Rajasthan Assembly elections 2023: political equations in rajasthan
  • Home
  • Columnist
  • એક્સ્ટ્રા કોમેન્ટ: શું હવે રાજસ્થાનમાં ઘીનાં ઠામમાં ઘી પડી ગયું?

એક્સ્ટ્રા કોમેન્ટ: શું હવે રાજસ્થાનમાં ઘીનાં ઠામમાં ઘી પડી ગયું?

 | 7:30 am IST
  • Share

  • રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2023માં યોજાવાની છે

  • કોંગ્રેસના મોવડીમંડળને થોડીક હાશ થાય એવી ઘટના આખરે રાજસ્થાનમાં બની છે

રાજસ્થાનની સરકારનું વિસ્તરણ થયું એમાં સચિન પાયલોટ જૂથના ચાર ધારાસભ્યોને પ્રધાનપદ આપવામાં આવ્યું છે. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે, મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે જે અંતર આવી ગયું હતું એ ઘટયું છે. બાકી તો સમય વિત્યે ખબર પડશે.

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2023માં યોજાવાની છે. હજુ બે વર્ષ જેટલો સમય છે. રાજસ્થાનના મતદારો દર પાંચ વર્ષે સરકાર બદલી નાખે છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટને આ માન્યતા તોડવી છે. એ માટે સાથે મળીને જ કામ કરવું પડશે

કોંગ્રેસના મોવડીમંડળને થોડીક હાશ થાય એવી ઘટના આખરે રાજસ્થાનમાં બની છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે જબરજસ્ત ડિસ્ટન્સ પેદા થઇ ગયું હતું, હવે બંને થોડાક નજીક આવ્યા છે. પંજાબમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુના ઝઘડાએ પંજાબમાં કોંગ્રેસની હાલત ખરાબ કરી નાખી છે. છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને આરોગ્ય મંત્રી ટી.એસ. સિંહદેવનાં જૂથો સામસામે ખાંડાં ખખડાવી રહ્યાં છે. આવા સમયમાં રાજસ્થાનનો મામલો થોડોક શાંત પડયો છે.

રાજસ્થાનમાં રવિવારે કેબિનેટ કક્ષાના અગિયાર અને રાજ્યકક્ષાના ચાર મળીને કુલ પંદર પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા. આ પંદરમાં ચાર પ્રધાનો સચિન પાયલોટ જૂથના છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે શપથવિધિ બાદ એવું પણ કહ્યું કે, જે લોકોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો એ લોકો શાંતિ રાખે. હજુ સંસદીય સચિવ, બોર્ડ અને નિગમોના ચેરમેન અને બીજાં ઘણાં પદો ભરવાનાં બાકી છે, એમાં તેમનો સમાવેશ કરી લેવામાં આવશે. સચિન પાયલોટ શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા હતા. ગેહલોત અને પાયલોટ બંનેની બોડી લેંગ્વેજમાં કોઇ નારાજગી વર્તાતી નહોતી અને અમારો હાથ ઉપર રહ્યો તેવું જતાવવાનો પણ કોઈ પ્રયાસ દેખાતો નહોતો. એ હિસાબે કહેવું પડે કે, બંને નેતાઓ ખૂબ જ મેચ્યોરિટીથી વર્ત્યા છે.

રાજસ્થાનનું રાજકારણ વિચિત્ર રહ્યું છે. રાજસ્થાનના મતદારો પણ રહસ્યમય રીતે વર્તે છે. 1998થી રાજસ્થાનમાં એક જ પક્ષની સરકાર બીજી વખત બની નથી. દરે પાંચ વર્ષે મતદારો સરકાર બદલાવી નાખે છે. ડિસેમ્બર 2018માં યોજાયેલી ચૂંટણીમાં પણ એવું જ થયું હતું. ગઇ ટર્મમાં ભાજપની સરકાર હતી અને વસુંધરા રાજે મુખ્યમંત્રી હતાં. ચૂંટણીમાં મતદારોએ ભાજપને જાકારો આપ્યો અને કોંગ્રેસની સરકાર બની. રાજસ્થાનમાં કોંગ્રેસને જિતાડવામાં અશોક ગેહલોતની સાથે સચિન પાયલોટનો હિસ્સો બહુ મોટો હતો. એક વર્ગને તો એવું લાગતું હતું કે, યંગ અને એનર્જેટિક સચિન પાયલોટને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

કોંગ્રેસે અશોક ગેહલોતને મુખ્યમંત્રી બનાવ્યા અને સચિન પાયલોટને ઉપમુખ્યમંત્રીપદ આપ્યું. એ પછી બંને વચ્ચે જામતું નહોતું. ગયા વર્ષે સચિન પાયલોટે કોંગ્રેસ અને સરકાર સામે બાંયો ચડાવવાની તૈયારી કરી લીધી હતી. મુખ્યમંત્રી ગેહલોતને ગંધ આવી ગઇ કે, સચિન પાયલોટ કંઈક નવાજૂની કરવાની ફ્રિાકમાં છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સામે બગાવત કરી હતી, એ જ રીતે સચિન પાયલોટ કરવા જઇ રહ્યા છે એવી ખૂબ ચર્ચાઓ થઇ હતી.

રાજસ્થાનમાં ભારતીય જનતા પક્ષ ખેલ પાડી દેશે અને કોંગ્રેસની સરકાર જશે એવા અણસાર વર્તાઇ રહ્યા હતા. અશોક ગેહલોતે બાજી સંભાળી લીધી. કોંગ્રેસના મોવડીમંડળે સચિન પાયલોટને મનાવી લીધા. એ વખતે સચિન પાયલોટ શું કરવા માંગતા હતા તેના વિશે જાતજાતની વાતો થઇ હતી. ગણતરીઓ ક્યાંક ખોટી પડી અને કોંગ્રેસની સરકારને કંઈ વાંધો આવ્યો નહીં.

રાજસ્થાનની સરકારમાં જે વમળો ઊભાં થયાં હતાં તેને એક વર્ષ કરતાં વધુ સમય થઇ ગયો છે. આ સમય દરમિયાન સચિન પાયલોટે કોઇ ઉધામા મચાવ્યા નથી. સરવાળે બંને નજીક આવ્યા છે. બંને હવે એવી વાત કરી રહ્યા છે કે, અમારું બધું જ ફેકસ માત્ર ને માત્ર 2023ના ઇલેક્શન પર છે. અમારે એ ભ્રમ તોડવો છે કે, રાજસ્થાનમાં દર વખતે સરકાર બદલાઈ જાય છે. કોંગ્રેસની સરકાર બીજી ટર્મમાં પણ આવશે. સારી વાત છે. હજુ બે વર્ષ જેટલો સમય છે. ગેહલોત અને પાયલોટની કંપની કેવું કામ કરે છે એના પર બધો આધાર રહેવાનો છે.

ભારતીય જનતા પક્ષ બીજાં રાજ્યોની સરખામણીમાં રાજસ્થાનમાં પ્રમાણમાં શાંત રહ્યો છે. આ વાતને એવી રીતે પણ કહી શકાય કે, ભાજપનો અહીં કોઇ મેળ પડયો નથી. ભાજપ વિશે એવું કહેવાતું રહ્યું છે કે, ભાજપ શાંત દેખાય તો પણ અંદરખાને એનું ઝીણું ઝીણું કાંતવાનું ચાલુ જ હોય છે. ભવિષ્યમાં જે થાય એ પણ અત્યારે તો ગેહલોત અને પાયલોટે બાજી સાચવી રાખી છે.

સચિન પાયલોટને ઉપમુખ્યમંત્રીપદેથી હટાવી દેવાયા એ પછી તેમની પાસે કોઇ સત્તા રહી નથી. કોંગ્રેસ પાસે યુવા નેતાઓની અછત છે ત્યારે સચિન પાયલોટને સાચવી રાખવા જરૂરી છે. એક વાત એવી છે કે, કોંગ્રેસ સચિન પાયલોટને કોઇ રાજ્યના પ્રભારી નિમશે અથવા તો સંગઠનમાં કોઇ મહત્ત્વનું પદ આપશે. કોંગ્રેસ વહેલીતકે કંઇક નિર્ણય લે એ જરૂરી છે, કારણ કે રાજકારણમાં કોઇ વ્યક્તિને નવરા બેસાડો તો એનું દિમાગ આડે રસ્તે ચાલવા લાગે છે.

સચિન પાયલોટ તો શાંત અને સમજુ છે એટલે અત્યાર સુધી શાંતિથી બેઠા રહ્યા, બાકી એ ઘણું કરી શક્યા હોત. કોંગ્રેસનાં વર્તુળોમાં એક ચર્ચા એવી પણ છે કે, 2023માં કોંગ્રેસ રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે સચિન પાયલોટને મેદાનમાં ઉતારશે. મુખ્યમંત્રી અશોક ગેહલોત 70 વર્ષના છે. ટર્મ પૂરી થશે ત્યારે એ 72 વર્ષના થઇ ગયા હશે. તેમની તબિયત પણ નરમગરમ રહે છે. અલબત્ત, 2023ની ચૂંટણી વખતે તેઓ છાનામાના બેસશે કે કેમ એ સવાલ છે.

કોંગ્રેસ પણ તેમને સાઇડલાઇન કરીને સચિન પાયલોટને કમાન સોંપી શકશે કે કેમ, એ વિશે પણ શંકા-કુશંકાઓ અને તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. આગામી સમયમાં શું થાય છે એ પરથી પિક્ચર ક્લિયર થશે. રાજસ્થાનમાં તો હાલપૂરતું બધું સમુંનમું થઇ ગયું, હવે કોંગ્રેસે છત્તીસગઢ પર ધ્યાન આપવું પડે એમ છે. છત્તીસગઢ વિશે અત્યારે ભલે એવું લાગતું હોય કે, બધું શાંત થઇ ગયું છે પણ અંદરખાને ચરુ ઉકળી રહ્યો છે. ભૂપેશ બધેલની જગ્યાએ આરોગ્ય મંત્રી ટી.એન. સિંહદેવ મુખ્યમંત્રી બનવા માટે ઉતાવળા થઇ રહ્યા છે.

કોંગ્રેસે એ ધ્યાન રાખવા જેવું છે કે, ત્યાં પંજાબ જેવું ન થાય. પંજાબમાં કોંગ્રેસની સ્થિતિ સારી હતી. નવજોતસિંહ સિદ્ધુને આગળ કરીને કોંગ્રેસે હાથે કરીને પોતાની ઘોર ખોદી. કેપ્ટન અમરિંદર સિંહ હટી ગયા અને તેમણે ભાજપ સાથે હાથ મિલાવી લીધા. કોંગ્રેસમાં નેશનલ લેવલે પણ હજુ બધું અધ્ધરતાલ છે. કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી વિશે કોઇ ક્લેરિટી દેખાતી નથી.

કોંગ્રેસ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે એ વાત સાચી પણ કોંગ્રેસ પાસે હજુ પણ બધું ઠીકઠાક કરીને બેઠા થવાની તક છે. આવતા વર્ષે સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. કોંગ્રેસ આ રાજ્યોમાં પણ જોઈએ એવી એક્ટિવ દેખાતી નથી. દેશ માટે અને લોકશાહી માટે મજબૂત વિરોધ પક્ષ આવશ્યક છે. તેના માટે કોંગ્રેસે વાતો, નિવેદનો અને ટ્વીટો ઉપરાંત ઘણું બધું કરવું પડે એમ છે.

 

 

 

 

 

 

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો