શિરડી વિવાદનો અંત : સીએમ ઉદ્ધવે શિરડીવાસીઓની બધી માગ સ્વીકારી - Sandesh
  • Home
  • India
  • શિરડી વિવાદનો અંત : સીએમ ઉદ્ધવે શિરડીવાસીઓની બધી માગ સ્વીકારી

શિરડી વિવાદનો અંત : સીએમ ઉદ્ધવે શિરડીવાસીઓની બધી માગ સ્વીકારી

 | 2:36 am IST

। અહમદનગર ।

શિરડી સાંઈબાબાનાં જન્મસ્થળને કારણે ચાલી રહેલા વિવાદનો સોમવારે આખરે અંત આવ્યો હતો. મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યનાં પાથરી ગામને સાંઈબાબાનું જન્મસ્થળ ગણાવતા વિવાદ સર્જાયો હતો. આ પછી શિરડીનાં રહીશો તેમજ શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મામલે સખત નારાજગી દર્શાવવામાં આવી હતી અને શિરડી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે સીએમ સાથે વાતચીત થયા પછી આખા વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

નવો વિવાદ નહીં જાગે તેવું આશ્વાસન

શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટનાં પ્રતિનિધિમંડળનાં સભ્ય અને શિવસેનાનાં નેતા કમલાકર કોઠેએ જણાવ્યું હતું કે, સીએમ ઉદ્ધવ ઠાકરે  દ્વારા તમામ માગણીઓ સ્વીકારવામાં આવ્યા પછી આખું આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. કોઠેએ કહ્યું કે, સીએમ ઠાકરેએ જે કહ્યું તેનાંથી શિરડીનાં લોકોને સંતોષ થયો છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે આ મુદ્દે હવે નવો કોઈ વિવાદ જાગશે નહીં. આ મુદ્દે વાતચીત કરવા સીએમ ઠાકરેએ સોમવારે બેઠક બોલાવી હતી જેમાં સીએમ ઠાકરે, બાલાસાહેબ થોરાટ, અજિત પવાર, આદિત્ય ઠાકરે અને શ્રી સાંઈબાબા સંસ્થાનનાં ટ્રસ્ટનાં સીઈઓ અને ડીએમ મુગલીકર હાજર રહ્યા હતા.

શિરડી બંધ રહ્યું હતું

ભૂતકાળમાં ક્યારેય સાંઈબાબાનાં જન્મસ્થળ અંગે આવો વિવાદ જાગ્યો ન હતો. સીએમ ઠાકરેએ પાથરીને તેમનું જન્મસ્થળ ગણાવતા શિરડીવાસીઓએ રવિવારે શિરડી બંધનું અભૂતપૂર્વ એલાન આપ્યું હતું. જો સીએમ તેમનું નિવેદન પાછું ન ખેંચે તો અનિશ્ચિત મુદત માટે શિરડીબંધની જાહેરાત થવાની હતી. રવિવારે શિરડીમાં મુખ્ય સમાધી મંદિર સિવાય બજારો, દુકાનો અને અન્ય સંસ્થાઓ સજ્જડ બંધ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન