Rain in 203 Tehsils in Last 10 hrs, Highest 10 inch Rainfall in Kalavad
  • Home
  • Featured
  • છેલ્લા 10 કલાકમાં 203 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કાલાવડમાં 10 ઈંચ વરસાદ

છેલ્લા 10 કલાકમાં 203 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કાલાવડમાં 10 ઈંચ વરસાદ

 | 5:31 pm IST

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. છેલ્લા 10 કલાકમાં 203 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. અને સવારે 6થી સાંજે 4 સુધી કાલાવડમાં કુલ 10 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પડધરીમાં 4 ઈંચ, ધ્રોલમાં 4 ઈંચ, ભચાઉ અને ખંભાળિયામાં પોણા ચાર ઈંચ અને લાલપુર-જામનગરમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજકોટમાં પણ મૂશળધાર વરસાદને પગલે આજી-3ના 15 દરવાજા ખોલાયા છે. વરસાદને પગલે જળાશયોમા નવા નીરની આવક થતાં આજી-3નાં 15 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે. તમામ ગેટને 1 ફૂટ જેટલાં ખોલવામાં આવ્યા છે. જ્યારે ગીર સોમનાથમાં ઉનાના બે ગામને જોડતો બ્રિજ ડુબ્યો છે. સંખેડા અને દુધાળા ગામને જોડતાં બ્રિજ પર રાવલ નદીનુ પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો. તો રાવલ નદીમાં પૂર જેવી સ્થિતિને કારણે માણેકપુર ગામ સંપર્કવિહોણું બન્યું હતું. પોરબંદરથી પરણવા માટે આવેલાં જાનૈયા પણ પાણીમાં ફસાયા હતા.

પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આદિત્યાણા મંદિરમાં પાણી અને અનેક નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જૂનાગઢમાં કેશોદના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં જોવા મળ્યો દરિયા જેવો માહોલ જોવા મળ્યો હતો. હજારો વિઘા જમીનમાં મગફળીના વાવેતરને નુકસાન થયું હતું.

વરસાદને કારણે જામનગર ધ્રોલનો ઉંડ-1 ડેમ ઓવરફ્લો થયો છે. ઉંડ-1 ડેમના 7 દરવાજા 3 ફૂટ ખોલાયા છે. એક જ દિવસમાં ડેમ ઓવરફ્લો થયો છે. ગઈકાલે ડેમ ફક્ત 15 ટકા ભરેલો હતો. જ્યારે અમરેલીનો ધાતરવડી ડેમ-1 ઓવરફ્લોની તૈયારીમાં છે. વરસાદને પગલે ડેમમાં 92 ટકા પાણીનો જથ્થો છે. તંત્ર દ્વારા નીંચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. અને કાંઠા વિસ્તાર પર અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

નવસારીના દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા છે. મોટી સંખ્યામાં યુવાનો ડેમ પર ઉમટ્યા હતા. દેવધા ડેમમાંથી 10 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. અમરેલીમાં શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. જામનગરમાં કાલાવડમાં વૉડીસાંગ ડેમ ઓવરફ્લો થયો છે. અમરેલીની સુરજવડી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો હતો.
ભારે વરસાદથી સ્થાનિક નદીઓ છલકાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન