Poorer nations rejected 10 crore covid vaccines dose
  • Home
  • Top News
  • આ દેશો પરત કરી રહ્યા છે વેક્સિનના કરોડો ડોઝ, જાણો કારણ

આ દેશો પરત કરી રહ્યા છે વેક્સિનના કરોડો ડોઝ, જાણો કારણ

 | 2:23 pm IST
  • Share

  • 144 દેશોમાં આપવામાં આવી રહ્યા છે વેક્સિનના ડોઝ

  • ગરીબ દેશો પાસે વેક્સિન સ્ટોર કરવાની સુવિધા નથી

  • ટૂંકી શેલ્ફ લાઇફને કારણે ડોઝ પરત કરી રહ્યા છે

વિશ્વમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ 30થી વધુ દેશો એવા છે જે રસીના ડોઝ પરત કરી રહ્યા છે. યુનિસેફે જણાવ્યું છે કે ગયા મહિને ગરીબ દેશોએ 10 કરોડથી વધુ ડોઝ લેવાનો ઇનકાર કર્યો છે.

હકીકતમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) વિશ્વભરના નાના અને ગરીબ દેશો સુધી પણ કોરોના રસી પહોંચવાના ઉદ્દેશ્ય સાથે એક કાર્યક્રમ ચલાવી રહી છે. આ પ્રોગ્રામનું નામ COVAX છે, જે અંતર્ગત નાના અને ગરીબ દેશોને મફતમાં રસી આપવામાં આવી રહી છે. COVAX હેઠળ લગભગ 150 દેશોમાં અબજો ડોઝ પહોંચાડવામાં આવી રહ્યા છે.

પરંતુ હવે આ દેશોએ આ ડોઝ લેવાની ના પાડી દીધી છે. ન્યૂઝ એજન્સી અનુસાર, યુનિસેફના સપ્લાય ડિવિઝનના ડિરેક્ટર એત્લેવા કૈડિલીએ જણાવ્યું કે ગરીબ દેશોએ એકલા ડિસેમ્બરમાં જ 10 કરોડથી વધુ રસીના ડોઝ પરત કર્યા છે.

શા માટે ગરીબ દેશો રસીના ડોઝ પરત કરી રહ્યા છે?

કૈડિલીએ કહ્યું કે દેશો રસીના ડોઝની ટૂંકી શેલ્ફ લાઇફને કારણે આમ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ગરીબ દેશો પાસે રસી સ્ટોર કરવા માટે ફ્રીઝ પણ નથી, તેથી તેઓ ડોઝ લઈ રહ્યા નથી. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે અત્યાર સુધીમાં કેટલા ડોઝ પાછા કરવામાં આવ્યા છે.

રસી પરત કરવાનો મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કોરોનાનો એક નવો વેરિઅન્ટ ઓમિક્રોન આખી દુનિયામાં હાહાકાર મચાવી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ રસીકરણને ઝડપી બનાવવાની વાત કરી છે. WHOનું કહેવું છે કે જ્યાં સુધી આ રસી નાના અને ગરીબ દેશોમાં નહીં પહોંચે ત્યાં સુધી રોગચાળાનો સામનો કરી શકાશે નહીં.

અમીર દેશો પર ઉઠ્યા પ્રશ્નો!

રસીકરણના સપ્લાય અને ઉપયોગ પર નજર રાખતી એજન્સી CARE અનુસાર, અત્યાર સુધીમાં ગરીબ દેશોને જેટલી વેક્સિન આપવામાં આવી છે એમાંથી 90 દેશોએ લગભગ 68 કરોડ ડોઝનો જ ઉપયોગ કર્યો છે. CARE મુજબ, કોંગો અને નાઈજીરિયા જેવા 30 થી વધુ દેશોએ અત્યાર સુધીમાં અડધા કરતા પણ ઓછો ડોઝ લગાવ્યો છે.

વેક્સીન એલાયન્સ GAVI અનુસાર, અત્યાર સુધીમાં વિશ્વના 144 દેશોમાં COVAX પ્રોગ્રામ હેઠળ 98 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. WHO અનુસાર, જાન્યુઆરી સુધીમાં, સમૃદ્ધ દેશોની 67% વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, જ્યારે ગરીબ દેશોની વસ્તીના માત્ર 8% લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે.

યુનિસેફ અનુસાર, યુરોપિયન યુનિયનના દેશો દ્વારા આપવામાં આવેલી રસીના 15 મિલિયન ડોઝ પરત કરવામાં આવ્યા છે. આ ડોઝમાંથી ત્રીજા ભાગનો ડોઝ એસ્ટ્રાઝેનેકાનો હતો, કારણ કે તેની શેલ્ફ લાઇફ માત્ર 10 અઠવાડિયાની જ છે.

WHOના એક અધિકારીએ ગયા મહિને જણાવ્યું હતું કે સમૃદ્ધ દેશો ટૂંકી શેલ્ફ લાઇફ સાથે ડોઝ ડોનેટ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર નવેમ્બર મહિનામાં એકલા નાઈજીરિયામાં જ 10 લાખથી વધુ ડોઝ ઉપયોગ કર્યા વગર જ એક્સપાયર થઈ ગયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો