Priyansh from Surat received eight awards in research at American Uni
  • Home
  • Featured
  • સવાયા ગુજરાતી પ્રિયાંશને અમેરિકન યુનિ.માં રિસર્ચમાં 8 એવોર્ડ મળ્યા

સવાયા ગુજરાતી પ્રિયાંશને અમેરિકન યુનિ.માં રિસર્ચમાં 8 એવોર્ડ મળ્યા

 | 11:27 am IST
  • Share

  • પ્રિયાંશ ગુજરાતીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પીએચ.ડી.માં પ્રવેશ મેળવ્યો

  • પ્રિયાંશે અમેરિકાની ટાઉસન યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીમાં બેચલર ડિગ્રી મેળવી હતી

  • સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના 21 યુવક પ્રિયાંશ ગુજરાતીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પીએચ.ડી.માં એડમિશન 

વિદેશ જતા મોટાભાગના વિદ્યાર્થીનું સ્વપ્ન ઇંગ્લેન્ડની પ્રસિદ્ધ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનું સ્વપ્ન હોય છે. ત્યારે સુરતના સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના 21 યુવક પ્રિયાંશ ગુજરાતીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પીએચ.ડી.માં એડમિશન મેળવીને સુરતનું નામ રોશન કર્યુ છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને ડૉ. મનમોહનસિંહે ઇંગ્લેન્ડની પ્રખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.

વરાછા રોડ પર વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા અને મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામના ધનસુખભાઇ ગુજરાતીએ જણાવ્યું કે પુત્ર પ્રિયાંશે ધો. 1થી 7 સુધી પીપી સવાણી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. બાદમાં વધુ અભ્યાસ માટે બેંગ્લોર ગયો હતો. બેંગ્લોરમાં ધો. 12 સુધી અભ્યાસ કર્યા બાદ અમેરિકાની ટાઉસન યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીમાં બેચલર ડિગ્રી મેળવી હતી.

તેણે કેમેસ્ટ્રીમાં રિસર્ચ શરૂ કર્યુ હતું. આ રિસર્ચને આધારે કેમેસ્ટ્રીમાં આઠ એવોર્ડ પણ મળ્યા હતા. તેના ત્રણ લેખો અમેરિકાના જનરલોમાં પ્રસિદ્ધ થયા હતા. અમેરિકામાં તેના રિસર્ચના આધારે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સીધો પીએચ.ડી.માં પ્રવેશ મેળવ્યો હતો. તેણે અમને રાત્રે દોઢ વાગે કોલ કરીને આ શુભ સમાચાર આપ્યા હતા, તેથી, અમારી આંખોમાં હર્ષના આંસુ આવ્યા હતા.

અત્યાર સુધીમાં સુરતમાંથી બહુ જુજ વિદ્યાર્થીઓએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પીએચ.ડી.માં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે પ્રિયાંશે સમગ્ર રાજ્યમાં પાટીદાર સમાજનું નામ રોશન કર્યુ છે. પ્રિયાંસને બાળપણથી તબલા વગાડવાનો શોખ છે. તે સારો તબલાવાદક છે. ધનસુખભાઇની ત્રણ પુત્રી અને બે પુત્ર સહિત પાંચેય સંતાન વિદેશમાં સ્થાયી થયા છે.

પ્રિયાંશ બાળપણમાં તોફાની અને ભણવામાં સામાન્ય હતો

ધનસુખભાઇએ જણાવ્યું હતું કે પ્રિયાંશ ધો. 1થી 9 સુધી ખૂબ તોફાની અને ભણવામાં ઠોઠ હતો, પરંતુ, ધો. 10થી તેની ટકાવારીમાં ઉત્તરોત્તર વધારો થયો હતો. બાદમાં તેણે આજદિન સુધી પાછું વળીને જોયું નથી. આમ, બાળપણમાં વિદ્યાર્થી ભણવામાં નબળું હોય તો વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી.

2001ના ધરતીકંપમાં પ્રિયાંશ રૂમમાં ભુલાઇ ગયો હતો

26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે ધનસુખભાઇ અને તેમના પત્ની દોડીને બહાર નીકળી ગયા હતા, પરંતુ પ્રિયાંશ રૂમમાં ઘોડિયામાં રહી ગયો હતો. પિતાને થયું કે માતાએ પ્રિયાંશને લીધો હશે અને માતાને થયું કે પિતાએ પ્રિયાંશને બહાર કાઢયો હશે. બહાર આવીને બન્નેના જીવ તાળવે ચોંટી ગયા હતાં. આમ, સદનસીબે મકાન સહીસલામત રહેતા પ્રિયાંશને કાંઇ થયું ન હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો