- વાસ્તુકલાના ઇતિહાસમાં રામમંદિર જેવી વાસ્તુકલાનો વિશ્વમાં જોટો જડે તેમ નથી :સોમપુરા
- PoKના શારદા કુંડનું પવિત્ર જળ વાયા બ્રિટન ભારત આવ્યું
- રેતાળ જમીન પર મંદિર પડકારરૂપ : નૃપેન્દ્ર મિશ્રા
અયોધ્યામાં રામમંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર બનીને તૈયાર થઈ ચૂક્યો છે. 22 જાન્યુઆરીએ રામમંદિરનું ઉદ્ઘાટન થશે. ભવ્ય રામમંદિર પરંપરાગત ભારતીય વાસ્તુકલાના વારસાનું શાનદાર ઉદાહરણ છે. તેના નિર્માણમાં એવી તકનીકનો ઉપયોગ થયો છે કે તે સદીઓ સુધી આવું જ રહેશે. રસપ્રદ વાત એ છે કે રામમંદિર નિર્માણમાં લોખંડ અને પોલાદનો લેશમાત્ર ઉપયોગ થયો નથી. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે,'મંદિર 1,000થી વધુ વર્ષ ચાલે તે રીતે તૈયાર થયું છે. વિજ્ઞાનીઓએ તેને તે રીતે સ્ટ્રક્ચર કર્યું છે.'
ચંદ્રકાંત સોમપુરાએ રામમંદિર આર્કિટેક્ચર ડિઝાઇનને નાગર શૈલીમાં તૈયાર કરી છે.15 પેઢીઓથી તેમનું કુટુંબ 100થી વધુ મંદિરોની ડિઝાઇન તૈયાર કરી ચૂક્યો છે. મંદિર ડિઝાઇન નાગર શૈલી કે ઉત્તર ભારત મંદિરની
ડિઝાઇનમાં તૈયાર થયેલી છે. સોમપુરાનું કહેવું છે કે,' વાસ્તુકલાના ઇતિહાસમાં રામમંદિર જેવા આક્રિટેક્ચરનો જોટો ભારત જ નહીં પણ વિશ્વમાં જડે તેમ નથી.'નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે ત્રણ માળના મંદિરનું કુલ ક્ષેત્રફળ 2.7 એકર છે. 57,000 ચોરસ ફૂટ વિસ્તારમાં તે તૈયાર થયું છે. તેમણે કહ્યું કે રામમંદિરમાં લોખંડ કે પોલાદનો ઉપયોગ નથી થયો, કેમ કે લોખંડની આવરદા માત્ર 80-90 વર્ષની જ હોય છે. મંદિરની ઊંચાઈ 161 ફૂટ અર્થાત કુતુબમિનારની ઊંચાઈથી લગભગ 70 ટકા હશે.
PoKના શારદા કુંડનું પવિત્ર જળ વાયા બ્રિટન ભારત આવ્યું
અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા માટે ભક્તોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક મુસ્લિમ યુવાને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આવેલા શારદા પીઠ કુંડમાંથી પવિત્ર જળ એકત્ર કરીને તેને પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપયોગમાં લેવા માટે બ્રિટનથી ભારત મોકલ્યુ હતું. અહેવાલો અનુસાર સેવ શારદા કમિટી કાશ્મીરના સંસ્થાપક રવિન્દર પંડિતે કહ્યું હતું કે પુલવામા એટેક અને બાલાકોટ સ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની પોસ્ટ સેવા બંધ થવાને કારણે પવિત્ર જળને લાંબા રૂટથી મોકલવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું હતું કે પીઓકે સ્થિત શારદા પીઠ કુંડમાંથી તનવીર એહમદ નામના મુસ્લિમ યુવાન અને તેમની ટીમે પવિત્ર જળ એકત્ર કર્યુ હતું અને તે જળને એલઓસી પાર નાગરિક સમાજના અમારા સભ્યો ઇસ્લામાબાદ લઇ ગયા હતા અને ત્યાંથી તે જળને બ્રિટનમાં તેમની પુત્રી મગરિબીને મોકલાયું હતું. મગરિબીએ તે જળ કાશ્મીરી પંડિત કાર્યકર્તા સોનલ શેરને સોંપ્યું હતું, જે ઓગસ્ટ 2023માં અમદાવાદ આવી હતી અને પછી ત્યાથી જળ અયોધ્યા આવ્યું હતું.
રેતાળ જમીન પર મંદિર પડકારરૂપ : નૃપેન્દ્ર મિશ્રા
નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે સરયૂ નદી હોવાથી મંદિર નીચેની જમીન રેતીલી અને અસ્થિર હતી. તેવામાં મંદિર નિર્માણ પડકારરૂપ હતું. પરંતુ વિજ્ઞાનીઓએ સમસ્યાનું સમાધાન શોધી કાઢયું. રામંચરલાએ કહ્યું કે સૌ પહેલાં, સમગ્ર મંદિર ક્ષેત્રની માટી 15 મીટરની ઊંડાઈ સુધી ખોદવામાં આવી. ક્ષેત્રમાં 12-15 મીટર ઊડે સુધી એન્જિનિયર્ડ માટી પાથરવામાં આવી. સ્ટીલ-રી-બારનો કોઈ ઉપયોગ નથી થયો.