ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં આજે એક મોટો ગ્લેમર તડકો જોવા મળી રહ્યો છે. ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટ (રાજલ અલ્પેશભાઈ બાંભણીયા) હવે સૂર અને સંગીતના મંચ બાદ રાજકીય મેદાનમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ઉનાની પુત્રવધૂ એવી રાજલ બારોટ પર વિશ્વાસ મૂકીને તેમને ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ટિકિટ આપી છે.
રાજલ બારોટ આજે ફોર્મ ભરશે
ઉના પંથકમાં લોકપ્રિયતા ધરાવતા રાજલ બારોટ આજે વિધિવત રીતે ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. રાજલ બારોટ ઉનાના બાંભણીયા પરિવારની પુત્રવધૂ હોવાથી સ્થાનિક સ્તરે તેમને મોટું સમર્થન મળે તેવી શક્યતા છે. ભાજપે ગ્લેમર અને સ્થાનિક પ્રભુત્વના સમન્વય સાથે આ બેઠક જીતવા માટે ચોક્કસ રણનીતિ ઘડી છે.
