Rajkot Rains: Heavy Rainfall in different Parts of Districts, Nyari Dam Overflow
  • Home
  • Featured
  • રાજકોટમાં અનરાધારઃ નીંચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ન્યારી 2 ડેમ ઓવરફ્લો થતાં 6 દરવાજા ખોલાયા

રાજકોટમાં અનરાધારઃ નીંચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ન્યારી 2 ડેમ ઓવરફ્લો થતાં 6 દરવાજા ખોલાયા

 | 3:34 pm IST

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. તેવામાં રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે વહેલી સવારના છ વાગ્યાથી લઈ બપોરના બાર વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં મોસમનો કુલ છ ઈંચ જેટલો વરસાદ રાજકોટ શહેરમાં પડ્યો છે. રાજકોટ શહેરમાં વરસાદ અવિરત વરસાદ રહેવાના કારણે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. શહેરની પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થતું જોવા મળી રહ્યું છે. તો સાથો સાથ આજુબાજુના વિસ્તારમાં રહેતાં લોકોના ઘરની અંદર પણ બે ફૂટ જેટલાં પાણી ઘુસી ચૂક્યા છે.

તો વરસાદને કારણે રાજકોટમાં જામનગર રોડ પર આવેલો ન્યારી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં ન્યારી ડેમનાં 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. અને પાણી છોડવાને કારણે નીંચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર પાણી ભરાયા હતા. સતત પડી રહેલા વરસાદને પગલે પાણી ભરાયા છે. પાણી ભરાઈ જતાં લોકોની ગાડીઓ બંધ થઈ ગઈ હતી જેને કારણે ધક્કા મારીને લોકો કાર ચાલુ કરતાં જોવા મળ્યા હતા. જ્યારે રાજકોટ રેલ્વે સ્ટેશન રોડ પર વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું.

દેવભૂમિ દ્વારકામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 10 ઈંચ વરસાદને કારણે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર પૂર જેવી સ્થિતિ હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યા હતા. સંન્યાસ આશ્રમના હોલમાં પાણી ઘૂસ્યા હતા, તો હાઈવે પર આવેલા કબીર હોલમાં પણ પાણી ઘૂસી ગયા હતા. CPIની પોલીસ ચોકી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જ્યારે રેલવે સ્ટેશન રોડ પર મકાનોમાં પાણી ઘૂસ્યા હતા.

દેવભૂમિ દ્વારકાનો સતસાગર ડેમ ઓવરફ્લો થયો હતો. સતસાગર ડેમ ભાણવડને પાણી પૂરું છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે ભાણવડનાં ગ્રામજનોની પીવાના પાણી સમસ્યા દૂર થશે. જ્યારે વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ગોમતીઘાટ સહિતના કિનારે કરંટ જોવા મળ્યો છે. અને ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.

સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના કાલાવડમાં 5.84 ઈંચ નોંધાયો છે. જ્યારે રાજકોટમાં 3.44 ઈંચ, રાજકોટના પડધરીમાં 3 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને જામનગરના ધ્રોલમાં 2.84 ઈંચ, અમરેલીના જાફરાબાદમાં 2.60 ઈંચ, ગીર સોમનાથના ગીર ગઢડામાં 2.44 ઈંચ, જામનગરમાં 2.28 અને જામનગરના લાલપુરમાં 2.12 ઈંચ વરસાદ નોંધાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન