પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા હતા કે નહીં તે મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના નવા પુસ્તકમાં પ્રણવ મુખર્જીની વડાપ્રધાન બનવાની ઇચ્છાનો ઉલ્લેખ કર્યો છે. આ મુદ્દે પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધીની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે સવાલ કર્યો છે કે રાજકીય મહત્વાકાંક્ષા રાખવામાં ખોટું શું છે?

સોનિયા ગાંધીના પુસ્તકમાં શું લખ્યું?

સોનિયા ગાંધીનાં નવા પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ'માં વર્ષ 2010ની એક વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોનિયાના જણાવ્યા અનુસાર, તે સમયે પ્રણવ મુખર્જીએ તેમની સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાન બનવાની પોતાની લાંબા સમયથી રહેલી ઇચ્છાનો સંકેત આપ્યો હતો.

તેમને આશ્ચર્યમાં મૂકી દીધાં

સોનિયાએ લખ્યું છે કે પ્રણવ મુખર્જીએ 'હવે ટોચના સ્તરે પરિવર્તનનો સમય આવી ગયો છે' એવું સૂચન કરીને તેમને આશ્ચર્યમાં મૂકી દીધાં હતાં. સોનિયાએ આ વાતને વડાપ્રધાન બનવાની તેમની જૂની ઇચ્છા સાથે જોડી હતી.

શર્મિષ્ઠાએ પૂછ્યું, મહત્વાકાંક્ષા રાખવી ગુનો છે?

પિતાના સમર્થનમાં શર્મિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કર્યું હતું. તેમણે સવાલ કર્યો હતો કે પ્રણવ મુખર્જીની મહત્વાકાંક્ષાથી આશ્ચર્ય પામવાની શું જરૂર હતી? દાયકાઓનો રાજકીય અને શાસનનો અનુભવ, મહેનત અને અસાધારણ બુદ્ધિ ધરાવતી વ્યક્તિ વડાપ્રધાન બનવાની ઇચ્છા રાખે તેમાં ખોટું શું છે?

દરેક લાયક રાજકારણીમાં આવી મહત્વાકાંક્ષા હોય છે

શર્મિષ્ઠાએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે એક વખત પિતાને વડાપ્રધાન બનવાની ઇચ્છા વિશે પૂછ્યું હતું. ત્યારે પ્રણવ મુખર્જીએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે દરેક લાયક રાજકારણીમાં આવી મહત્વાકાંક્ષા હોય છે. તેમણે કહ્યું કે તેમના પિતાએ સામાન્ય શરૂઆત કરી હતી અને પોતાની આવડત તથા મહેનતથી આ ઊંચાઈ હાંસલ કરી હતી.

સોનિયાએ મનમોહન સિંહ સાથેની ભૂમિકા અંગે શું કહ્યું?

પોતાના પુસ્તકમાં સોનિયા ગાંધીએ યુપીએ સરકાર દરમિયાન મનમોહન સિંહ અને પોતાની વચ્ચે જવાબદારીઓના અઘોષિત વિભાજનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે સરકારનું નેતૃત્વ મનમોહન સિંહ પાસે હતું, જ્યારે પક્ષની જવાબદારી તેમના હાથમાં હતી.

તેઓ વડાપ્રધાનને સલાહ આપી શકતાં હતાં 

સોનિયાના જણાવ્યા અનુસાર, તેઓ વડાપ્રધાનને સલાહ આપી શકતાં હતાં અને તેમની સાથે અસહમતિ પણ વ્યક્ત કરી શકતાં હતાં, પરંતુ વડાપ્રધાન તરીકે મનમોહન સિંહનું સન્માન કરવું અને તેમની વાતને પ્રાથમિકતા આપવી તેમની જવાબદારી હતી. તેમણે એવું પણ લખ્યું કે કોઈ ગેરસમજ ઊભી થાય અને વિરોધીઓને સરકાર નબળી પાડવાની તક મળે તેવી પરિસ્થિતિ તેઓ ઇચ્છતાં નહોતાં.  


આ પણ વાંચો :    Dakor :250 વર્ષ જૂની અન્નકૂટ લૂંટોત્સવની પરંપરા જીવંત, 3,000 કિલો પ્રસાદી ભક્તોએ લૂંટી