Politics Special Story On Gujarat Congress Chief
  • Home
  • Gandhinagar
  • સરદાર પટેલથી જગદીશ ઠાકોર સુધી, ક્યારે-કોણે સંભાળી ગુજરાત કોંગ્રેસની કમાન?

સરદાર પટેલથી જગદીશ ઠાકોર સુધી, ક્યારે-કોણે સંભાળી ગુજરાત કોંગ્રેસની કમાન?

 | 9:34 pm IST
  • Share

  • કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો કાંટાળો તાજ જગદીશ ઠાકોરના સિરે

  • અત્યાર સુધીના પ્રદેશ પ્રમુખોએ અનેક ચડાવ-ઉતાર જોયા

  • 1998થી ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન, કોંગ્રેસ સત્તાવિહોણી

ગુજરાતમાં છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષ નેતાએ રાજીનામું આપ્યા બાદ નવી નિમણૂંકને લઈને ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવી ગયો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની કમાન ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના કદ્દાવર નેતા જગદીશ ઠાકોરને સોંપી દેવામાં આવી છે. જ્યારે વિરોધ પક્ષના નેતા તરીકે આદિવાસી નેતા સુખરામ રાઠવાની પસંદગી કરવામાં આવી છે.

હવે જગદીશ ઠાકોરે પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું સ્થાન લીધું છે. અમિત ચાવડાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પ્રદેશ પ્રમુખ પદ પરથી પોતાનું રાજીનામું આપી દીધુ હતું.

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી છેલ્લા અઢી દાયકાથી સત્તાથી દૂર રહી છે, ત્યારે જગદીશ ઠાકોર માટે રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવાનો મોટો પડકાર છે. સરદાર પટેલથી લઈને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સુધીના કોંગ્રેસ નેતાઓએ અનેક ચડાવ-ઉતાર જોઈ ચૂક્યાં છે. એવામાં અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ પર કોણ-કોણ રહી ચૂક્યું છે?

ક્રમ  નામ સમયગાળો
1 સરદાર વલ્લભભાઈ પટેલ  1921 થી 1946
2 કનૈયાલાલ દેસાઈ  1946 થી 1956
3 મગનભાઈ પટેલ  1956 થી 1959
4 ઠાકોરભાઈ દેસાઈ  1959 થી 1962
5 ત્રિભોવનદાસ પટેલ  1962 થી 1967
6 વજુભાઇ શાહ  1967 થી 1969
7 કાંતિલાલ ઘીયા  1969 થી 1970
8 રતુભાઈ અદાણી  1970 થી 1972 
9 ઝીણાભાઈ દરજી  1972 થી 1974
10 રાઘવજી લેઉઆ 1974
11 કુમુદબેન જોશી  1974
12 માધવસિંહ સોલંકી 1974 થી 1975
13 હિતેન્દ્ર દેસાઈ 1975 થી 1976
14 કાંતિલાલ ઘીયા  1976થી 1977
15 રતુભાઈ અદાણી  1978
16 માધવસિંહ સોલંકી   1978 થી 1980 
17 માલદેવજી ઓડેદરા  1980 થી 1981
18 મહિપતભાઈ મહેતા 1981
19 મહંત વિજયદાસજી  1981 થી 1985 
20 અહમદભાઈ પટેલ 1985 થી 1988
21 પ્રબોધભાઈ રાવળ 1988 થી 1989 
22 નટવરલાલ શાહ 1989 થી 1992
23 પ્રબોધભાઈ રાવળ 1992 થી 1997 
24 છગનભાઇ દેવભાઈ – સી.ડી પટેલ 1997 થી 2001
25 અમરસિંહ ચૌધરી 2001 થી 2002 
26 શંકરસિંહ વાઘેલા  2002 થી  2004 
27 બી.કે ગઢવી  2004 થી 2005 
28 ભરતસિંહ સોલંકી 2006 થી 2008 
29 સિધ્ધાર્થ પટેલ 2008 થી 2011
30 અર્જુન મોઢવાડીયા 2011 થી 2015 
31 ભરતસિંહ સોલંકી 2015 થી 2018 
32 અમિત ચાવડા  2018 થી 2021 
33 જગદીશ ઠાકોર  2021

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ પર રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓ રહી ચૂક્યાં છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પ્રથમ હરોળમાં આવે છે. આ સાથે જ ગુજરાતના વિકાસના પાયામાં રહેલા હિતેન્દ્ર દેસાઈથી લઈને માધવસિંહ સોલંકી જેવા અનેક નેતાઓ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી બખૂબી નિભાવી ચૂક્યાં છે.

વર્ષ 1998થી ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન ચાલી રહ્યું છે. છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તાવિહોણી છે. વર્ષ 2001થી લઈને 2021ના બે દાયકાઓ સુધી 8 વખત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખો બદલાઈ ચૂક્યાં છે. જેમાં ઓબીસી સમાજ અને આદિવાસી સમાજમાં આવતા નેતાઓના શિરે પ્રદેશ પ્રમુખનો કાંટાળો તાજ આવ્યો છે.

માત્ર 2008થી 2011 સુધી પાટીદાર સમાજમાંથી આવતા સિદ્ધાર્થ પટેલનું પ્રદેશ કોંગ્રેસની કમાન સોંપવામાં આવી હતી. જો કે હવે ફરીથી કોંગ્રેસે જગદીશ ઠાકોરના માથે કાંટાળો તાજ મૂકીને ઓબીસી કાર્ડ ખેલ્યું છે.

અત્યાર સુધીમાં અનેક પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ચૂંટણી લડાઈ ચૂકી છે, પરંતુ ધાર્યું પરિણામ મેળવવામાં કોંગ્રેસ કાયમ નિષ્ફળ નીવડી છે. આ ઉપરાંત 2017 બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સફળ નથી થઈ શકી. આજ કારણોસર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડાએ રાજીનામું આપી દીધુ.

છેલ્લા કેટલાક સમયથી પ્રદેશ પ્રમુખના નામને લઈને કોકડું ગુંચવાયેલું રહ્યું હતું. આખરે હાઈકમાન્ડ દ્વારા જગદીશ ઠાકોરને ગુજરાતની કમાન સોંપવામાં આવી છે. હવે જગદીશ ઠાકોર પાસે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા સહિત અનેક પડકારો છે, ત્યારે તેમાં તેઓ કેટલા સફળ થાય છે, તે જોવું રહ્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો