વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં 'નો-રિપીટ થિયરી'નો અત્યંત કડક અમલ જોવા મળ્યો છે. પક્ષે સત્તાના મુખ્ય હોદ્દેદારો - મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને દંડક સહિતના તમામ મોટા નેતાઓની ટિકિટ કાપીને શુદ્ધિકરણનો સંકેત આપ્યો છે.

વર્તમાન મેયર પિંકી સોનીની ટિકિટ કાપી નાખવામાં આવી

સૌથી વધુ ચર્ચા વોર્ડ નંબર 4 ની છે, જ્યાં વર્તમાન મેયર પિંકી સોનીની ટિકિટ કાપી નાખવામાં આવી છે. શહેરમાં તેમની નિષ્ક્રિયતા અને અપેક્ષા મુજબની કામગીરી ન થવાને કારણે પક્ષે તેમના સ્થાને મધુ જૈન જેવા નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. તેવી જ રીતે વોર્ડ નંબર 7 માં વિવાદોના પર્યાય બનેલા સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીનું પણ પત્તું કપાયું છે, તેમના સ્થાને રણજીત રાજપૂતને ટિકિટ આપવામાં આવી છે. તો દંડક મનોજ પટેલના સ્થાને શિક્ષણ સમિતિના ચેરમેન અને યુવા ચહેરો આદિત્ય પટેલને તક મળી છે.

ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની ટિકિટ કપાઇ

વોર્ડ નંબર 11 માં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની ટિકિટ કાપવામાં આવી છે, તેમના બદલે ઉપેન્દ્ર પ્રજાપતિને ઉમેદવાર બનાવાયા છે. જ્યારે વોર્ડ નંબર 17 માં શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલની ટિકિટ કાપીને પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડીયાના પુત્ર હિરેન સુખડીયાને ટિકિટ આપી વંશવાદના આક્ષેપો વચ્ચે પણ મજબૂત દાવ ખેલ્યો છે. ભાજપના આ 'સર્જિકલ સ્ટ્રાઈક' જેવા નિર્ણયથી જૂના જોગીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો----   Gujarat Latest News Live : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો, આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભરાશે ઉમેદવારી ફોર્મ