સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી દરમિયાન લોકશાહી પ્રત્યેની જાગૃતિના પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના વોર્ડ નંબર 7 માં રહેતી બે સગી બહેનોએ પોતાના લગ્ન હોવા છતાં મતાધિકારને પ્રાથમિકતા આપી હતી. લગ્નના પવિત્ર ફેરા ફરતા પહેલા, બંને બહેનો હાથમાં મહેંદી અને લગ્નના પોશાક સાથે મતદાન મથકે પહોંચી હતી. આ નવવધૂઓએ મતદાન કરીને સંદેશ આપ્યો હતો કે સામાજિક પ્રસંગોની સાથે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી પણ એટલી જ મહત્વની છે.
મતદાન કરવા આવેલા વરરાજાનું નામ યાદીમાંથી ગુમ
બીજી તરફ, વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એક નિરાશાજનક કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના પાર્થ હરાલના લગ્ન મહારાષ્ટ્રની નિશાલી સાથે થયા હતા. બપોરે 12 વાગ્યે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના સાત ફેરા પૂર્ણ કર્યા બાદ, આ નવદંપતી 43 ડિગ્રીની આકરી ગરમીમાં પણ લગ્નના વસ્ત્રોમાં ફતેગંજની નવયુગ વિદ્યાલય ખાતે મતદાન કરવા પહોંચ્યું હતું. જોકે, ઉત્સાહભેર મતદાન કરવા આવેલા વરરાજા પાર્થ હરાલનું નામ મતદાર યાદીમાં ન હોવાથી તેમને મતાધિકારથી વંચિત રહેવું પડ્યું હતું.
