ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે મહત્તમ મતદાન થાય તે હેતુથી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિશેષ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પેનમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને 'રન મશીન' તરીકે જાણીતા ચેતેશ્વર પૂજારા પણ જોડાયા છે. પૂજારાએ રાજ્યના નાગરિકોને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા વિનંતી કરી છે.
લોકશાહીને મજબૂત કરવા અપીલ
ચેતેશ્વર પૂજારાએ મતદારોને સંબોધતા જણાવ્યું હતું કે, લોકશાહીમાં એક-એક મતની કિંમત હોય છે. આપણા શહેર અને ગામના વિકાસ માટે યોગ્ય પ્રતિનિધિની પસંદગી કરવી એ આપણી ફરજ છે. હું તમામ ગુજરાતીઓને વિનંતી કરું છું કે કામકાજ છોડીને પણ પહેલા મતદાન કરવા જજો.
યુવા મતદારોને પ્રોત્સાહન
પૂજારાએ ખાસ કરીને યુવા મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે, લોકશાહીના આ પર્વને ત્યારે જ સફળ બનાવી શકાય જ્યારે ૧૦૦ ટકા મતદાન થાય. મતાધિકાર એ માત્ર હક નથી પણ જવાબદારી પણ છે. ચેતેશ્વર પૂજારા જેવી વૈશ્વિક હસ્તી જ્યારે આ અભિયાનમાં જોડાય છે, ત્યારે તેની મોટી અસર મતદાનની ટકાવારી પર જોવા મળી શકે છે.
સંદેશ ન્યૂઝની વિશેષ પહેલ
સંદેશ ન્યૂઝ હંમેશા સામાજિક જવાબદારી નિભાવવામાં અગ્રેસર રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો જાગૃત બને અને મતદાન મથક સુધી પહોંચે તે માટે આ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે, જેને હવે રમતજગત અને બોલીવુડની હસ્તીઓનું પણ સમર્થન મળી રહ્યું છે.









