વિજેતા ઉમેદવારોમાં રસીલાબેન ગરૈયા, દીપ્તિબેન સોલંકી, અર્જુનભાઈ ચૌહાણ અને ઈબ્રાહિમભાઈ સૌરાનો સમાવેશ થાય છે. બીજી તરફ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 13માં ભાજપની પેનલે પોતાનું વર્ચસ્વ જાળવી રાખી વિજય વાવટો ફરકાવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો

સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા છે. કુલ 36 બેઠકોમાંથી 22 બેઠકો પર કેસરીયો લહેરાતા ભાજપે નગરપાલિકા કબ્જે કરી છે. આ ઉપરાંત, તાપી જિલ્લાની ઉચ્છલ તાલુકા પંચાયતની ભડભુંજા બેઠક પર ભાજપના રસિક ગામીતે જીત મેળવી છે, જે આદિવાસી પટ્ટામાં પક્ષની મજબૂત પકડ દર્શાવે છે.

ભરૂચનો મેન્ડેટ કાંડ અને કોંગ્રેસનો વિજય

ભરૂચમાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસની અંદર જોવા મળેલી આંતરિક ખેંચતાણ અને 'મેન્ડેટ કાંડ' છતાં સમશાદઅલી સૈયદ સહિતની આખી પેનલ વિજેતા બની છે. જીત બાદ સમશાદઅલીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જનતાએ ભાગલા પાડવાની રાજનીતિ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે આ જીતનો શ્રેય મતદારોને આપતા કહ્યું કે, ખરેખર ચૂંટણી જનતા લડી રહી હતી, તેઓ તો માત્ર નિમિત્ત હતા.

પંચાયત સ્તરના પરિણામો

બોટાદ અને નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોમાં પણ ભાજપનો વિજયી રથ આગળ વધ્યો છે. બોટાદની બરવાળા તાલુકા પંચાયતની પોલારપુર બેઠક પર ભાજપના રાધાબેન ભીલ વિજેતા જાહેર થયા છે. તેવી જ રીતે, નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકા પંચાયતની બોરીદ્રા બેઠક પર ભાજપના ઉમેદવાર ગોવિંદ વસાવાએ જીત હાંસલ કરીને પક્ષનું સ્થાન મજબૂત કર્યું છે.

આ પણ વાંચો: Gujarat Local Body Election Results 2026: ભરૂચ તાલુકા પંચાયતની 30 બેઠકોમાંથી ભાજપે પ્રારંભિક તબક્કે જ લીડ મેળવી