Read The 10th Part of Novel Swayamprabha by Devendra Patel
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • સ્વયંપ્રભા પ્રકરણ-10: સ્વાતિ બોલી- મારી બહેન નહીં પરણે તો હું પણ કુંવારી રહીશ

સ્વયંપ્રભા પ્રકરણ-10: સ્વાતિ બોલી- મારી બહેન નહીં પરણે તો હું પણ કુંવારી રહીશ

 | 7:00 am IST
  • Share

નવલકથાઃ પ્રકરણ-૧૦

દૂર પૂર્વમાંથી સૂરજ ડોકાઈ રહ્યો છે. પંખીઓ ક્યારનાંયે કલરવ કરી રહ્યાં છે. ગામ આખુંયે આળસ મરડીને બેઠું થઈ રહ્યું છે. વસંતરાય રોજની ટેવ મુજબ ક્યારનાય નાહીધોઈને સેવાપૂજાની તૈયારી કરી રહ્યા છે. સ્વચ્છ અબોટિયું પહેરીને પૂજાની દીવી અજવાળતાં ‘શ્રીકૃષ્ણ શરણં મમ્’ બોલી રહ્યા છે. વાસંતીબહેન તુલસીક્યારાને પાણી રેડી રહ્યાં છે.

વસંતરાયે બૂમ મારીઃ ‘મગન…! જમાઈરાજ ઊઠયા હોય તો…એમને દાતણ આપજે.’

દરમિયાન મગને દોડતાં દોડતાં આવીને કહ્યું: ‘બાપુજી! શાશ્વતકુમાર એમના રૂમમાં નથી.’

‘એ ત્યાં નહીં હોય તો અગાશી પર હશે.’ વસંતરાયે હસતાં હસતાં કહ્યું.

‘ના… ત્યાં પણ નથી.’

વસંતરાય ગંભીર બન્યા. વાસંતીબહેને પૂછયું: ‘એવું ના બને…પાછળ વાડામાં જો.’

‘ત્યાં પણ નથી.’

‘તો સવારે વહેલા ઊઠીને ફરવા ગયા હશે.’ વસંતરાયે વિચાર્યું.

મગને કહ્યું: ‘ના..ના…એમના રૂમમાં એમની બેગ પણ નથી.’

અને વાસંતીબહેનના હાથમાંથી જળ ભરેલો લોટો સરકી ગયો. એ લોટો રગડતો રગડતો બીજી તરફથી આવી રહેલી સ્વયંપ્રભાના પગ પાસે જઈ અટક્યો. લોટાને ઉપાડી લેતાં સ્વયંપ્રભા બોલીઃ ‘હા, બાપુજી! એમનો રૂમ હું જોઈ આવી. એ જતા રહ્યા.’

‘પણ કાંઈ કારણ?’

સ્વયંપ્રભાએ રસોડાના બારણે ઊભેલી સ્વાતિ તરફ નજર નાખી. એક ઊંડો શ્વાસ લીધો અને બોલીઃ ‘કાંઈ નહીં બાપુજી, એમને અચાનક કાંઈ કામ આવી પડયું હશે એટલે જતા રહ્યા લાગે છે.’

‘કામ!’ વસંતરાય બોલ્યાઃ ‘દુનિયા તો મેંય ખૂબ જોઈ છે બેટા, શાશ્વતકુમાર એક ગુણિયલ છોકરો છે. તે આમ સાવ અવિવેક કરીને કારણ વગર જતો રહે નહીં…નક્કી આપણી કાંઈક ભૂલ થઈ હોવી જોઈએ.’

એમ કહીને તેમને કોઈનીયે વાત પર વિશ્વાસ ન આવતો હોય તેમ ખુદ મેડી પર જઈ આવ્યા અને પાછા નીચે ઊતરતાં તેમના તો પગ જ જાણે કે ભરાઈ ગયા.

થોડી વાર પછી મેડી પર.  

સ્વાતિ અંદરના ખંડમાં એક થાંભલાને બાજી ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી છે. સ્વયંપ્રભા તેની બાજુમાં ઊભી છે. તેના હાથમાં પત્ર છે.

સ્વયંપ્રભાએ ગંભીરતાથી પૂછયું: ‘સ્વાતિ! તેં શા માટે આમ કર્યું? તેં કરેલી ભૂલ કેટલી ગંભીર છે એની તને ખબર છે? તારા કારણે જ એ કોઈને કહ્યા વગર જતા રહ્યા.’

સ્વાતિ હૈયાફાટ રડી રહી હતી. એણે રડતાં રડતાં જ નાની બાળકીની જેમ ભોળાભાવે કહેવા માંડયું: ‘બહેન, મારી ભૂલ હું કબૂલ કરું છું. મેં તો ગમ્મત ખાતર જ કર્યું હતું. તારી પર એમનો કાગળ આવ્યો ત્યારે મેં વાંચ્યો અને મને માત્ર મજાક માટે તારા નામે એમને જવાબ આપવાનું મન થઈ આવ્યું.’

એટલું બોલતાં બોલતાં સ્વાતિ હીબકાં લેવા માંડી. સ્વયંપ્રભા ધીમેથી સ્વાતિની નજીક પહોંચી. એણે વહાલથી સ્વાતિની પીઠ પર હાથ ફેરવતાં સ્વાતિને છાની રાખવા પ્રયાસ કર્યોઃ ‘સારુ, કાંઈ વાંધો નહીં…પણ તું રડ નહીં.’

સ્વાતિએ ચાલુ રાખ્યું: ‘બહેન, મેં તારા નામે જે પત્ર લખ્યો તેનો ફરી જવાબ આવ્યો હતો. પણ મેં તને બીકને કારણે બતાવ્યો નહોતો. નેં મેં ફરીથી તારા જ નામે એમને જવાબનો જવાબ લખ્યો. ને એમ હું પત્રો લખતી જ ગઈ. પછી તો તને કહેવાની મારામાં હિંમત જ નહોતી…પણ બહેન! તારા સમ…મારા મનમાં પાપ નહોતું.’

એટલું કહેતાં જ સ્વાતિ દીકરી માને વળગી પડે એમ સ્વયંપ્રભાને બાઝી પડી.

સ્વાતિ બોલતી જ રહીઃ ‘મને ખબર નહોતી કે મારી ભૂલનું આટલું ગંભીર પરિણામ આવશે. મને માફ કરી દે બહેન…પ્લીઝ!’

સ્વાતિની આંખમાંથી વહી રહેલાં અઢળક ઝળઝળિયાં મોંમાંથી નીકળતી લાળ સ્વયંપ્રભાને ભીંજવી રહી હતી. સ્વયંપ્રભાએ સ્વાતિને સ્વસ્થ કરવા પ્રયાસ કર્યો. સ્વાતિના માથા પર હાથ ફેરવ્યો. પોતાના પાલવથી એની આંખો અને મોં લૂછયાં. સ્વયંપ્રભા બોલીઃ ‘હવે રડવાનું નહીં, એટલામાં તો જો…કેવી રાતીચોળ થઈ ગઈ તારી આંખો…’

સ્વયંપ્રભાએ સ્વાતિને પોતાના ઉર સાથે વળગાડી એના વાંસા પર હાથ ફેરવ્યા કર્યો. એનું માથું ચૂમી લીધું. પણ સ્વયંપ્રભાની આંખની કોરમાંથી ઊભરી રહેલાં પૂર શાયદ સ્વાતિ નિહાળી શકી નહીં.

રામનગર ગામના વિશાળ વશેશ્વર તળાવની પાળ પરના એ જ પલાશના વૃક્ષની નીચે સુકુમારના ખોળામાં માથું નાંખીને સ્વાતિ રડી રહી છે. એનાં હીબકાં અટકતાં જ નથી. સુકુમાર એને સાંત્વના આપે છે.

સુકુમાર બોલ્યોઃ ‘હવે ના રડ, સ્વાતિ. જે થવાનું હતું તે થઈ ગયું. હવે રડવાથી કોઈ જ ફાયદો નથી. નિયતિએ જે નક્કી કર્યું હશે તે જ થશે.’

સ્વાતિ રડતાં રડતાં બોલીઃ ‘પણ મારા મનમાં કોઈ જ પાપ નહોતું. હું તો તને જ ચાહું છું. મારા મનમાં તારા સિવાય બીજું કોઈ નથી. મેં તો માત્ર મજાક ખાતર જ જીજાજીને મારી બહેનના નામે પત્ર લખ્યા હતા. હું તો માત્ર સરપ્રાઈઝ આપવા માંગતી હતી પણ તેનું આવું ગંભીર પરિણામ આવશે તેની મને ખબર નહોતી.’

સુકુમાર બોલ્યોઃ ‘તારા જીજાજી કોઈનેય કહ્યા વગર જતા રહ્યા એ એક ગંભીર બાબત છે તું ફરી પત્ર લખીને માફી માંગી લે.’

‘હવે મારી એમને પત્ર લખવાની કોઈ જ હિંમત નથી. માઝૂમમાંથી ઘણું પાણી વહી ગયું છે. હવે કોઈ જ અર્થ નથી.’

‘વેઈટ એન્ડ વોચ!’

સ્વાતિ બોલીઃ ‘મને ખબર છે કે મારી બહેન તો મને માફ કરી દેશે પણ જીજાજી મને કદી માફ નહીં કરે. અને મારી બહેન તો બહુ જ સમજદાર છે. ગંભીર પ્રકૃતિની છે. મોટા મનની છે પણ જીજાજીનું શું?’

‘એ પણ તને માફ કરી દેશે.’

‘અને માફ નહીં કરી દે તો?’

સુકુમાર બોલ્યોઃ ‘એ તારે નક્કી કરવાનું: ક્યાં સુધી તું આવાં તોફાન-મસ્તી કરતી રહીશ?’

સ્વાતિ રડતાં રડતાં બોલીઃ ‘ભગવાને મને બનાવી છે જ એવી, પણ એક વાત કહી દઉં તને. ધ્યાનથી સાંભળ. શાશ્વતકુમાર મારી બહેનને નહીં પરણે તો હું પણ જિંદગીભર કુંવારી રહીશ. હું નાની છું પણ મક્કમ મનની છું.’

‘એટલે મારે પણ કુંવારા રહેવાનું?’

‘એ તારે નક્કી કરવાનું.’

‘ઓહ!’

સ્વાતિ બોલીઃ ‘સુકુમાર, મને તો થાય છે કે આજે જ હું આ તળાવમાં કૂદી પડીને મરી જાઉં.’

‘એવું ના વિચાર સ્વાતિ, આત્મહત્યા પાપ છે.’

સ્વાતિ બોલીઃ ‘આમેય મેં મારી બહેનના નામે જાજીજાને પત્રો લખીને એક પાપ તો કર્યું જ છે, તો હવે એક વધુ.’

‘એવું ના બોલ. મારો તો વિચાર કર.’

સ્વાતિ બોલીઃ ‘સુકુમાર, મારી બહેનનું દુઃખ હું જોઈ શકીશ નહીં.’

એણે જિંદગીમાં કોઈ પાપ કર્યું નથી. અત્યંત પવિત્ર છે. એ તો બોલ્યા વગર જ શાશ્વતને દિલ દઈ બેઠી હતી. હવે શાશ્વત સગાઈ તોડી નાંખશે તો મારાથી મારી બહેનનું દુઃખ જોઈ શકાશે નહીં.

‘એવું નહીં થાય.’

‘તો તેઓ વહેલી સવારે કોઈનેય કહ્યા વગર ઘર છોડીને કેમ જતા રહ્યા?’

‘થોડી વાર માટે શાશ્વતને ગુસ્સો આવ્યો હશે પણ સમય જતા એ ગુસ્સો ઊતરી જશે. આમેય સ્વયંપ્રભાનો તો કોઈ વાંક જ નથીને!’

સ્વાતિ બોલીઃ ‘એ જે હોય તે, ભૂલ તો મારી જ હતીને! મારી બહેનનું દુઃખ હું કદીય જોઈ નહીં શકું. અમારી બંનેની પ્રકૃતિ અલગ છે પણ આત્માથી અમે એક જ છીએ. મારી બહેનનું સુખ એ મારું સુખ છે અને મારી બહેનનું દુઃખ એ મારું દુઃખ છે. સ્વયંપ્રભાને હું કદી દુઃખી જોઈ શકીશ નહીં. એના સુખ માટે હું મારો જીવ આપી દઈશ. મારે હવે જીવવું નથી.’

સુકુમારે સ્વાતિના માથે હાથ ફેરવતાં કહ્યું. ‘જો સ્વાતિ, એક દિવસ બધાએ જ મરવાનું છે પણ મૃત્યુ પહેલાં કોઈને ઉપયોગી બનીને મરવું તે જ શ્રેષ્ઠ મૃત્યુ છે.’

સ્વાતિ તેને ધ્યાનથી સાંભળી રહી. તે હજુ હીબકાં ભરતી હતી. રડતાં રડતાં તે એટલું જ બોલીઃ ‘હા, સુકુમાર મારે પણ મરતાં પહેલાં કોઈને ખપ લાગવું છે.’

‘એટલે?’

સ્વાતિ બોલીઃ ‘સુકુમાર, તને કોઈ સારી છોકરી મળે તો પરણી જજે. મને ભૂલી જા…બસ, આટલું કહેવા જ આજે અહીં આવી છું.’

સુકુમાર સ્તબ્ધ થઈને સાંભળતો રહ્યો. એટલામાં દૂર ક્ષિતિજમાંથી કાળાં ડિબાંગ વાદળો ધસી આવતાં જણાયાં. દૂર દૂર મેઘગર્જના પણ થઈ રહી. પણ વરસાદ ના પડયો તે ના જ પડયો.

સાંજનો સમય  

આજે પણ રામનગરના મંદિરમાં સાંધ્યઆરતી થઈ. નગારું જોરજોરથી વાગી રહ્યું ઘંટારવ પૂરો થયો. સ્વયંપ્રભાએ રોજની જેમ જ આરતી ગવરાવી અને તે પછી મંદિરમાં એકઠા થયેલા ભક્તોને પ્રસાદ વહેંચતી રહી. છેલ્લે લાઈનમાં ઊભેલા કિરણને જોઈ સ્વયંપ્રભા બોલીઃ ‘કિરણ, આજે તું આ મંદિરમાં?’

‘હા…મને પણ પ્રસાદ આપ સ્વયંપ્રભા’: કિરણ બોલ્યો

સ્વયંપ્રભાએ કિરણને પ્રસાદ આપ્યો અને ચહેરાના ભાવ છુપાવી સ્વયંપ્રભા પ્રસાદ લઈ અંદરના ભાગમાં જતી રહી. ધીમેધીમે ભક્તો વિખરાઈ ગયા. હવે અંધારું થવા આવ્યું હતું. સ્વયંપ્રભા સહુથી છેલ્લે ઘેર જવા માટે મંદિરનાં પગથિયાં ઊતરી રહી. એણે જોયું તો મંદિરની બહાર ઓટલીમાની દહેરી પાસે આછા ઉજાસમાં કિરણ એકલો ઊભો હતો.

સ્વયંપ્રભાને જોઈ કિરણ બોલ્યોઃ ‘સ્વયંપ્રભા!’

સ્વયંપ્રભા કિરણને જોઈ બોલીઃ ‘કિરણ…,હજુ તું અહીં ઊભો છે?’

‘હા.’

‘કેમ?’

કિરણ બોલ્યોઃ ‘કાંઈ પૂછું?’

‘પૂછને’.

કિરણ બોલ્યોઃ ‘શાશ્વત આવ્યો હતો. તારા ઘેર આવતા પહેલાં તે મને રસ્તામાં મળ્યો હતો. તારી સાથેની સગાઈની વાત એણે જ મને કરી. સારો છોકરો છે, તને કેવો લાગ્યો?’

સ્વયંપ્રભા મૌન રહી.

‘કેમ કાંઈ બોલી નહીં?’

સ્વયંપ્રભા બોલીઃ ‘કેટલાક પ્રશ્નોના જવાબમાં મૌન પણ એક વાણી છે.’

‘એટલે?’

સહેજ નિસાસો નાખતાં સ્વયંપ્રભા બોલીઃ ‘બસ, કાંઈ જ નહીં.’

કિરણ બોલ્યોઃ ‘જો સ્વયંપ્રભા, હું તારો સહૃદયી મિત્ર છું. મને કહે…કાંઈ થયું છે? તારા સ્વરમાં કોઈ દુઃખ જણાય છે.’

‘એવું કાંઈ જ નથી.’

‘પણ મને કહે તો ખરી?’

સ્વયંપ્રભા બોલીઃ ‘મારે કાંઈ કહેવું નથી.’

કિરણ બોલ્યોઃ ‘સ્વયંપ્રભા, હું તને ભીતરથી જાણું છું, તું દુઃખ સહન કરવા ટેવાયેલી છે. તારા દુઃખમાં હું સહભાગી થઈશ. પણ મને એટલું તો કહે કે શું કાંઈ બન્યું છે?’

અને સ્વયંપ્રભાના ગળે ભરાયેલો ડૂમો કિરણ સાંભળી ન જાય તે રીતે મોં પર હાથ મૂકી ઘર તરફ ચાલી ગઈ. કિરણ એને અંધારામાં જતી જોઈ રહ્યો. સ્વયંપ્રભાએ દબાવી રાખેલું ડૂસકું હવે કોઈએ સાંભળ્યું નહીં.

લેડી લીલાવતીનો બંગલો.  

અંગ્રેજોના જમાનામાં જેમનો જબરદસ્ત વટ હતો તેવા રાવસાહેબના સ્વર્ગવાસ પછી પણ અકબંધ હતો. લેડી લીલાવતીના બંગલામાં માનવીઓથી માંડીને ઝાડ-પાન અને વેલાઓને પણ શિસ્ત પાળવી પડતી. આ ભવ્ય બંગલામાં પ્રવેશ પહેલાં કંપાઉન્ડની અંદરની ઝાડીને પસાર કરવી પડે તેવા સાંકડા પણ સ્વચ્છ રસ્તા પર એક ટેક્સી હોર્ન મારતી પ્રવેશી. ટેક્સીમાં શાશ્વત બેઠો હતો. પોર્ચમાં ટેક્સી ઊભી રહી. શાશ્વતે પૈસા ચૂકવી ટેક્સી રવાના કરી. સ્વરૂપવાન મહિલા સેક્રેટરીએ શાશ્વતને આવકાર્યોઃ ‘મે આઈ હેલ્પ યુ?’

શાશ્વત ઘડીભર એ બ્યુટીને માણી રહ્યો અને બોલ્યોઃ ‘યસ…સર્ટેનલી.’

સેક્રેટરીએ પૂછયું: ‘આપનું નામ?’

શાશ્વતે કહ્યું: ‘નામના બદલામાં નામ…પહેલાં આપનું નામ કહો.’

‘ઓહ!’ તે બોલીઃ ‘હું લેડી લીલાવતીની નવી સેક્રેટરી છું…’

‘બ્યુટીફૂલ.’

‘થેંક યુ…આપે એપોઈન્ટમેન્ટ લીધેલી છે?’

‘ના…મેડમ.’

‘તો લેડી નહીં મળી શકે.’

‘ઓહ! પણ મારે અરજન્ટ કામ છે….તમે મારું કાર્ડ મોકલી આપોને.’

‘વેલ! હું ટ્રાય કરીશ. લાવો કાર્ડ આપો મને.’

શાશ્વતે ખિસ્સામાંથી કાઢીને કાર્ડ આપ્યું. સેક્રેટરી કાર્ડ લઈ ચાલી ગઈ. શાશ્વત નિરાંતે સોફા પર બેઠો અને પગ સામેની ટિપોય પર લંબાવ્યા.

સેક્રેટરીએ અંદરથી પાછા ડોકાઈ બૂમ મારીઃ ‘સર! આ તમારા બાપનું ઘર નોય…સીટ પ્રોપર્લી.’

શાશ્વતે ટિપોય પરથી પગ ઉતારી લીધા. સેક્રેટરી જતી રહી. શાશ્વતે ફરીથી ટિપોય પર પગ લંબાવી બાજુમાં પડેલું મેગેઝિન ફેંદવા માંડયું.

ડ્રોઇંગરૂમમાં ગોળ ફરતો મોટો દાદર ઉપરના ખંડો તરફ જતો હતો. છેક ઉપરથી સેક્રેટરીએ બૂમ મારીઃ ‘મિ.શાશ્વત!’

શાશ્વતે ટિપોય પરથી પગ ઉતારી લેતાં જોયું તો સેક્રેટરીની પાછળ લેડી લીલાવતી ઊભાં હતાં. વય છતાં એમનો ચહેરો હજુયે જાજવલ્યમાન અને રૂઆબદાર હતો. ગોલ્ડન ફ્રેમનાં ચશ્માં અને શ્વેત સાડીમાં કોઈ સમ્રાજ્ઞાી ઊભાં હોય તેવી તેમની પ્રતિભા હતી.

સેક્રેટરીએ લેડી લીલાવતી વતી જાણે કે આદેશ આપ્યોઃ ‘ઉપર આવો.’

શાશ્વત ઊભો થયો. અને પગથિયાં ચડી રહ્યો.

શાશ્વત નજીક પહોંચતાં લેડી લીલાવતીએ કાર્ડ તપાસીને પૂછયું: ‘શું નામ છે તમારું?’

‘શાશ્વત.’

‘ક્યાંક સાંભળ્યું હોય એમ લાગે છે.’

‘યુ આર રાઈટ…હમણાં જ આપના સેક્રેટરીએ એમના મધુર કંઠે મારું નામ ઉચ્ચાર્યું હતું.’

‘હં…’ લેડી લીલાવતીએ કહ્યું: ‘એ તો ઠીક છે…પણ આ બંગલાના કંપાઉન્ડમાં હોર્ન મારવાની મનાઈ છે. છતાં તમારી ગાડી ભોં…ભોં કરતી દાખલ થઈ. ડ્રોઇંગરૂમમાં તમે ટિપોય પર પગ મૂકીને લાટસાહેબની જેમ બેઠા…વગર એપોઈન્ટમેન્ટે મળવા આવ્યા…શર્ટનું એક બટન ખુલ્લું છે…માથાના વાળ બરાબર કાપેલા નથી…બૂટ પર ધૂળ ચડેલી છે…અને છેલ્લે શેવ ક્યારે કરી હતી?’

‘પણ મમ્મી!’ શાશ્વત બોલ્યો.

અને સેક્રેટરી ચોંકી ગઈ. આ લોકો મા-દીકરો છે એની એને પહેલેથી જ વાર ખબર પડી.

લેડી લીલાવતીઃ ‘વ્હોટ મમ્મી! આટલી વારથી તું ઊભો રહ્યો છે…તેં હજી ચરણસ્પર્શ કર્યાં નથી…હું આ બધું…’

‘આઈ એમ સો સોરી મમ્મી!’ કહેતાં શાશ્વતે ચરણસ્પર્શ કર્યાં.

લેડી લીલાવતીએ એને બેઠો કરી ગાલ પર વહાલભર્યું ચુંબન કર્યું.

સેક્રેટરી તો આભી બની મા-દીકરાનું આ નાટક નિહાળી જ રહી.

લેડીએ શાશ્વતની સાથે બાકીનાં પગથિયાં ચઢતાં પૂછયું: ‘શાશ્વત! તારું એમ.એસ. હવે ક્યારે પૂરું થાય છે?’

‘આવતા મહિને…પણ એમ શા માટે પૂછવું પડયું મમ્મી?’

‘જસ્ટ…એક નાનું કામ છે.’

‘શું?’

‘તારાં લગ્નનું.’

‘લગ્ન એ નાનકડું કામ છે?’

‘એમાં તારે બેચાર કલાક જ બગાડવાના છે.’

‘મમ્મી, મારે બેચાર કલાકમાં નથી પરણવું.’

‘શટ…અપ…ચાલ હવે તને સ્વયંપ્રભાનો ફોટોગ્રાફ બતાવું.’

‘એ તો સુંદર છે.’

લેડી ચોંક્યાં: ‘તને શી રીતે ખબર?’

‘મેં એને જોઈ છે. મમ્મી, મને હવે બહુ પ્રશ્નો ન પૂછશો,નહીંતર સાચું કહેવાઈ જશે.’

‘સાચું એટલે?’

‘સાચું એ જ છે કે સ્વયંપ્રભા સુંદર પત્ની બની શકે એવી છે અને મારી સાળી સ્વાતિ સુંદર પ્રેયસી. પણ મમ્મી, હું રામનગરથી કોઈને પણ કહ્યા વગર પાછો આવી ગયો. કારણ કે મારી સાળીએ મને એક સર્પરાઈઝ આપી એટલે મેં પણ એ લોકોને એક સાયકોલોજિકલ શોક આપ્યો અને એમને કહ્યા વગર પાછો આવી ગયો.’

લેડીએ શાશ્વતનો કાન પકડયોઃ ‘નાલાયક! એનો અર્થ એ કે તું વસંતરાયના ઘેર જઈ આવ્યો.’

‘ઓહ મમ્મી, મારો કાન…પ્લીઝ!’ પેલી સેક્રેટરી જોઈ રહી છે.’

લેડીએ કાન છોડી દેતાં કહ્યુઃ ‘પ્રેયસીના ચક્કરમાં પડયો છે તો સ્વયંપ્રભાના દેખતાં જ હું તારો કાન પકડીશ.’

સેક્રેટરી બોલીઃ ‘બરાબર છે, મેડમ’

‘યુ શટઅપ’

સેક્રેટરીએ પૂછયું: ‘આ સ્વાતિ શું ચીજ છે, મેડમ?’

લેડીએ કહ્યું: ‘સ્વાતિ એની સાળી છે.’

સેક્રેટરી બોલીઃ ‘સાળી તો પ્રેમ કરવા માટે બહુ સારી.’

લેડીએ ગુસ્સે થઈ કહ્યું: ‘શટઅપ એન્ડ ગો અવે.’

સેક્રેટરીએ હસવાનું સંકેલી લીધું.

શાશ્વતે કહ્યું: ‘મમ્મી, બિચારી સેક્રેટરીને શા માટે ધમકાવો છો. તમે છૂટ આપતાં હોવ તો સ્વાતિ જ નહીં તો આ સેક્રેટરી…’

સેક્રેટરી બોલીઃ ‘વેરી ગૂડ.’

લેડી લીલાવતીએ રાડ પાડીને કહ્યું: શટઅપ ‘બોથ ઓફ યુ…’

થોડીવાર સન્નાટો છવાય છે….અને ઘડિયાળમાં દસના ટકોરા પડે છે.

શાશ્વત ધીમે રહીને બોલ્યોઃ ‘મમ્મી, સ્વયંપ્રભા મને પસંદ છે પણ હું કોઈને કહ્યા વગર પાછો આવી ગયો છું’

‘ગૂડ બોય!’ લેડીએ સેક્રેટરી સામે જોઈ ઉમેર્યું : ‘મિસ દારૂવાલા! તમે આજે જ વસંતરાયને તારથી ખબર આપો કે આવતા મહિને લગ્નની તૈયારી રાખે. મુહૂર્ત પણ જોવરાવીને ખબર આપે.’

‘ઓ.કે. મેડમ.’ કહીને સેક્રેટરીએ વિદાય લીધી.

લેડીએ શાશ્વત તરફ ફરતાં કહ્યું: ‘હું તને પંદર મિનિટ આપું છું. ફ્રેશ થઈને બ્રેકફ્રાસ્ટ માટે નીચે આવ.’

‘ઓ.કે.મમ્મી.’ કહીને શાશ્વત એના ખંડમાં ગયો.

(ક્રમશઃ)

www.devendrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન