મોરબીમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે વોર્ડ નંબર 9 માં નેતાઓ માટે સ્થિતિ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. વિસ્તારની અરિહંત સોસાયટીના લોકોએ એકત્ર થઈને રાજકીય પક્ષોના ઉમેદવારો સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોએ સોસાયટીના નાકે જ મોટા બેનર લગાવી દીધા છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, "કોઈ પણ પક્ષના ઉમેદવારે પ્રચાર કરવા માટે સોસાયટીમાં પ્રવેશવો નહીં."


ગટર અને રોડના પ્રશ્નોથી ત્રસ્ત જનતા

સ્થાનિક રહિવાસીઓના જણાવ્યા મુજબ, છેલ્લા લાંબા સમયથી અરિહંત સોસાયટીમાં ઉભરાતી ગટર અને ખખડધજ રોડ-રસ્તાની સમસ્યા વિકરાળ બની છે. અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા હોવાથી લોકોનું જીવવું દુષ્કર બન્યું છે, જેના કારણે હવે ચૂંટણી ટાણે જનતાએ પોતાનો મિજાજ બતાવ્યો છે.

1000થી વધુ મતદારો આપશે 'નોટા' કે બહિષ્કારનો જવાબ

અરિહંત સોસાયટીમાં અંદાજે 1000 થી વધુ મતદારો વસવાટ કરે છે. આટલી મોટી સંખ્યામાં મતદારોએ એકસૂરે ચીમકી ઉચ્ચારી છે કે, જો મતદાન પહેલા તેમના પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો તેઓ મતદાન પ્રક્રિયાથી અળગા રહેશે. સ્થાનિકોનો આક્રમક મિજાજ જોઈને રાજકીય પક્ષોના સમીકરણો બગડે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.

ઉમેદવારોની મૂંઝવણ વધી

ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ઉમેદવારો જ્યારે આ વિસ્તારમાં પહોંચે છે, ત્યારે બેનરો જોઈને પરત ફરવું પડી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, જ્યારે વોટ જોઈએ ત્યારે જ નેતાઓ દેખાય છે, બાકીના પાંચ વર્ષ જનતા ગંદકીમાં રહે તો તેમને કોઈ ફરક પડતો નથી." મોરબીના રાજકારણમાં અરિહંત સોસાયટીનો આ વિરોધ અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: મેઘરજમાં કોંગ્રેસને મોટો ઝટકો, પંચાલ જિલ્લા પંચાયતના 25થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા


  • Follow us on: