વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને ઈચ્છા વ્યક્ત કરી હતી કે આ રાષ્ટ્રીય તહેવાર બંધારણના મૂલ્યોની જાળવણીની સાથે એક મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસોને વધુ મજબૂત બનાવે.


 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નેતૃત્વમાં નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસના મુખ્ય સમારોહનું આયોજન 

ભારત આજે 76મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નેતૃત્વમાં નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસના મુખ્ય સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં, વડાપ્રધાને કહ્યું, "પ્રજાસત્તાક દિવસની ઘણી શુભેચ્છાઓ! આજે આપણે આપણા ભવ્ય ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આ અવસર પર, અમે તે તમામ મહાન હસ્તીઓને વંદન કરીએ છીએ, જેમણે આપણું બંધારણ ઘડીને સુનિશ્ચિત કર્યું કે આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતા પર આધારિત છે.

તેમણે કહ્યું કે, "આ રાષ્ટ્રીય તહેવાર માત્ર આપણા બંધારણના મૂલ્યોનું જતન ન કરે પરંતુ એક મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવાની દિશામાં આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવે તેવી અમારી ઈચ્છા છે."

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆન્તો આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆન્તો આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સૈન્ય ક્ષમતા અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવવામાં આવશે.

15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો પાસેથી આઝાદી મળી હતી પરંતુ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું. બરાબર 75 વર્ષ પહેલા આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.

પરેડ સવારે 10.30 વાગ્યાની આસપાસ શરૂ થશે. તે લગભગ 90 મિનિટ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે ઉજવણીની શરૂઆત કરશે. અહીં તેઓ દેશના નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 'પરંપરાગત બગી'માં સવાર થઈને કર્તવ્ય પથ પર પહોંચશે.


  • Follow us on: