Shah Rukh Khan hits sixes in last ball, Tamil Nadu record third time champion
  • Home
  • Sports
  • Cricket
  • શાહરુખ ખાને છેલ્લા બોલે છગ્ગો માર્યો, તામિલનાડુ વિક્રમી ત્રીજી વખત ચેમ્પિયન

શાહરુખ ખાને છેલ્લા બોલે છગ્ગો માર્યો, તામિલનાડુ વિક્રમી ત્રીજી વખત ચેમ્પિયન

 | 7:09 am IST
  • Share

  • કર્ણાટક 7/151, તામિલનાડુ 6/153, શાહરુખ પ્લેયર ઓફ ધ મેચ 

  • 38 દિવસના ગાળામાં યલો જર્સી પહેરનાર ચેન્નઇ

  • ઓસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડ કપ અને તામિલનાડુ ચેમ્પિયન બની 

 

સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી જીતવા માટે તામિલનાડુને છેલ્લા બોલે પાંચ રનની જરૂર હતી અને શાહરુખ ખાને છગ્ગો મારીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી દીધી હતી. તામિલનાડુએ ફાઇનલ મેચમાં કર્ણાટકને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. તામિલનાડુએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

અંતિમ ત્રણ ઓવરમાં તામિલનાડુને 36 રનની જરૂર હતી

કર્ણાટકની ટીમે સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. તેના જવાબમાં તામિલનાડુએ છ વિકેટે 153 રન બનાવીને ટ્રોફી જીતી લીધી હતી. કર્ણાટકના બોલર્સે 17 ઓવર્સ સુધી ચુસ્ત બોલિંગ કરી હતી. અંતિમ ત્રણ ઓવરમાં તામિલનાડુને 36 રનની જરૂર હતી. 18મી ઓવરમાં પેસ બોલર પ્રતીક જૈને છ રન આપીને એક વિકેટ ઝડપી હતી. બે ઓવરમાં 20 રનની જરૂર હતી. 19મી ઓવરમાં 14 રન બનાવ્યા હતા.

શાહરુખે આ ઓવરના છેલ્લા બોલે પણ છગ્ગો ફટકાર્યો 

શાહરુખે આ ઓવરના છેલ્લા બોલે પણ છગ્ગો ફટકાર્યો હતો અને ચાર રન બાયના સ્વરૂપે મળ્યા હતા. અંતિમ ઓવરમાં 16 રન બનાવવા હતા. 20મી ઓવરના પ્રથમ બોલે સાઇ કિશોરે બાઉન્ડ્રી મારી હતી. પ્રારંભિક પાંચ બોલમાં 11 રન બની ચૂક્યા હતા અને છેલ્લા બોલે પાંચ રનની જરૂર હતી. શાહરુખે છેલ્લા બોલે છગ્ગો ફટકારીને તામિલનાડુને ચેમ્પિયન બનાવી દીધું હતું.  

શાહરુખે 57માંથી 33 રન બનાવી ટીમનો વિજય  

પ્લેયર ઓફ ધ મેચ બનેલા શાહરુખે 15 બોલમાં એક બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે અણનમ 33 રન બનાવ્યા હતા. તે ક્રિઝ ઉપર આવ્યો ત્યારે તેની ટીમને 28 બોલમાં 57 રનની જરૂર હતી. તેણે 57માંથી 33 રન બનાવીને ટીમનો વિજય મેળવ્યો હતો. તામિલનાડુ માટે નારાયણ જગદીશને 41 તથા હરિ નિશાંથે 23 રન બનાવ્યા હતા. કર્ણાટકની ઇનિંગમાં મુખ્ય યોગદાન અભિનવ મનોહરના 46 તથા પ્રવીણ દુબેના 33 રનનું રહ્યું હતું.

2021માં યલો જર્સીવાળી ત્રીજી ટીમ ચેમ્પિયન બની 

તામિલનાડુ વિક્રમી ત્રીજી વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું અને આ સતત બીજું ટાઇટલ છે. આ પહેલાં ટીમ 2006-07માં પણ ચેમ્પિયન બની હતી. કર્ણાટક, ગુજરાત અને બરોડા બે-બે વખત ચેમ્પિયન બની ચૂકી છે. 2020માં તામિલનાડુ બરોડાને હરાવીને ચેમ્પિયન બની હતી. રસપ્રદ બાબત એ છે કે, 2021ના વર્ષમાં યલો જર્સી પહેરનાર ત્રીજી ટીમ ચેમ્પિયન બની છે. 15મી ઓક્ટોબરે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઇ સુપર કિંગ્સ આઇપીએલ ટી20 લીગમાં ચેમ્પિયન બની હતી. ત્યારબાદ 14મી નવેમ્બરે ઓસ્ટ્રેલિયન ટીમે આઇસીસી ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ બંને ટીમ યલો જર્સીમાં રમી હતી. તામિલનાડુ પણ યલો જર્સીમાં રમી હતી. આમ 38 દિવસમાં યલો જર્સીવાળી ત્રણ ટીમે વિવિધ ટી20 ટાઇટલ જીત્યા છે.  

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો