બાળકો દત્તક આપવાનાં આંતરરાષ્ટ્રીય રેકેટ્સ : સત્તા, સંસ્થા અને સમાજની મિલીભગત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • બાળકો દત્તક આપવાનાં આંતરરાષ્ટ્રીય રેકેટ્સ : સત્તા, સંસ્થા અને સમાજની મિલીભગત

બાળકો દત્તક આપવાનાં આંતરરાષ્ટ્રીય રેકેટ્સ : સત્તા, સંસ્થા અને સમાજની મિલીભગત

 | 4:33 am IST
  • Share

પર્દાફાશ : ક્રિશ્ના શાહ મારડિડયા

બાળકનું નામ – સતીષ

માતા-પિતા – કથિરવેલ અને નાગરાણી

ગુમ થયા વર્ષ – ૧૯૯૯

દેશ – નેધરલેન્ડ્સ

એજન્સી – મેઇલિંગ

ભારતીય એજન્સી – મલેશિયન સોશિયલ સર્વિસ

નવમી માર્ચ, ૧૯૯૯ની રાત્રે ત્રણ વાગ્યે નાગરાણી અચાનક ઊંઘમાંથી જાગી, ત્યારે તેની પડખે સૂવાડેલો તેનો એક વર્ષનો પુત્ર સતિશ ગુમ હતો. આંસું, બૂમાબૂમ, પોલીસ, ધક્કા અને પુત્રવિયોગમાં વર્ષો સુધી પિસાયા બાદ હજુ સુધી એને પોતાના પુત્ર વિશે કોઈ માહિતી નથી. રઝળપટ્ટીમાં માત્ર એટલું જાણવા મળ્યું કે એનો પુત્ર નેધરલેન્ડ્સમાં દત્તક આપી દેવાયો છે. મે, ૨૦૦૭માં એક ડચ ટીવી ચેનલે તેના કાર્યક્રમમાં આ કેસની વિગતો વિસ્તારથી ચર્ચી અને પરિણામે નેધરલેન્ડ્સના કાયદા પ્રધાને ત્રિસ્તરીય વહીવટી તપાસનો આદેશ આપ્યો. માતા-પિતાએ નેધરલેન્ડ્સમાં પોલીસ ફ્રિયાદ નોંધાવી છે પણ પરિણામ હજુ આજ સુધી પણ શૂન્ય જ છે. ડચ એજન્સી મેઇલિંગનો ધંધો આજે પણ ધમધોકાર ચાલે છે.

 

બાળકોનાં નામ – રાણી, ઋચિ, રાધિકા અને રોહિત

પિતા – રમેશ કુલકર્ણી

દેશ – ડેનમાર્ક

ગુમ થયા વર્ષ – ૨૦૦૨

એજન્સી – એસી ઈન્ટરનેશનલ ચાઈલ્ડ સપોર્ટ

ભારતીય એજન્સી – પ્રીત મંદિર

પત્નીના મૃત્યુ પછી રમેશ કપૂરે પોતાનાં ચાર બાળકોને પૂણેમાં બાળકોની સંભાળ રાખતી સ્વૈચ્છિક સંસ્થા પ્રીત મંદિરમાં મૂક્યાં હતાં. ચાર મહિના પછી રમેશ કપૂર પોતાનાં બાળકોને મળવા આવ્યા ત્યારે તેમાંથી માત્ર બે જ બાળકો મળ્યાં અને તેમને જણાવાયું કે બાકીનાં બે બાળકો હોસ્પિટલમાં છે. ત્યાર બાદ એમને બાળકો પરેશાન ન થાય તે માટે બાળકોને મળવાનું ટાળવાનું કહેવાયું. અને તે પછી રમેશ કપૂરના માતાપિતા જ્યારે અનાથાશ્રમમાંથી બાળકોને પાછા લાવવા ગયા ત્યારે સંસ્થાએ બાળક દીઠ રૂ. ૫૦,૦૦૦ માંગ્યા. રઝળપાટ પછી જાણ થઈ કે તેમના ચારેય બાળકોને તો ડેનમાર્કમાં દત્તક આપી દેવાયાં છે. ફ્રી એ જ કહાણી, આંસું, પોલીસ, ધક્કા… પણ પરિણામ હજુ આજે પણ શૂન્ય. ડેનમાર્કની સરકારે તો પોતાની તપાસમાં જાહેર કરી દીધું છે કે દત્તક લેવાની આ પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થયેલી નથી.

 

બાળકનું નામ – સુભાષ

ગુમ થયા વર્ષ – ૧૯૯૯

માતા-પિતા – નાગેશ્વર રાવ અને શિવગામ્મા

દેશ – અમેરિકા

એજન્સી – પોકેટ ચિલ્ડ્રન સર્વિસીઝ

ભારતીય એજન્સી – મલેશિયન સોશિયલ સર્વિસીઝ

ચેન્નાઈના આ માતા-પિતાએ ૧૮મી ફ્ેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ છેલ્લે પોતાના પુત્રને જોયો હતો. માતા-પિતાએ તરત જ પોલીસમાં ફ્રિયાદ કરી. શોધખોળના નાણાં જોડવા મકાન-મિલ્કત વેચી દીધા, પોતાની દીકરીનું શિક્ષણ અધૂરેથી છોડાવી દીધું. પણ પરિણામ આજે પણ શૂન્ય. વર્ષ ૨૦૦૫માં પોલીસે માતા-પિતાને જાણ કરી કે તેમના બાળકને નવી ઓળખ – અશરફ્ – નામ સાથે અમેરિકામાં એક પરિવારને દત્તક આપી દેવાયો છે. સીબીઆઈ તપાસમાં ડીએનએ ટેસ્ટ દરમિયાન દત્તક અપાયેલો બાળક તેમનો જ પુત્ર હોવાનું સુનિશ્ચિત તો થયું, છતાં આજ સુધી પરિણામ શૂન્ય જ છે. હા, બાળકો દત્તક મેળવી આપવાનું કામ કરતી અમેરિકાની એજન્સીનો ધંધો આજે પણ ધમધોકાર ચાલે છે.

 

બાળકોનાં નામ – અશ્વિની અને કોમલ

ગુમ થયા વર્ષ – ૨૦૦૫

દેશ – સ્પેન

એજન્સી – નિનોસ સોં ફ્રોન્તેરા (ચિલ્ડ્રન વિધાઉટ ફ્રન્ટિયર્સ)

ભારતીય એજન્સી – પ્રીત મંદિર

મહારાષ્ટ્રના સતારાની ઝૂંપડપટ્ટીમાં રહેતા ૬૬ વર્ષનાં અશિક્ષિત કિસાબાઈ લોખંડેએ વર્ષ ૨૦૦૫માં પોતાની બે પૌત્રીઓને સતારાના ઓબ્ઝર્વેશન હોમમાં કામચલાઉ સંભાળ માટે મૂકી હતી, જ્યાંથી તેમને પૂણે ખાતે પ્રીત મંદિર અનાથાશ્રમમાં મોકલી અપાઈ હતી. કિસાબાઈની મંજૂરી વિના આ બંને બાળકીઓને સ્પેનમાં દત્તક આપી દેવાઈ. છેવટે વર્ષ ૨૦૦૯માં તેઓ આ અંગે મુંબઈ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન નોંધાવી શક્યા હતા. આજ સુધી કિસાબાઈને પોતાની પૌત્રીઓના કોઈ સમાચાર મળ્યા નથી. કિસાબાઈનો કેસ સુપ્રીમ કોર્ટમાં ન્યાયની રાહ જુએ છે.

 

આ સમાચારો ક્યારેક છૂટાછવાયા તો ક્યારેક મોટાં મથાળાં અને સેન્સેશનલ હેડલાઈન્સ સાથે સમાચાર પત્રો અને ટેલીવિઝનની ચેનલો પર ચમકી ઉઠયા હતા. માધ્યમોમાં બહુચર્ચિત કેસ પ્રીત મંદિરનો રહ્યો. ૧૯૭૯માં ઉત્તર પ્રદેશમાં કાનપુરમાં સ્થપાયેલી સ્વૈચ્છિક સંસ્થા પ્રીત વિહારનાં કામકાજ સ્થાપક ટ્રસ્ટી સરદાર જોગિન્દર સિંઘ ભસીને દેશભરમાં પ્રસારવાનું શરૂ કર્યું. બાળકોની સંભાળ માટે ૧૦૦ બાળકોની ક્ષમતા ધરાવતા કેન્દ્ર તરીકે પૂણેના હ્યદય સમા કેમ્પ વિસ્તાર ઉપરાંત કલ્યાણી નગરમાં પણ સંસ્થાની શાખાઓ થઈ. ઘરેથી ત્યજાયેલી મહિલાઓ માટે થોડા સમયના નિવાસ માટેનું કેન્દ્ર પણ શરૂ કરાયું. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સંચાલિત શિશુ સદન નામના કેન્દ્ર વિરુદ્ધ થયેલી જાહેર હિતની અરજીને પગલે વર્ષ ૨૦૦૨માં તે કેન્દ્રનો વહીવટ પણ પ્રીત મંદિરને સોંપાયો. ત્યાર પછી પ્રીત મંદિરનાં કામકાજ નવા અને લાયકાત ધરાવતા કર્મચારીઓ સાથે વધુ સુદ્રઢ બનાવાયાં.

વર્ષ ૨૦૦૪થી ૨૦૦૬ દરમિયાન પ્રીત મંદિરે ૫૧૮ બાળકો દત્તક આપ્યાં હતાં, જેમાંથી ૩૫૮ બાળકો વિદેશોમાં દત્તક અપાયાં હતાં. બાળકો દત્તક લેનારા મોટા ભાગના દેશોએ હેગ કન્વેન્શનને સમર્થન આપ્યું છે. પ્રીત મંદિર ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની, બેલ્જિયમ, આઈસલેન્ડ, આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, યુએસએ, સ્પેન અને ઈટાલી સહિત અનેક દેશોની સંસ્થાઓ અને સરકારી વિભાગો સાથે કામ કરતી હતી. એમાંની તમામ સંસ્થાઓને તેમના પોતાના દેશની સરકાર દ્વારા તેમજ ભારત સરકારની અધિકૃત સંસ્થા કારા (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી) દ્વારા માન્યતા પ્રાપ્ત હતી.

બાળકને દત્તક આપવા માટે મોટી રકમોનાં ફ્રજિયાત અનુદાનો, દત્તક આપવાની ફ્ી, બાળકોની પૂરતી કાળજી નહીં રાખવી, અનૈતિક માર્ગે બાળકો મેળવવા અને એમની સામે પૈસા વસૂલવા વગેરે જેવા અનેક ગુના પ્રીત મંદિર સામે નોંધાયા. કારાની માર્ગર્દિશકા મુજબ બાળકને દત્તક આપવા સામે મહત્તમ ૬૦૦થી ૧૫૦૦ ડોલર મેળવી શકાય છે, જેની સામે પ્રીત મંદિર પ્રતિ બાળક ૬૦૦૦ ડોલર જેટલી રકમ વસૂલતી. એપ્રિલ, ૨૦૦૩થી માર્ચ, ૨૦૦૪ દરમિયાન પ્રીત મંદિરની સંભાળ હેઠળનાં ૫૯ બાળકો મૃત્યુ પામ્યાં. આવાં તો સંખ્યાબંધ ગુનાઓને અંતે પાપનો ઘડો છલકાઈ ગયો.

૭મી માર્ચ, ૨૦૧૧ના રોજ સીબીઆઈએ પ્રીત મંદિર કેસમાં છ વ્યક્તિઓ સામે બાળકોની તસ્કરી માટે ગુનાહિત ષડયંત્રના આરોપ સહિત અન્ય આરોપો દર્શાવી ચાર્જશીટ ફઈલ કરી હતી. પ્રીતમંદિરના મેનેજિંગ ટ્રસ્ટી જોગિન્દર ભસીન (૭૭), તેમના પત્ની મહિન્દર ભસીન (૭૩), પુત્ર ગુરપ્રીત સિંઘ (૪૮) સુપ્રિન્ટેન્ડેન્ટ, સામાજિક કાર્યકર અને કારાના તત્કાલીન અધ્યક્ષ જાનીન્દ્રકુમાર મિત્તલ (૬૦)નાં નામ હતાં.

એક ટીવી ચેનલે કારાના ભ્રષ્ટાચાર અંગે મેળવેલા પુરાવાઓ મુજબ તપાસ દરમિયાન પૂણેમાં કારાના સેક્રેટરીના રોકાણ માટેનું હોટેલ બિલ પ્રીત મંદિરે પોતે ચૂકવ્યું હતું. કારાના એક ભૂતપૂર્વ સેક્રેટરી અને તે પછી પ્રીત મંદિરના ભૂતપૂર્વ સલાહકાર રહી ચૂકેલા એક મહાનુભાવ પોતે જ પરવાના વિનાની એડોપ્શન એજન્સી ચલાવી રહ્યા છે. આરોપોને પગલે બાળકો દત્તક આપવા અંગે સસ્પેન્ડ કરાયેલું લાયસન્સ ૨૫મી જુલાઈ, ૨૦૦૮ના રોજ તો પ્રીત મંદિરને પાછું પણ મળી ગયું હતું અને કેસ હવે સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે. જ્યારે કિસાબાઈઓ, નાગરાણીઓ અને રમેશ કુલકર્ણીઓ હજુ આજે પણ ન્યાયની દેવીની તુલા સત્યનું પલ્લું ભારે કરે એની પ્રતીક્ષા કરી રહ્યા છે.

બાળકોની સંભાળ અને અનાથાશ્રમ જેવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલી કેટલીયે સ્વૈચ્છિક સંસ્થાઓએ આ પ્રકારના ઈન્ટર કન્ટ્રી એડોપ્શન સ્કેન્ડલ્સને અંજામ આપ્યા. વ્યક્તિઓ, દેશી સંસ્થાઓ, વિદેશી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત ઘણાંએ નિર્દોષ બાળકોનાં સ્મિત ખરીદીને પોતાનાં બદઈરાદા પાર પાડયાં. તેમાં ભીષણ ગરીબીમાં ભીંસાતા ઈથિઓપિયા જેવા દેશોની સાથે વસતી સમસ્યાથી પીડાતા ચીન જેવા દેશો સામેલ છે. વર્ષ ૧૯૯૩માં દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને શોષણ સામે બાળકોને રક્ષણ મળે અને એક દેશમાંથી બીજા દેશમાં બાળકને દત્તક લેવાની પ્રક્રિયામાં સહકાર મળે તે માટે હેગ એડોપ્શન કન્વેન્શન યોજાયું અને ૧૯૯૫થી તેના નિયમો અમલી બન્યા. જુલાઈ, ૨૦૧૬ સુધીમાં ૯૬ દેશોએ આ કન્વેન્શનને સમર્થન આપ્યું, જેને ભારતે વર્ષ ૨૦૦૩માં બહાલી આપી. હેગ એડોપ્શન કન્વેન્શનના ભાગરૂપે આંતર્દેશીય બાળક દત્તક લેવા માટેની જરૂરી કાર્યવાહીના અમલ માટે ભારત સરકારે કારાની સ્થાપના કરી.

ગયા મહિને કારા દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ વર્ષ ૨૦૧૫-૧૬માં ભારતીય માતા-પિતા દ્વારા દત્તક લેવાયેલા બાળકોની સંખ્યા પાંચ વર્ષના તળિયે, માત્ર ૩૦૧૧ બાળકો નોંધાઈ છે. ભારતીય માતા-પિતાઓ દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ વર્ષ ૨૦૧૧માં ૫,૯૬૪ બાળકો દત્તક લેવાયાં હતાં. એનાથી ઉલટું, વિદેશીઓ દ્વારા દત્તક લેવાયેલાં બાળકોની સંખ્યા ૬૬૬ બાળકો સાથે પાંચ વર્ષમાં સૌથી ઊંચી નોંધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન