Recipe Make Healthy And Tasty Lilva Kachori at Home For Makar Sankarnti 2022
  • Home
  • Lifestyle
  • લીલવાની કચોરી વિના અધૂરી રહેશે ઉત્તરાયણ, આજે જ કરો તૈયારી

લીલવાની કચોરી વિના અધૂરી રહેશે ઉત્તરાયણ, આજે જ કરો તૈયારી

 | 11:02 am IST
  • Share

  • ઉત્તરાયણની કરી લો તૈયારી

  • ધાબા પરની ઠંડી ઉડાડશે ગરમ નાસ્તા

  • બનાવી લો લીલવાની ગરમાગરમ કચોરી

 

 

ગુજરાતીઓનો મનપસંદ તહેવાર એટલે ઉત્તરાયણ, પણ આ વર્ષે પણ ગયા વર્ષની જેમ કેટલીક પાબંધીઓ સાથે લોકોએ તેને ઉજવવાની રહેશે જેથી આપણે કોરોના કે ઓમિક્રોનથી બચી શકીએ. પણ તહેવારની મજા ખાણી પીણી વિના અધૂરી રહે છે. ઉત્તરાયણનો તહેવાર પણ આવો જ છે. ગુજરાતીઓ આમ પણ ખાવા પીવાના શોખીન હોય છે. તો જો હજુ પણ તમારે ધાબા પર નાસ્તાની તૈયારી બાકી છે તો તમે તેને માટે આજે જ ખાસ રીતે બનાવાતી પરંપરાગત એવી લીલવાની કચોરીની તૈયારી કરી શકો છો. ઠંડીમાં આ ગરમ નાસ્તો તમને રાહત આપશે અને સાથે જ તમારા તહેવારની મજા પણ વધારી દેશે. તો જાણી લો ખાસ રેસિપિ.

 


લીલવાની કચોરી

સામગ્રી

-500 ગ્રામ લીલવા (લીલી તુવેરના દાણા)
-20 લીલા મરચાં
-2 ઇંચ આદુનો નાનો ટુકડો
-1 ચમચી રાઈ
-2 ચમચી તલ
-2 ચપટી સાજીના ફૂલ
-2 નંગ બટાકા
-100 ગ્રામ પૌંવા
-8 ચમચી ઝીણી સમારેલી કોથમીર
-1 ચમચી લીંબુના ફૂલ
-4 ચમચી ખાંડ
-2 ચમચી ગરમ મસાલો
-600 ગ્રામ ઘઉંનો લોટ અથવા મેંદો
-2 ચમચી બૂરું ખાંડ
-1 ચમચી લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
-સૂકી દ્રાક્ષ

 

બનાવવાની રીત

સૌપ્રથમ લીલવાને ધોઈને લૂછી લો. હવે તેને અધકચરા વાટીને એક સાઈડમાં રાખો. તેમાં લીલા મરચાં, આદુને પણ વાટીને મિક્સ કરી લો. હવે એક તાંસળું કે નોનસ્ટિકની પેન લો અને તેમાં થોડું વધુ પડતું તેલ ગરમ કરો. તેમાં રાઈ, તલ, લીલાં મરચાં, આદું ઉમેરીને તેને સાંતળી લો, હવે તેમાં લીલવાનો ભૂકો ઉમેરો અને તેને પણ સતત હલાવતા રહો. હવે તેમાં મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. આ બધુ મિક્સ થાય એટલે તેમાં સાજીના ફૂલ પાણીમાં ઓગાળીને નાંખો. લીલવા ઓછા હોય તો બટાકા બાફીને છીણીને નાંખો. લીલવા ચઢી જાય એટલે બધો મસાલો નાંખો. ઘઉંના લોટમાં અથવા મેંદામાં થોડો ઘઉંનો લોટ નાંખીને ચમચી મીઠું અને બે ચમચી તેલ નાંખી લોટ બાંધો. પૂરી વણીને મસાલો ભરી કચોરી વાળો. તેને તમને મનગમતો શેપ આપો. તમે તેને ગોળ બનાવી શકો છો કે પછી ઘૂઘરાનો શેપ પણ આપી શકો છો. બીજી તરફ તેલ ગરમ મૂકો અને તેમાં ફટાફટ ધીમા તાપે આ કચોરીઓ તળી લો. તૈયાર છે ગરમાગરમ નાસ્તો. તેને તમે લીલી ચટણી સાથે પીરસી શકો છો.

નોંધ

ઉત્તરાયણમાં ધાબા પર ગરમાગરમ કચોરીની મજા માણવા તમે તેને પહેલાથી અધકચરી તળીને રાખી શકો છો. જ્યારે નાસ્તો કરવો હોય ત્યારે તમે તેને ફરી એક વાર ફ્રાય કરી લો. ધાબા પર મજા પડી જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો