્થીઓની ક્ષમતા આંકીને કામ કરવું જોઈએ. બાળકો પર દબાણ કરવાને બદલે તેમને પ્રોત્સાહન આપો.
  • સવારે વાંચવું કે રાત્રે તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું કે જ્યારે તમારા જીવને સારું લાગે અને દિલ કરે ત્યારે વાંચો. સૂર્યોદય પહેલાં મન સ્વસ્થ અને ફ્રેશ હોય ત્યારે વાંચવાનો સમય સારો છે. તમને જ્યારે ક્મ્ફર્ટ લાગે ત્યારે વાંચો.
  • એન્ટ્રન્સ ટેસ્ટનાં નાપાસ થવાથી નિરાશ ન થાઓ. કોઈની દેખાદેખી ન કરો. જીવનમાં નવું નવું શીખતા રહો.
  • એકસ્ટ્રા એક્ટિવિટી કરવા બાળકો પર દબાણ ન કરો.
  • હું ૧૦૦ વર્ષ જીવતો રહીશ તો મને ગર્વ થશે કે ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે જેમની સાથે હતો તેવા લોકો દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. ૨૦૪૭માં ભારત આઝાદીની શતાબ્દી મનાવતા હશે ત્યારે દેશનું નેતૃત્વ તમારી પાસે હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન