• ડીએમકેની સરકારે રામમંદિર પ્રસારણનો પ્રતિબંધ મૂક્યો
  • કોઈપણ મૌખિક આદેશનું પાલન કરવાં બંધાયેલ નથી
  • હિન્દુ વિરોધી ડીએમકે સરકારે પોલીસનો દુરુપયોગ કર્યો

સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુ સરકારને નોટિસ પાઠવીને કહ્યું કે, રામ મંદિરના ઉદ્ઘાટનના લાઈવ ટેલિકાસ્ટની પરવાનગી નકારી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડીએમકેની આગેવાનીવાળી સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના જીવંત પ્રસારણ પર કથિત રીતે પ્રતિબંધ મૂક્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, પરવાનગી માત્ર એટલા માટે નકારી શકાય નહીં કારણ કે, અન્ય સમુદાયો પડોશમાં રહે છે. સુપ્રીમ કોર્ટે સોમવારની સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકારને કહ્યું કે, 'આ એક સમાન સમાજ છે, માત્ર અન્ય સમુદાયો છે તેના આધારે તેને રોકશો નહીં.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે, તામિલનાડુના મંદિરોમાં અયોધ્યામાં અભિષેક સમારોહના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ મૂકતા 20 જાન્યુઆરીના મૌખિક આદેશને રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે, કોઈપણ મૌખિક આદેશનું પાલન કરવાં બંધાયેલ નથી. બેન્ચે તમિલનાડુના વરિષ્ઠ વકીલ અમિત આનંદ તિવારીના નિવેદનને રેકોર્ડ પર લીધું હતું કે, મંદિરોમાં પૂજા અર્ચનાના જીવંત પ્રસારણ પર અથવા અયોધ્યાના અભિષેક સમારોહ પર કોઈ પ્રતિબંધ નથી.

કોઈપણ મૌખિક આદેશ પર કામ ન કરવુંઃ સુપ્રિમ કોર્ટ

તમિલનાડુ સરકારના વકીલે કહ્યું કે, આ અરજી રાજકીય રીતે પ્રેરિત છે. બેન્ચે સત્તાવાળાઓને કારણો રેકોર્ડ કરવા અને પૂજા અર્ચના માટે પરવાનગી આપવામાં આવેલી અરજીઓ પર ડેટા તૈયાર કરવા જણાવ્યું હતું. ખંડપીઠે તામિલનાડુ સરકાર પાસેથી અરજી પર 29 જાન્યુઆરી સુધીમાં જવાબ પણ માંગ્યો છે. આ અરજી વિનોજ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ડીએમકે સંચાલિત તમિલનાડુ સરકારે પ્રાણ પ્રતિષ્ઠાના લાઇવ ટેલિકાસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, રાજ્ય સરકારે આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે અધિકારીઓને કાયદા મુજબ કામ કરવા અને કોઈપણ મૌખિક આદેશ પર કામ ન કરવા કહ્યું. કોર્ટે કહ્યું કે, અમને વિશ્વાસ છે અધિકારીઓ કાયદા મુજબ કામ કરશે. કોર્ટે કહ્યું કે, અધિકારીઓએ સંબંધિત પરિમાણોને ધ્યાનમાં રાખવા પડશે.

નાણામંત્રીનો રાજ્ય સરકાર પર પ્રહાર

તમિલનાડુ સરકાર પર પ્રહાર કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, દુર્ભાગ્યે હિન્દુઓને નફરત કરતી ડીએમકે સરકાર દ્વારા પોલીસનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. શું કોઈપણ નાગરિકને PMનો કાર્યક્રમ જોવાની મનાઈ કરી શકાય? ડીએમકે વડાપ્રધાન પ્રત્યે પોતાની અંગત નફરત દર્શાવી રહી છે અને પૂજા કરનારાઓને દબાવી રહી છે. જે લોકો રામની પૂજા કરવા માગે છે તેઓને આ જોવાનું ગમશે. મારા પૂજાના અધિકારનું ઉલ્લંઘન કરવાનો શું અધિકાર છે? આ મારા અને દરેક હિન્દુના અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

  • Follow us on: