Saurashtra Heavy Rain Of 12.4 inches of rain in 18 hours in Junagadh, 10.52 inches in Mangrol
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પડતાં પર પાટું, સૌરાષ્ટ્ર માટે મેઘ’કહેર’: 18 કલાકમાં જૂનાગઢમાં 12.4, માંગરોળમાં 10.52 ઈંચ વરસાદ

પડતાં પર પાટું, સૌરાષ્ટ્ર માટે મેઘ’કહેર’: 18 કલાકમાં જૂનાગઢમાં 12.4, માંગરોળમાં 10.52 ઈંચ વરસાદ

 | 6:43 am IST
  • Share

  • તૌકતે વાવાઝોડા પછી બીજી આકાશી આફત
  • સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદથી ચારેકોર જળબંબાકારની સ્થિતિ
  • 19મી સુધી વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

તૌકતે વાવાઝોડા પછી બીજી આકાશી આફત ત્રાટકી છે. રવિવાર-સોમવારે સૌરાષ્ટ્રમાં ૩૦ ઇંચ સુધી વરસાદ વરસાવનાર મેઘરાજા મંગળવારે પણ અનરાધાર વરસ્યા હતા. પરિણામે ખેતીવાડીને પારાવાર નુકસાન થયું છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે સતત બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સોમવાર દિવસ અને રાત બાદ મંગળવારે પણ વરસાદની તોફાની બેટિંગ યથાવત્ રહી હતી.

સોમવાર રાતના ૧૨થી મંગળવાર સાંજના ૬ વાગ્યા સુધીના ૧૮ કલાકમાં જૂનાગઢમાં ૧૨.૪ ઈંચ અને માંગરોળમાં ૧૦.૫૨ ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. જોકે હજુ ૧૯મી સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જામનગરના અલિયાબાળા અને વંથલી વચ્ચે ૨૦૦ મીટરના રેલવે ટ્રેકમાં ૬ જગ્યાએ ભારે ધોવાણ થતા રેલ વ્યવહાર સવારથી જ બંધ કરી દેવાયો હતો.

મંગળવારે દિવસ દરમિયાન કુલ ૧૫૭ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો. જૂનાગઢ, જામનગર, છોટા ઉદેપુર, સુરત, પોરબંદર, અમરેલી, રાજકોટ અને ગિર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ જ દરમિયાન માંગરોળમાં ૬.૨૮ ઈંચ, જૂનાગઢ શહેર, કેશોદમાં પાંચ અને વંથલીમાં ૩.૭૨ ઈંચ વરસાદ પડયો હતો, જ્યારે માળિયામાં ૩.૭૬ ઈંચ વરસાદ પડયો છે.

બારડોલીમાં બપોર સુધી અઢી ઈંચ અને મહુવા તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ જ્યારે તાપીના ઉચ્છલમાં ૩ ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારીના ખેરગામમાં ૩.૪ ઇંચ, ગણદેવીમાં ૨ ઇંચ, ચીખલીમાં ૨.૫૨ ઇંચ નોંધાયો છે. વાપીમાં ૪.૦૪, વલસાડમાં ૩.૬૮, ઉમરગામમાં ૩.૧૨, કપરાડામાં ૨.૯૨, ધરમપુરમાં ૨.૮૪ અને પારડીમાં ૨.૨ ઇંચ વરસાદ પડયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન