કેન્દ્રીય કમર્ચારીઓ પછી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળશે વેતનવધારો - Sandesh
  • Home
  • India
  • કેન્દ્રીય કમર્ચારીઓ પછી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળશે વેતનવધારો

કેન્દ્રીય કમર્ચારીઓ પછી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળશે વેતનવધારો

 | 9:57 am IST

સાતમાં વેતન પંચના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગારવધારો અમલમાં આવી ગયો છે. આ સંજોગોમાં જો કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં વધારો થાય તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કેમ બાકી રહે. હવે તેમને પણ પગારવધારો મળશે. આ માટેનું કારણ એ છે કે વેતન પંચના અમલ પછી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરતાં કેબિનેટ સચિવનો પગાર વધી ગયો છે. આથી દેશના બંને ટોચના હોદ્દા માટે પણ વેતનવધારાનો નિર્ણય લેવાયો છે. આ માટેની આંતરિક પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. રાષ્ટ્રપતિના વેદનમાં અઢીથી ત્રણ ગણો વધારો થવાની શક્યતા છે. જ્યારે સાંસદોના વેતનવધારાનો નિર્ણય સંસદના શિયાળુ સત્ર સુધી પાછો ઠેલાયો છે.

રાષ્ટ્રપતિનો વર્તમાન પગાર મહિને રૂ. 1.50 લાખ છે. આ પગાર વધીને મહિને ત્રણથી ચાર લાખ રૂપિયા કરવાની વિચારણા શરૂ કરી દેવાઈ છે. જ્યારે હાલમાં રૂ. 1.25 લાખ પગાર મેળવતા ઉપરાષ્ટ્રપતિના વેતનમાં પણ આ જ રીતે પ્રમાણસર વધારો કરાશે.

સરકારના મતાનુસાર રાષ્ટ્રપતિનું વેતન વર્તમાન આર્થિક માપદંડને અનુરૂપ નથી, કારણ કે વેતન પંચના અમલ પછી કેબિનેટ સચિવનું વેતન વધીને મહિને રૂ. 2.50 લાખની સપાટીએ પહોંચુ ગયું છે. આટલું જ નહીં સંયુક્ત સચિવોનો પગાર પણ રાષ્ટ્રપતિ કરતાં વધી ગયો છે. આથી સરકારે તેમના વેતનમાં વધારા માટે વિચારણા શરૂ કરી છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના વેતન વધારા પછી જ સાસંદો માટે વેતન વધારા માટે કાર્યવાહીનો આરંભ કરાશે. વધુમાં સંસદના વર્ષા સત્રનો શુક્રવારે અંત આવનાર છે.

છઠ્ઠા વેતન પંચના અમલ પછી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના વેતનમાં છેલ્લીવાર 2008માં વધારો કરાયો હતો. આ સાથે તેઓ દર મહિને રૂ. 50 હજારને બદલે રૂ. દોઢ લાખ માસિક વેતન મેળવે છે. જ્યારે ઉપરાષ્ટ્રપતિને રૂ. 1.25 લાખ પગાર મળે છે. નિવૃતિ પછી પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે તેમને વેતનના 50 ટકા માસિક પેન્શન પણ ચુકવવામાં આવશે.

આ સાથે પૂર્વ રાષ્ટ્રપતિને આજીવન સરકારી આવાસની સાથે એક અંગત સચિવ અને એક પટાવાળાની સેવા પણ સરકાર પૂરી પાડે છે. ઉપરાંત ફોન, મોબાઈલ અને ઈન્ટરનેટની સાથે ઓફિસ ખર્ચ પેટે વર્ષે રૂ. 60 હજાર ચુકવવામાં આવે છે. જ્યારે પૂર્વ ઉપરાષ્ટ્રપતિને આજીવન સરકારી આવાસની સાથે સાથે ઓફિસ ખર્ચ પેટે વાર્ષિક રૂ. 60 હજાર આપવામાં આવે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન