'Sanskriti' folk festival of Ramlila performed in Banaras on Navratri
  • Home
  • Columnist
  • નવરાત્રિ પ્રસંગે બનારસમાં ભજવાતો રામલીલાનો ‘સંસ્કૃતિ’ લોકઉત્સવ

નવરાત્રિ પ્રસંગે બનારસમાં ભજવાતો રામલીલાનો ‘સંસ્કૃતિ’ લોકઉત્સવ

 | 7:30 am IST
  • Share

શ્રદ્ધાભક્તિનો સમન્વય : બનારસની રામલીલા એટલે બનારસનો મિજાજ, ઠાઠ અને રસીલાપણું, સુઘડ બનારસીઓનો મેળો

બનારસની રામલીલાની જેમ ગુજરાતમાં ભવાઈને પુનઃજીવિત કરવા આપણેે આવું કંઈ વિચારી શકીએ?

આમ તો રામલીલા આજકાલ અનેક શહેરોમાં ભજવાય છે. પરંતુ વારાણસીની રામલીલા અને દુર્ગોત્સવમાં કોઈ વર્તમાન વિકૃતિઓ પ્રવેશી નથી. કલાની મૂળભૂત ઉત્કૃષ્ટ ભૂમિકા અને ભક્તિ શ્રદ્ધાથી પરિપુષ્ટ છે. અન્ય સ્થળો પર રામલીલાના પ્રસંગો, દશેરાના દિવસે વિજયોત્સવ, રાવણવધ ઇત્યાદિ બહુ જોરજોરથી ઊજવાય છે, પણ કાશીની અને એમાંયે રામનગરની રામલીલા એક વિશિષ્ટ પ્રકારની રામલીલા છે. અહીં શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિનો ત્રિવેણીસંગમ જોવા મળે છે. અહીં આપણે કાશીતેજ દ્વારા સંચાલિત રામનગરની રામલીલા અને કાશીની બે મહાન પરંપરા ચિત્રકૂટ, મેધાભગતની રામલીલા અને સંત તુલસીદાસકૃત ભદૈની સ્થિતિ તુલસીઘાટની રામલીલા પર ઊડતી નજર કરીએ.

ચિત્રકૂટની રામલીલા આસો સુદ નોમથી શરૂ થાય છે. પ્રથમ દિવસે મુગટપૂજન થાય છે. કાશીમાં નવરાત્રિ દરમિયાન ભજવાતી રામનગરની રામલીલા આજે પણ એટલી જ લોકપ્રિય છે. એનો પ્રારંભ કાશીમાં રાજ્યની સ્થાપના કરનાર મહારાજા બલવતસિંહે કર્યો હતો. એ સમયે આ રામલીલા દસ-બાર દિવસ સુધી જ ભજવાતી. એમના પછી તેમના કુંવર ઉદિતનારાયણ ગાદીએ આવતા રામલીલાનું મહત્ત્વ ખૂબ જ વધ્યું. એમના માટેની જનશ્રુતિ એવી છે કે એમનો રાજકુમાર બીમાર પડયો. તેમ છતાં તે શ્રદ્ધાપૂર્વક રામલીલા જોવા ગયો. ત્યાં રામ બનેલા કલાકારે મહારાજાને ફૂલોનો હાર આપ્યો. મહારાજાએ રાજકુમારને પહેરાવતા એની માદગી દૂર થઈ ગઈ. બીજી લોકવાયકા એવી છે કે મહારાજાને સંતાનસુખ નહોતું. એ વખતે રામપ્રસાદ રામાયણીના કહેવાથી એમણે રામલીલા કરાવીને સંતોનો સમાગમ કર્યો. પછી રાણીને ઓધાન રહ્યા અને નવ મહિને પૂનમના ચંદ્ર જેવા દીકરાનો જન્મ થયો. પછી મહારાજાએ શ્રદ્ધાપૂર્વક રામલીલાનો પ્રચાર પ્રગટ કર્યો એ પછી એકત્રીસ દિવસ સુધી રામલીલા ભજવાવી શરૂ થઈ.

ત્યારપછી રાજવી ઇશ્વરીનારાયણસિંહે પોતાના ગુરુ કષ્ટ જિહ્વાસ્વામી, મિત્ર ભારતેન્દુ હરિૃંદ્ર તથા મહારાજ રઘુરાજસિંહના સહકારથી રામલીલાના સંવાદોને લિપિબદ્ધ કરાવીને રામલીલામાં નાટકીય અંશોનો ઉમેરો કર્યો. ઇશ્વરનારાયણસિંહે રામનગરમાં અયોધ્યા, જનક ફુલવારી, જનકપુર, પંચવટી, અશોકવાટિકા, પમ્પાપુર આદિ સ્થળો પસંદ કરીને રામલીલા રજૂ કરવા માટે અનુકૂળ સ્થળો બનાવ્યા. આ સ્થળો માઇલો સુધી વિસ્તારોમાં પથરાયેલા છે. રામલીલાના પાત્રો સાથે દર્શકો પણ સરઘસરૂપે આ સ્થળો પર જાય છે. આજે નવી પેઢીને થકવનારી લાગે છે.

આ રામલીલામાં વીજળીના ગોળા, માઇક કે રંગનેય રંગમંચ નથી હોતા. લાંબા વાસ પર કિસન લાઇટો લટકાવી દેવામાં આવે છે. વિશાળ મેદાનના મધ્યભાગમાં લીલાના સ્થળની ચોતરફ પ્રેક્ષકો ગોઠવાઈ જાય છે. રામલીલાથી થોડે દૂર મીઠાઈ, નમકીન, રેવડી, પાન અને રમકડાંની દુકાનો ગોઠવાઈ જાય છે. બીજી તરફ આવેલા તંબુઓમાં રામલીલા માટે વસ્તુઓ બનાવનારા કુટુંબો હોય છે. મજાની વાત એ છે કે મુસ્લિમ કલાકારો રામલીલા માટેની સામગ્રી તૈયાર કરી આપે છે. પચાસ પચાસ ફૂટ ઊંચાં પૂતળાઓ, વિશાળકાય મેઘનાદ, કુંભકર્ણ, રાક્ષસો, હાથી, ઘોડા, રથ વાંસ વગેરે રંગીન કાગળમાંથી તૈયાર કરે છે. આ રામલીલા લગભગ 27 દિવસ સુધી ચાલે છે.

સાંજે સાડા પાંચવાગે રામલીલાના સ્થળ પર કાશીનરેશ શ્રી વિભૂતિસિંહ નારાયણસિંહ બે શ્વેત ઘોડાની બગીમાં પધારે છે મહારાજાની સવારી પણ જોવા જેવી હોય છે. આગળ ધજાપતાકા લઈને દોડતા ઘોડેસવારો, ઢોલ-નગારાં વગાડતા ઘોડેસવારોનો ઠાઠ પણ દર્શનીય બની રહે છે. રસ્તામાં ઊભેલી જનમેદની ‘હર હર મહાદેવ’ના ઘોષ કરીને અભિવાદન કરે છે. રાજવી પ્રસન્ન મુદ્રામાં પ્રજાનું અભિવાદન ઝીલે છે. આ રાજવી વિદ્વાન બ્રાહ્મણો, કર્મકાંડીઓનો આદર કરનાર લોકપ્રિય વ્યક્તિ છે. તેઓ મહેલના પરિસરમાં ફરતા હોય ત્યારે એક વિદ્વાન બ્રાહ્મણ વેદની ઋચાઓનો પાઠ કરતો હોય છે, આવા પ્રજાપ્રિય રાજવી રામલીલામાં આદિથી અંત સુધી હાજરી આપે છે.

બનારસ (કાશી)ની રામલીલા એટલે બનારસનો મિજાજ, ઠાઠ અને રસીલાપણું, શ્રદ્ધાભક્તિનો સમન્વય, સુઘડ બનારસીઓનો મેળો. આ મેળામાં લોકો હોડીઓમાં બેસીને રામનગર જાય છે. કેટલાક પોતાની ઘોડાગાડીઓમાં, કેટલાક શણગારેલા અશ્વો પર રામલીલાના સ્થળે જાય છે. રામનગર ચાર સ્થળો વિશેષરૂપે લહેરીલાલાઓ માટે પ્રખ્યાત છે. રતનબાગ, રામબાગ, પંપા સરોવર, તળાવ પર દાલબાટી અને વિજયા (ભાંગ) તૈયાર કરી લસોટીને ગોળીઓ વાળે. મસ્તીથી તળાવમાં સ્નાન કરે. સફેદ ધોતી ધારણ કરે, ઉપવસ્ત્ર પહેરે, તેના ઉપર સુંદર બનારસી ભાતની છાપ હોય. કપાળે ત્રિપંુડ તાણે, ગળામાં માળા ધારણ કરી આંખમાં સુરમો આંજે અને અડવાણા પગે ચાલતા ચાલતા રામજીના દર્શન કરી રાજાનું અભિવાદન કરે છે.

રામલીલા એ એક અનોખો નાટયપ્રયોગ છે. હજારો પ્રેક્ષકો મધ્યમાં રંગમંચ અને કોઈ પણ આધુનિક પ્રકારના આધુનિક પ્રદર્શન વગર રામલીલા ભજવાય છે. વૃદ્ધ વ્યાસજી શેરવાની, સફેદ પાઘડી અને ધોતી અને હાથમાં ચાંદીનો મૂઠવાળો દંડ લઈ પાત્રોની પાછળ સૂચના આપતા રહે છે. રામલીલામાં સ્ત્રી પાત્રો પણ પુરુષો જ ભજવે. રામલીલાનો કલાપ્રક્ષ એટલો સમૃદ્ધ છે. વિશાળ પૂતળાઓ, એને શણગાર, રંગબેરંગી કાગળો દ્વારા અદ્ભુત લીલા, અનેક પ્રકારનાં આયુધો, સાધનો, ઘોડા, હાથ, રથ, વાનરો રાક્ષસોના નાના બાળકો, એના મુખવટા, હનુમાન, સુગ્રીવ, જાંબુવાન, નળ, નીલ, અંગદ, રાવણ એવા અનેક પાત્રોના વસ્ત્ર પરિધાન રંગબેરંગી હોય છે. દશેરાના દિવસે રાજાની સવારીનું દૃશ્ય પણ એટલું જ રોમાંચક બની રહે છે. આજે આ જૂનવાણી વેશભૂષા આભાહીન બની ગઈ છે. મધ્યપ્રદેશની સરકારનું ધ્યાન આ લોકકલા બચાવવા તરફ ગયું હોવાથી સરકાર દર વર્ષે ભોપાલમાં સમસ્ત ભારતના વિવિધ પ્રદેશોમાં ભજવાતી રામલીલાના કલાકારોનું દર વર્ષે સંમેલન યોજે છે તથા તેના પ્રયોગોની રજૂઆત પણ કરે છે. ગુજરાતમાં ભવાઈને પુનઃજીવિત કરવા આપણેે આવું કંઈ વિચારી શકીએ?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો