નર્મદા જિલ્લામાં ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ભાજપના આંતરિક શિસ્તને લઈને સાંસદ મનસુખ વસાવાએ અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. જિલ્લા મથક રાજપીપળા ખાતેના ભાજપ કાર્યાલય 'કમલમ' પર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, આ બેઠકમાં કેટલાક ઉમેદવારોની ગેરહાજરી જોઈને સાંસદ મનસુખ વસાવા મિજાજ ગુમાવી બેઠા હતા.

'મારા મિત્ર હશો તો પણ નહીં ચાલે'

બેઠકમાં શિસ્તનો પાઠ ભણાવતા મનસુખ વસાવાએ તીખી ટકોર કરી હતી કે, પક્ષમાં કોઈ પણ પ્રકારની શિસ્તહીનતા ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે હાજર કાર્યકરો અને આગેવાનો સામે રોષ ઠાલવતા પૂછ્યું હતું કે, "ક્યાં છે ઉમેદવારો?" વધુમાં તેમણે કડક શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું કે, "જો ગેરહાજર ઉમેદવારોને કોઈ તકલીફ હોય તો અત્યારે જ કહી દેજો, અમે તેમનું મેન્ડેટ બદલી નાખીશું. ભલે તે મારા અંગત મિત્ર હોય, પણ પક્ષના કામમાં અને શિસ્તમાં બાંધછોડ કરવામાં નહીં આવે."

શિસ્તના આગ્રહી સાંસદના તેવર

ચૂંટણી પ્રચાર અને વ્યૂહરચના ઘડવા માટે બોલાવાયેલી આ બેઠકમાં ઉમેદવારોની ગંભીરતાના અભાવે સાંસદને ગુસ્સે કર્યા હતા. મનસુખ વસાવાની આ આક્રમક શૈલીને કારણે હોલમાં હાજર અન્ય ઉમેદવારો અને હોદ્દેદારોમાં સોપો પડી ગયો હતો. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, જો ઉમેદવારો હજુ પણ ગંભીર નહીં થાય તો આગામી દિવસોમાં પક્ષ દ્વારા કડક પગલાં લેવામાં આવી શકે છે.


આ  પણ વાંચો----     Local Body Elections 2026 : મહેસાણા ભાજપ કાર્યાલયમાં 28 વર્ષથી ચા બનાવતા પટાવાળાને મળી ટિકિટ, રમેશભાઈ ભીલ લડશે ચૂંટણી