- 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
- પીએમ મોદી સહિત દિગ્ગજોને અપાયુ છે આમંત્રણ
- બાબરી મસ્જિદના પૂર્વ પક્ષકારને પણ અપાયુ આમંત્રણ
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટેની તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દરમિયાન બાબરી મસ્જિદના પૂર્વ પક્ષકાર ઈકબાલ અંસારીને આ ભવ્ય કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને લઇને તેઓએ ખુશી વ્યક્ત કરી હતી.
અયોધ્યા ખુશ અને હું પણ ખુશ
મહત્વનું છે કે ઇકબાલ અંસારીને શુક્રવારે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું હતું. RSS કાર્યકર્તાઓએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર વતી આમંત્રણ કાર્ડ સોંપ્યું છે. આમંત્રણને લઈને ઈકબાલ અન્સારીએ કહ્યું કે મને ખુશી છે કે ભગવાન રામની પ્રતિમા સ્થાપિત થવા જઈ રહી છે. અયોધ્યા હિન્દુ-મુસ્લિમ-શીખ-ખ્રિસ્તી સંવાદિતાની ભૂમિ છે અને તે હંમેશા રહેશે. સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો અને દેશભરના મુસ્લિમોએ તેનું સન્માન કર્યું. ક્યાંય વિરોધ કે દેખાવો થયા ન હતા. અયોધ્યાના લોકો ખુશ છે, હું પણ ખુશ છું.
'ભૂમિ પૂજન' સમારોહમાં થયા હતા સામેલ
મહત્વનું છે કે ઈકબાલ અંસારી બાબરી મસ્જિદના મોટા સમર્થક રહ્યા છે અને તેમને 5 ઓગસ્ટ, 2020 ના રોજ આયોજિત રામ મંદિરના 'ભૂમિ પૂજન' સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ પણ મળ્યું હતું. 30 ડિસેમ્બરે અયોધ્યામાં પીએમ મોદીના સ્વાગત કરવા માટે કતારમાં ઊભા રહેલા સેંકડો લોકોમાં ઇકબાલ અંસારી પણ હતા. એક વીડિયોમાં ઈકબાલ વડાપ્રધાનના કાફલા પર ફૂલ વરસાવતા પણ જોવા મળ્યા હતા.









